સંસ્કૃતિ (સામયિક) : 26 જાન્યુઆરી, 1947થી ઑક્ટોબર-ડિસેમ્બર 1984 સુધી કવિ શ્રી ઉમાશંકર જોશીના તંત્રીપદે ચાલેલું ગુજરાતી સામયિક. આ સામયિકની શરૂઆત માસિક તરીકે થઈ ને પછી તે 1980થી ઉમાશંકરે જ 1984માં બંધ કર્યું ત્યાં સુધી ત્રૈમાસિક રહેલું. સાહિત્ય ઉપરાંત ધર્મ, કેળવણી, સમાજકારણ, રાજકારણ, અર્થકારણ આદિ અનેક ક્ષેત્રોને આવરી લેતું આ સામયિક એના નામ પ્રમાણે જ સમસામયિક સાંસ્કૃતિક ચલણોવલણોને રજૂ કરનારું હતું. સંસ્કૃતિપુરુષ ઉમાશંકરે આ સામયિક એની મૂલ્યવત્તા ને ગુણવત્તા બરોબર જાળવીને એકધારું 38 વર્ષ સુધી ચલાવ્યું.

આ સામયિકનો મુદ્રાલેખ શ્રીમદ્ભાગવતમાંનો આ શ્લોકખંડ હતો : ‘सत्यं परं धीमहि।’ તેના મુખપૃષ્ઠ ઉપર જીવન-માંગલ્યસૂચક કુંભની મુદ્રા આપવામાં આવતી હતી. વળી તેના મુખપૃષ્ઠ પર અવારનવાર કેટલીક વિભૂતિઓ ને શિલ્પાદિની તસવીરો, ઉત્તમ કલાકારોનાં ચિત્રો વગેરે છાપવામાં આવતાં. આ સામયિકના બાહ્ય કલેવરમાં પણ સાદાઈ, સ્વચ્છતા ને સુઘડતા વરતાતાં હતાં. ઉમાશંકરે 1984માં ‘સંસ્કૃતિ’ના પૂર્ણાહુતિ અંકમાં લખેલું :

‘‘સમયની સાથે ગાઢ અનુસંધાનપૂર્વક જીવવાની તક મળે એ દૃષ્ટિથી પ્રેરાઈને ‘સંસ્કૃતિ’ કાઢ્યું અને જીવવાની એક પ્રક્રિયા રૂપે ચાલ્યું એટલે ક્ષણે ક્ષણે એનો આનંદ જ લૂંટ્યો છે.’’

ઉમાશંકર 1946ની આખરમાં ગુજરાત વિદ્યાસભામાંથી સ્વેચ્છાએ મુક્ત થયા ત્યારે જાતે વહોરેલી નવરાશથી પોતે કટાઈ ન જાય ને સમયની સાથે ગાઢ અનુસંધાનપૂર્વક જીવવાની તક મળે એવી મુખ્ય પ્રેરણાથી તેમણે આ સામયિક શરૂ કર્યું. ‘સંસ્કૃતિ’ નામ ત્યારે તેમને સહજતયા જ સ્ફુરેલું. તેમણે ‘સંસ્કૃતિ’ના પ્રથમ અંકના ઊઘડતા પૃષ્ઠ પર શિવસંકલ્પ રજૂ કરતાં એક મહત્ત્વની વાત આ પણ જણાવેલી :

‘ઘરના ચણતરમાં મોભ ચડાવવાની ઘડી આવે છે તે આજની ઘડી છે.’

જેમ આનંદશંકરના ‘વસંત’ની, રામનારાયણ વિ. પાઠકના ‘પ્રસ્થાન’ની તેમ જ ઉમાશંકરના આ ‘સંસ્કૃતિ’ની સુજ્ઞ સંસ્કારી વર્ગમાં સારી પ્રતિષ્ઠા હતી.

આ સામયિકનો પ્રારંભ બહુધા તંત્રી ઉમાશંકરના અગ્રલેખથી થતો. તે ઉપરાંત તેઓ ‘સમયરંગ’ની નોંધો લખતા. વળી એમાં ‘સ્વાધ્યાય અને સમીક્ષા’, ‘પત્રમ્ પુષ્પમ્’ અને ‘અર્ઘ્ય’ જેવા વિભાગો પણ રહેતા.

તંત્રી તરીકે ઉમાશંકર જીવનનાં વિવિધ ક્ષેત્રોને લગતા  ખાસ કરી વિદ્યા, કળા-સાહિત્ય અને કેળવણીને લગતા કોઈ ને કોઈ મહત્ત્વના મુદ્દાને લઈ સંક્ષિપ્ત લેખ લખતા; આ લેખો પછી ‘ઉઘાડી બારી’ (1959) અને ‘શિવસંકલ્પ’ (1978) રૂપે ગ્રંથસ્થ થયા છે. આ લેખો દ્વારા ગુજરાતી સાહિત્યને લઘુનિબંધનું એક આકર્ષક સ્વરૂપ ખેડાયેલું મળ્યું. ઉમાશંકરની બહુમુખી સર્જકતા એમનાં અહીંનાં લખાણોમાં તેમ એમના ‘સંસ્કૃતિ’ના સંપાદનમાં પણ જોઈ શકાય છે. કૃષ્ણવીર દીક્ષિત જણાવે છે તેમ, ઉમાશંકર તેમની અખિલાઈમાં ‘સંસ્કૃતિ’માં પ્રગટ થાય છે.

