સંથાલ પરગણાં : બ્રિટિશ શાસનકાળ દરમિયાન અસ્તિત્વ ધરાવતો તત્કાલીન બિહાર રાજ્યનો જિલ્લો; ભૌગોલિક સ્થાન : 24° 30´ ઉ. અ. અને 87° 21´ પૂ. રે.ની આજુબાજુનો 14,200 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લેતો હતો.

આ પ્રદેશ ગંગા નદીના દક્ષિણ ભાગમાં કાંપના મેદાની ભાગથી બનેલો છે. તેની પૂર્વમાં જંગલઆચ્છાદિત રાજમહાલ ટેકરીઓ આવેલી છે, જ્યારે તેની પશ્ચિમ અને દક્ષિણ તરફ ખાબડખૂબડવાળો સમતળ પ્રદેશ આવેલો છે. અહીં ડાંગર, મકાઈ, ચણા અને તેલીબિયાંના પાક લેવાય છે. આ પ્રદેશમાં વહેતી મોર અને અજય નદીઓનાં પાણી સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે. આ વિસ્તાર રેતીખડકો અને ચૂનાખડકોવાળો છે તથા અહીં લોહઅયસ્ક, તાંબા અને સીસાનાં ખનિજો, કોલસો, ચિનાઈ માટી અને અગ્નિજિત માટીના જથ્થા મળે છે. આ આર્થિક પેદાશોનું ખનન પણ થાય છે.

સંથાલ જાતિના લોકોએ કરેલા બળવાને કારણે 1854-56માં આ જિલ્લાની રચના કરવામાં આવેલી. અહીં સંથાલ અને પહાડિયા જાતિના લોકો વસતા હતા. ડુમકા નગર તે વખતે જિલ્લામથક હતું. 1981ની વસ્તીગણતરી મુજબ જાતિ અને ભાષાને આધારે સંથાલ પરગણાં વિભાગના ચાર (ડુમકા, દેવગઢ, સાહિબગંજ અને ગોડ્ડા) જિલ્લા રચવામાં આવેલા. બિહાર રાજ્યમાંથી ઝારખંડ રાજ્ય જુદું પડ્યું ત્યારે ને નવા જિલ્લા રચાયા તેમાં સાહિબગંજ જિલ્લાનું વિભાજન કરીને પકુર જિલ્લો અલગ પાડવામાં આવેલો છે.

નીતિન કોઠારી