સંચાલનીય અંકુશ : કોઈ પણ ધંધાકીય કે બિનધંધાકીય સંગઠનમાં સત્તાની સોંપણીને આધારે સંચાલકો દ્વારા સતત ચકાસણીનું અને કાબૂ કેળવવાનું કાર્ય. તે વ્યક્તિના જૂથના કે વ્યવસ્થાતંત્રના વર્તન ઉપર અસર પાડવાની પ્રક્રિયા છે. તે લક્ષ્ય નક્કી કરવાની, સાધનો મેળવવાની, સંકલન કરવાની, સહકારવૃત્તિને ઉત્તેજન આપવાની, માહિતીસંચાર જાળવવાની, વિવિધ કાર્યો વચ્ચે સમતુલા જાળવવાની અને કાર્યની પ્રગતિ પર નિયંત્રણ રાખવાની ચક્રાકાર પ્રક્રિયા છે. તે અપેક્ષિત કાર્ય અને વાસ્તવિક કાર્ય તેમજ અપેક્ષિત પરિણામ અને વાસ્તવિક પરિણામ વચ્ચે તુલના કરતા રહેવાનું અને પ્રવૃત્તિઓને લક્ષ્યની દિશામાં દોરવાનું કાર્ય છે. સંચાલનના તમામ સ્તરે સંચાલકોએ પ્રત્યેક ક્ષણે યોજતા રહેવાનું તે ભવિષ્યલક્ષી કાર્ય છે.

અંકુશના (1) પ્રત્યક્ષ અને પરોક્ષ; (2) ટેક્નિકલ, વહીવટી, નાણાકીય અને વર્તનલક્ષી; (3) ઉત્પાદન, વિપણન, નાણાં, કર્મચારી અને કાર્યાલયને લગતાં; (4) આયોજન, વ્યવસ્થાકાર્ય, દોરવણી અને મૂલ્યાંકનને લગતાં; (5) લાંબા ગાળાનાં અને ટૂંકા ગાળાનાં  એવાં અનેક વર્ગીકરણ કે પ્રકાર પાડી શકાય.

સંચાલનીય અંકુશના વિવિધ ઉદ્દેશો છે : (1) પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રવૃત્તિનું લક્ષ્ય પાર પાડવું; (2) અપેક્ષિત અને વાસ્તવિક કાર્ય કે પરિણામનું વિચલન શોધવું અને તે દૂર કરવા ઉપાયો યોજવા; (3) વિવિધ વ્યક્તિઓ, જૂથો અને વિભાગો વચ્ચે સાધનોના ઉપયોગનું સંકલન કરવું; (4) યંત્રો, ઓજારો અને સાધનોને લઘુતમ ઘસારો પહોંચે તે જોવું અને ઓછામાં ઓછી મૂડીના રોકાણની જરૂર પડે તેમ કરવું; (5) કર્મચારીઓને સ્થિર વેતને રોજગારી મળતી રહે તેની ગોઠવણ કરવી અને (6) કર્મચારીઓની નવશોધનની પ્રવૃત્તિને ઉત્તેજન આપવું.

સંચાલકો અંકુશના જે જુદા જુદા ઉપાયો અને પદ્ધતિઓનો ઉપયોગ કરે છે તેમનો ઉદાહરણાત્મક નિર્દેશ આ પ્રમાણે કરી શકાય : અંકુશ માટેના અલગ વિભાગની રચના, અવલોકન, લેખિત અને મૌખિક સૂચનાઓ, નીતિઓ અને કાર્યવિધિઓ, કાર્યક્રમો, નિયમો, અગાઉની માહિતી અને અહેવાલ, વિચલન-વિશ્લેષણ, ઉત્પાદન આયોજન અને નિયમન, સ્વયંસંચાલિત અંકુશ, સમયાંકન અને માર્ગનિર્ધારણ, ઇન્વેન્ટરી અંકુશ, રૈખિક સમતુલન, બગાડ-નુકસાન-નિવારણ, પડતર-અંકુશ, વેતન-અંકુશ, ગુણવત્તા-અંકુશ, હિસાબ અને અન્વેષણ, રોકડ-અંકુશ, શાખ-અંકુશ, રોકાણ પર વળતરનો દર, સમ-તૂટ બિંદુ-વિશ્લેષણ, પ્રગતિ-વિશ્લેષણ, અવૈધ ચર્ચાસભાઓ, સ્વ-અન્વેષણ અગર સંચાલનીય અન્વેષણ વગેરે.

જ. ઈ. ગઠિયાવાલા