ઉમાશંકરે ‘સમયરંગ’માં સંસ્કાર અને સંસ્કૃતિના ક્ષેત્રે ઘટતી વિવિધ ઘટનાઓના સંદર્ભમાં વ્યદૃષ્ટિ-સમદૃષ્ટિ-ચેતનાના સમસામયિક રંગોને-સંવેદનો ને સ્પંદોને ઝીલીને તેની સવિવેક રજૂઆત કરી જનમતને જાગ્રત કરવાનું ને કેળવવાનું લક્ષ્ય પણ રાખેલું. વળી, અહીં તંત્રી તરીકેના તેમના પ્રતિભાવોમાં એમના મૂલ્યનિષ્ઠ સારસ્વતધર્મનું દર્શન પણ થાય છે. ઉમાશંકરે ‘સમયરંગ’માં વિવિધ ક્ષેત્રોમાં ચાલતાં વિચાર-આંદોલનો, સાંસ્કૃતિક વિષયોને લગતાં સંમેલનો, પરિષદો, સંવિવાદો ને પરિસંવાદો, સમારોહો ને મહોત્સવો વગેરેની તેમ નવા ગ્રંથો-સામયિકોનાં પ્રકાશનો વગેરેનીય વૃત્તાંતનોંધો આપવાનો ઉપક્રમ સ્વીકાર્યો હતો. વિવિધ ક્ષેત્રોની વિભૂતિઓ સાથેના પ્રત્યક્ષ યા પરોક્ષ સંબંધોના આધારે તેમણે લખેલી અવસાનનોંધો, અભિવાદનનોંધો, ચરિત્રનોંધો વગેરેમાંથી તેમના હૃદયમાં જે તે વિભૂતિઓની જે છબિઓ અંકાયેલી તે જોવા મળે છે. આનંદશંકરની જેમ એમાં એમના ‘હૃદયના હક’નું પ્રવર્તન પણ અનુભવી શકાય છે. ઉમાશંકરનો વિશ્વપ્રેમ, માનવપ્રેમ, પ્રકૃતિપ્રેમ ને પૃથ્વીપ્રેમ, લોકશાહીપ્રેમ ને સંસ્કૃતિપ્રેમ, ગાંધીપ્રેમ ને કલાપ્રેમ  આ બધાંના પરિણામસ્વરૂપ એક જવાબદાર સાહિત્યસર્જક-શિક્ષક અને પત્રકારના સારભૂત આત્મરંગનો સંતર્પક પરિચય ‘સમયરંગ’માંથી મળી રહે છે. ‘સંસ્કૃતિ’નાં પાનાં પર પણ ‘અવનિનું અમૃત’ પીરસવાની એમની મથામણ જોઈ શકાય છે.

‘સંસ્કૃતિ’માં અન્ય ક્ષેત્રોના મુકાબલે સાહિત્યનું ક્ષેત્ર વધુ પ્રગટ થયાનો ભાવ જરૂર થાય. વીસમી સદીના ઉત્તરાર્ધની સર્જકતાના  એ ગાળાના સાહિત્યનાં વહેણોનો એક સમૃદ્ધ આલેખ ‘સંસ્કૃતિ’માંથી પામી શકાય એમ છે. ઉમાશંકરના તેમ અન્ય અનેક સાહિત્યકારો ને મનીષીઓનાં સર્જન-વિવેચનનાં વિવિધ સ્વરૂપો, એમનાં ચિંતન-મનન-વાચનના નિચોડરૂપ લખાણો, કેફિયતો, મુલાકાતો, વ્યાખ્યાનો, ચર્ચાઓ ને ચર્ચાપત્રો વગેરેની અવનવી સામગ્રી ‘સંસ્કૃતિ’માં પીરસાયેલી આસ્વાદવા મળે છે. ‘સંસ્કૃતિ’એ વિશેષ ભાવે સાક્ષરયુગ, ગાંધીયુગ ને અનુગાંધીયુગના લગભગ બધા જ મહત્ત્વના અવાજો ઝીલી ઝીલીને સંભળાવવાનું યુગકાર્ય અદા કર્યું છે. ‘સંસ્કૃતિ’ આપણા બૌદ્ધિકો માટે ‘ઓપન ફોરમ’રૂપ સામયિક બની રહ્યું. વિવિધ વિચારધારાઓ ધરાવતા ચિંતકો-સર્જકોને એક મંચ પર રજૂ કરવાનું ઇષ્ટ કાર્ય તેમણે કર્યું. સાચો સાહિત્યકાર ને પત્રકાર પોતાની સ્વધર્મનિષ્ઠા ને કર્તવ્યપાલનથી કેવું દૃષ્ટિપૂત, મન:પૂત વાતાવરણ જ્ઞાન-વિજ્ઞાન ને સાહિત્ય-કલાના ક્ષેત્રે બાંધી શકે તેનો સંકેત ‘સંસ્કૃતિ’ આપે છે.

