સંતોષ, ગુલામ રસૂલ

January, 2007

સંતોષ, ગુલામ રસૂલ (. 1929, શ્રીનગર, કાશ્મીર) : આધુનિક ભારતીય ચિત્રકાર. ‘નવતાંત્રિક’ ચિત્રો ચીતરવા માટે તેઓ જાણીતા છે. વડોદરા ખાતેની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં નારાયણ શ્રીધર બેન્દ્રે પાસે તેમણે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. 1950માં તેઓ કલાકારજૂથ ‘પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ્સ ઍસોસિયેશન’માં સભ્ય તરીકે જોડાયા. ત્યાંથી 1954માં તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. આરંભમાં સંતોષ વાસ્તવવાદી અને ઘનવાદી શૈલીઓમાં નિસર્ગ-ચિત્રણા કરતા. પછીના તબક્કામાં તેમણે માનવઆકૃતિઓ ચીતરવી શરૂ કરી; પરંતુ 1955થી ફરીથી તેમણે માનવઆકૃતિઓનો ત્યાગ કરી માત્ર નિસર્ગચિત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 1959માં સંતોષે નિસર્ગચિત્રણાનો ફરી એક વાર ત્યાગ કર્યો. હવે તેમને મધ્યયુગીન ભારતની તાંત્રિક કલામાંથી પ્રેરણા સાંપડી. આ પ્રેરણા કલાના વિષય/વસ્તુ અંગે હતી. સંભોગરત શિવપાર્વતીની મિથુન આકૃતિઓને તેમણે આધુનિક ઘનવાદી શૈલીમાં તૈલરંગો, મીણરંગો (encaustic) અને જળરંગો વડે આલેખવી શરૂ કરી. આ અંગે કેટલુંક માર્ગદર્શન તેમને દક્ષિણ ભારતના અગ્રણી આધુનિક ચિત્રકાર કે. સી. એસ. પણિક્કર પાસેથી મળ્યું. પણિક્કરે આધુનિક શૈલીઓ વડે તાંત્રિક અભિવ્યક્તિ કરીને ચિત્રો સર્જવાની પહેલ કરી હતી. આથી પણિક્કર, સંતોષ, આદિ આધુનિક તાંત્રિક ચિત્રકારોની કલા ‘નવતાંત્રિક’ (Neotantric) તરીકે ઓળખ પામી.

ગુલામ રસૂલ સંતોષ

સંતોષે ભારતનાં વિવિધ નગરો ઉપરાંત અમેરિકા, કૅનેડા, જાપાન, હૉંગકૉંગ અને સિંગાપુરમાં પ્રદર્શનો કર્યાં છે. ચિત્રકલા માટે તેમને 1973માં રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો. 1977માં ભારતના પ્રમુખે ‘પદ્મશ્રી’ ઍવૉર્ડ વડે તેમનું સન્માન કરેલું. એમણે કાશ્મીરી ભાષામાં કવિતા પણ લખી છે. ‘સમુંદર પ્યાસા હૈ’ (1964) એમની પહેલી નવલકથા છે. તેમના એક કાશ્મીરી કાવ્યસંગ્રહ ‘બેસુખ રુહ’ને 1978માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પણ મળ્યો છે. તેમણે ‘ઝે બુત’ નામે એક નાટક અને ‘ક્યુબરેઝ’ નામે એક ઑપેરા પણ લખ્યાં છે. ‘કસૂર આદાબ’ નામના માસિકનું સંપાદન પણ તેમણે કરેલું.

દિલ્હી ખાતેની કેન્દ્રીય લલિત કલા અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર તેમને 1957માં મળેલો. તેમજ ધ ગવર્નર ઑવ્ બૉમ્બે ઍવૉર્ડ, કાશ્મીર ગવર્નમેન્ટ ઍવૉર્ડ અને કાલિદાસ જયંતિ ઍવૉર્ડ તેમને પ્રાપ્ત થયા હતા. ભારતના અનેક શહેર ઉપરાંત તેમણે ન્યૂયૉર્ક, લોસ એન્જલસ, તેલ અવિવ અને કાબુલમાં પણ પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. તેમનાં ચિત્રો ન્યૂયૉર્કના મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ, અમેરિકાના બેન ઍન્ડ એબી ગ્રે ફાઉન્ડેશન તથા દિલ્હીના નૅશનલ ગૅલેરી ઑવ્ મૉડર્ન આર્ટમાં કાયમી ધોરણે સ્થાન પામ્યાં છે.

મહેશ ચોકસી

અમિતાભ મડિયા