શ્રીમતી માણેકબા વ્યાયામ વિદ્યાભવન, અડાલજ

January, 2006

શ્રીમતી માણેકબા વ્યાયામ વિદ્યાભવન, અડાલજ : મહિલાઓને શારીરિક શિક્ષણ આપતી ગુજરાતની એક મહત્વની સંસ્થા. અમદાવાદની ખ્યાતનામ શેઠ ચી. ન. વિદ્યાવિહાર સંકુલના પગલે પગલે પૂર્વ શિક્ષણમંત્રી સ્વ. શ્રીમતી ઇન્દુમતીબહેન શેઠના પ્રયત્નોથી ઈ. સ. 1959માં અમદાવાદથી 22 કિમી. દૂર અમદાવાદ-મહેસાણાના રાજમાર્ગ પર આવેલા અડાલજ મુકામે ગ્રામજનો તથા રાજ્ય સરકારના સહયોગથી બહેનોના શિક્ષણ માટે શ્રીમતી માણેકબા વિનય વિહાર સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું. કુલ 132 એકર જેટલી વિશાળ ભૂમિમાં પથરાયેલું આ સમગ્ર શૈક્ષણિક સંકુલ વિશેષ કરીને સ્ત્રીશિક્ષણક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ માટે પ્રેરણારૂપ છે. આ સંકુલમાં કુલ સાત શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે. તેમાંની એક ‘શ્રીમતી માણેકબા વ્યાયામ વિદ્યાભવન’ છે. આ સંસ્થા સી. પી. એડ્.ના અભ્યાસક્રમથી 1964માં શરૂ કરવામાં આવી હતી અને 1972થી ડી. પી. એડ્.નો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. સી. પી. એડ્.નો બે વર્ષનો અભ્યાસક્રમ 12મા ધોરણ પછીનો છે, જ્યારે ડી. પી. એડ્.નો અભ્યાસક્રમ સ્નાતક પછીનો એક વર્ષનો છે. આ સંસ્થા ફક્ત બહેનો માટે જ છે. આ બંને અભ્યાસક્રમોમાં વિદ્યાર્થિનીઓને પ્રવેશ, શારીરિક શિક્ષણ નિરીક્ષકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રવેશ કસોટીના આધારે આપવામાં આવે છે. આ સંસ્થા પાસે રાજ્ય સરકાર દ્વારા નિર્મિત ધારાધોરણો મુજબનાં મેદાનો, જિમ્નેશિયમ, પુસ્તકાલય, ઑફિસ તથા લેક્ચર હૉલની, 120 તાલીમાર્થીઓને રહેવાના છાત્રાલય તથા રસોડાની વ્યવસ્થા છે. સી. પી. ઍડ્.માં 70 બહેનો અને ડી. પી. ઍડ્.માં 35 બહેનોને પ્રવેશ આપવામાં આવે છે. સંસ્થામાં અભ્યાસક્રમ ઉપરાંત સ્કાઉટ-ગાઇડની પ્રવૃત્તિની સાથે પર્વતારોહણની તાલીમ પણ બહેનોને આપવામાં આવે છે. સંસ્થામાં રાજ્ય સરકારના ધારાધોરણ મુજબનો લાયકાતવાળો શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ રાખવામાં આવેલ છે. હાલમાં (2006) સંસ્થાના ચૅરમૅન તરીકે સુહૃદભાઈ એસ. સારાભાઈ અને મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે સૌભાગ્યચંદ્ર કે. શાહ કામગીરી બજાવે છે.

હર્ષદભાઈ પટેલ

તરુબહેન પટેલ