‘સંસ્કૃતિ’માં ‘જિપ્સીની આંખે’ (કિશનસિંહ ચાવડા – ‘જિપ્સી’), ‘ધર્માનુભવની સ્મરણયાત્રા’ (કાકાસાહેબ), ‘ચોપાટીને બાંકડેથી’ (ચુનીલાલ મડિયા), ‘ગુજરાતી સમાજનાં વહેણો’ (ડૉ. સુમન્ત મહેતા) અને સ્વામી આનંદનાં પ્રથમ વાર જ પ્રકાશિત થતાં ચરિત્રાત્મક લખાણો જેવી અનેક મહત્ત્વની લેખમાળાઓ રજૂ થતી હતી. ભારતીય સાહિત્યને વિશ્વસાહિત્યની સમૃદ્ધિ અનુવાદ, ચયન-સંપાદન, સંક્ષેપ આદિ દ્વારા ‘સંસ્કૃતિ’માં પ્ર-દર્શિત થતી રહેતી હતી. વ્યાકરણ-ભાષાવિજ્ઞાનથી માંડીને ઍબ્સર્ડિટી સુધીનાં જ્ઞાન-વિજ્ઞાનના અનેકવિધ વિષયો સુધી ‘સંસ્કૃતિ’નો વ્યાપ હતો. ગુજરાત, ભારત અને વિશ્વ સમસ્તની સાંસ્કૃતિક ગતિવિધિનો યથાવકાશ ખ્યાલ આપવાનો ઉપક્રમ ‘સંસ્કૃતિ’એ સાદ્યંત નિભાવ્યાનું પ્રતીત થાય છે.

‘સંસ્કૃતિ’એ એના કાર્યકાળ દરમિયાન નવ વિશેષાંકો આપ્યા હતા : (1) ‘સંસ્કૃતિ’નો 101મો અંક – મે, 1955; (2) 200મો અંક  ‘વિવેચન અંક’  ઑગસ્ટ, 1963; (3) ‘શેક્સપિયર અંક’  એપ્રિલ, 1964; (4) 300મો અંક – ‘કવિતા વિશેષાંક (‘કાવ્યાયન’)  ડિસેમ્બર, 1971; (5) ‘શરતચંદ્ર જન્મ-શતાબ્દી અંક’ – ફેબ્રુઆરી, 1977; (6) ‘તૉલ્સ્તૉય વિશેષાંક’ – જાન્યુઆરી, 1979; (7) ‘કાવ્ય પ્રતિભાવ વિશેષાંક’ – ઑક્ટોબર-ડિસેમ્બર, 1980 તથા જાન્યુઆરી-માર્ચ, 1981; (8) ‘સર્જકની આંતરકથા વિશેષાંક’ – જાન્યુઆરી-માર્ચ, 1984 તથા એપ્રિલ-જૂન 1984; (9) ‘પૂર્ણાહુતિ વિશેષાંક’ – ઑક્ટોબર-ડિસેમ્બર, 1984. આ વિશેષાંકોમાંથી કેટલાક સ્વતંત્ર ગ્રંથો રૂપે પણ પછી પ્રકાશિત કરવામાં આવેલા.

ઉમાશંકરનું ‘સંસ્કૃતિ’ ગુજરાતના જે અત્યંત મહત્ત્વનાં સામયિકો ગણાય એમાંનું એક છે. ઉમાશંકરને તથા એમના યુગને સમજવા માટે ‘સંસ્કૃતિ’ના અંકો બહુ ઉપયોગી સંદર્ભસામગ્રી પૂરી પાડે છે. ગુજરાત અને ભારતના સાંસ્કૃતિક સ્વરૂપનો બોધ કરાવવામાં આ સામયિક ખૂબ ઉપયોગી થાય એવું છે. એક અર્થમાં ઉમાશંકર એટલે ‘સંસ્કૃતિ’ અને ‘સંસ્કૃતિ’ એટલે ઉમાશંકર  એવું સમીકરણ પણ કોઈ માંડે. ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના એક ઉજ્જ્વળ પ્રકરણ રૂપે ‘સંસ્કૃતિ’ આગામી દાયકાઓમાં પણ પ્રસ્તુત હોવાનું જણાય એવી ગુણવત્તા ને સત્ત્વશીલતા એમાં હતી.

ચંદ્રકાન્ત શેઠ