સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં થાય છે. સઈદ નફીસીના પિતા ડૉક્ટર અલી અકબર તેહરાનના જાણીતા તબીબ હતા.

સઈદ નફીસીએ ઉચ્ચ શિક્ષણ અને બહોળો અનુભવ મેળવીને લેખક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ઈરાનમાં અને ત્યારબાદ સ્વિટ્ઝર્લૅન્ડ તથા પૅરિસ જઈને વિશ્વસાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ઈરાન પાછા ફર્યા બાદ સરકારી સંસ્થાઓમાં શાસન સંબંધી સેવાઓ અને ત્યારબાદ યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક સેવાઓ આપી હતી. તેમણે ભારત (શાંતિનિકેતન), પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સોવિયેટ રશિયા, સ્વીડન, ડેન્માર્ક, જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, ચેકોસ્લોવૅકિયા, રુમાનિયા, બુલગારિયા, ફ્રાન્સ, ઇટાલી, ઇંગ્લૅન્ડ, યુ.એસ., સીરિયા તથા મિસરમાં મુલાકાતી અધ્યાપક તરીકે પ્રશંસનીય કામ કર્યું હતું.

સઈદ નફીસી પ્રથમ પંક્તિના આધુનિક લેખક છે. તેમની નાની- મોટી લગભગ 220 કૃતિઓ પ્રગટ થઈ ચૂકી છે. તેમણે હૉમરના પુસ્તક ‘ઇલિયડ અને ઑડિસી’નો જે ફારસી અનુવાદ કર્યો હતો તે ઘણો લોકપ્રિય બન્યો છે. તેમની શૈલી સાદી, સરળ અને સ્વાભાવિક લાગે છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી