સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા અને પછી કવિ તથા લેખક તરીકે ખ્યાતિ મેળવી ત્યારે અમીર-ઉમરાવો સાથે તેમના સંબંધો બંધાયા. આજના અફઘાનિસ્તાનના શહેર ગઝની તથા મધ્ય એશિયાના ખ્વારઝમના પ્રદેશોમાં રહીને તેમણે અરબી ભાષા તથા સાહિત્યની નોંધપાત્ર સેવા બજાવી હતી. તેમની કૃતિઓની હસ્તપ્રતો અરબ દેશો ઉપરાંત યુરોપનાં પુસ્તકાલયો તથા સંગ્રહસ્થાનોમાં પણ પર્યાપ્ત છે અને જર્મની, ઇંગ્લૅન્ડ તથા મિસરમાંથી અવારનવાર પ્રસિદ્ધ થઈ ચૂકી છે. તેમની કૃતિઓની કુલ સંખ્યા પચાસ જેટલી છે; જેમાંથી સૌથી વધુ વિખ્યાત અને ખરેખર જ્ઞાનસભર પુસ્તકનું નામ ‘યતીમતુદ દહર’ છે. આ કૃતિમાં સઆલિબીએ પોતાના પુરોગામી અને સમકાલીન કવિઓનાં જીવનચરિત્રો અને તેમની કવિતાના વિસ્તૃત નમૂના એકત્રિત કર્યા છે. આનો ખુલાસો ખુદ લેખકે ‘તતિમ્મતુલ યતીમ’ નામે તૈયાર કર્યો હતો. બીજા અરબ લેખકોએ પણ મૂળ પુસ્તકના ખુલાસા કર્યા છે તથા તેની ઉપર ટિપ્પણીઓ લખી છે. તેમણે પોતાની કવિતાના ચૂંટેલા ભાગો પણ વિવિધ શીર્ષકો હેઠળ સંપાદિત કર્યા હતા; દા.ત., ‘અહસન’, ‘ખાસુલ ખાસ’, ‘અલ-મુન્તહલ’, ‘તરાઇફ’. આ સંગ્રહોમાંથી કેટલાકમાં લેખકની ગદ્યકૃતિઓનો પણ સમાવેશ થાય છે. સઆલિબીની અન્ય કૃતિઓમાં ‘કન્ઝુલ કુત્તાબ’ (રાજ્ય-સચિવો માટે માર્ગદર્શન), ‘નસરૂન્નઝમ’ (પદ્યનો ગદ્યમાં અનુવાદ) વગેરેનો સમાવેશ થાય છે. તેમણે મનોરંજનસભર કૃતિઓ પણ લખી છે; જેમાં ‘લતાઇફુલ મઆરિફ’, ‘કિતાબુલ ફરાઇદ’, ‘કિતાબુલ મુબાહિજ’ અને ‘કિતાબુ ગુરરિલ બલાઘા’નો સમાવેશ થાય છે.

સઆલિબી ભાષાશાસ્ત્ર(philology)માં પણ નિપુણ હતા. આ શાસ્ત્રમાં તેમની કૃતિ ‘સમ્સુલ અદ્બ’ નામે પ્રખ્યાત છે.

સઆલિબીએ ગઝના ઉપરાંત બુખારા, જુર્જાન, જ્યૉર્જિયા તથા બગદાદનો પ્રવાસ પણ ખેડ્યો હતો.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી