સઆદત યારખાનરંગીન [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા.

1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે વર્ષ બાદ લખનૌમાં નવાબ મિર્ઝા સુલેમાન શોકોહની સેવામાં જોડાયા. લખનૌમાં નવ વર્ષ ગાળ્યા બાદ તેઓ બંગાળના પ્રવાસે નીકળ્યા. પછી ગ્વાલિયર પહોંચ્યા અને 6 વર્ષ સુધી તેમણે સિંધિયાઓની સેવા કરી. તે પણ છોડી દીધી અને ઘોડાઓના વેપાર અને પ્રવાસ તરફ વળ્યા. 1827માં બંડા ગયા.

તેઓ અનેક ભાષાઓના જાણકાર હતા અને તેમાં તેમણે કાવ્ય-રચનાઓ કરી છે. કાવ્યરચના કરવાનું તેઓ તેમના ગુરુ શાહ હતિમ પાસેથી શીખ્યા. તેમણે ઉર્દૂમાં ગઝલો, રેખ્તી, દીવાન, સંખ્યાબંધ મસ્નવી અને અન્ય કેટલીક પદ્યકૃતિઓ રચી છે.

તેમના ચાર દીવાન જેવા કે, ‘દીવાન-એ-રેખ્તા’ (1787); ‘દીવાન-એ-બેખ્તા’, ‘દીવાન-એ-અમેખ્તા’ અને ‘અંગેખ્તા’ ઉલ્લેખનીય છે. ‘મસ્નવી દિલ્પઝિર’, ‘ફરાસનામા’, ‘ઇજાદ-એ-રંગીન’માં તેમની ખૂબ જાણીતી મસ્નવીઓ છે. ‘મજલિસ-એ-રંગીન’માં તેમની પદ્યકૃતિઓ છે.

‘રંગીને’ તેમના રંગીન સ્વભાવ પ્રમાણે નારીલક્ષણી કવિતા ‘રેખ્તી’નો પ્રયોગ ઉર્દૂ સાહિત્યમાં દાખલ કર્યો. તેમાં સ્ત્રીઓ સાથે સંકળાયેલા વહેમો અને ક્રિયાકાંડની વિપુલતા અને સ્ત્રીઓના જીવનનું ચિત્રાંકન છે. તેમનું ‘મસ્નવી’ ‘દિલ્પઝિર’ 1798માં રચાયેલું, પરંતુ હજી તે અપ્રગટ છે. તે પહિયોની વાર્તાપ્રકારની એક ઉત્તમ મસ્નવી કૃતિ છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા