શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી મહિલા વિદ્યાપીઠ

January, 2006

શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી મહિલા વિદ્યાપીઠ : 19મી સદીમાં સ્ત્રીજીવન-સુધારાના હિમાયતી ‘ભારતરત્ન’ મહર્ષિ ધોંડો કેશવ કર્વે દ્વારા સ્થાપિત વિદ્યાપીઠ. કર્વેના માટે સ્ત્રીઓને શિક્ષણ આપવાની પ્રવૃત્તિ એક અગત્યનું સેવાકાર્ય હતું. તેઓ સ્ત્રીશિક્ષણ-પ્રવૃત્તિને ‘દેશકાર્ય’, ‘ધર્મકાર્ય’ માનતા હતા.

ઈ. સ. 1896માં પૂના નજીકના હિંગણેમાં પ્રો. કર્વેએ વિધવા અને અસહાય સ્ત્રીઓ માટે હિન્દુ વિડોઝ હોમ ઍસોસિયેશન નામની સંસ્થા સ્થાપેલી. સ્ત્રીજીવનની જરૂરિયાતો પૂરી પાડે એવો સરળ, ગૃહજીવનને ઉપયોગી અભ્યાસક્રમ તેમણે આશ્રમવાસી બહેનો માટે તૈયાર કરેલો. સુધારાના ભાગ રૂપે તેમણે ગોંદુબાઈ નામની વિધવા સાથે લગ્ન પણ કરેલાં.

શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી મહિલા વિદ્યાપીઠ

સપ્ટેમ્બર 1915માં જાપાનમાં સ્ત્રીઓની વિદ્યાપીઠ વિશે વાત કરતી વખતે પ્રો. કર્વેના મનમાં ભારતીય મહિલાઓ માટેની વિદ્યાપીઠનો વિચાર ઉદભવેલો. ડિસેમ્બર 1915માં મુંબઈમાં ભરાયેલ ‘ઇન્ડિયન નૅશનલ સોશિયલ કૉન્ફરન્સ’ના પ્રમુખીય વક્તવ્યમાં આ વિચાર તેમણે પ્રથમ વાર રજૂ કરેલો. ફેબ્રુઆરી 1916માં ‘હિન્દુ વિડોઝ હોમ એસોસિયેશન’ની સામાન્ય સભામાં ‘ભારતીય મહિલાઓ માટેની વિદ્યાપીઠ’ સ્થાપવા માટેની સમિતિ નિયુક્ત કરવામાં આવી. તા. 3-6-1916ના રોજ પુણેની ફર્ગ્યૂસન કૉલેજમાં ભરાયેલી સેનેટની પ્રથમ બેઠકમાં ભારતની પ્રથમ ‘મહિલા વિદ્યાપીઠ’નું ઔપચારિક ઉદ્ઘાટન થયેલું. ઈ. સ. 1949માં મુંબઈની ધારાસભા (Bombay Legislative Assembly) દ્વારા વિદ્યાપીઠનું બંધારણ ઘડાયું. ઈ. સ. 1951માં સંસ્થાને કાયદાકીય સ્વાયત્ત ઓળખ પ્રાપ્ત થઈ. વિદ્યાપીઠ ‘શ્રી ના. દા. ઠા. મ. યુનિવર્સિટી’ (S. N. D. T. Womens’ University) નામે ઓળખાતી થઈ. શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાનો સ્વીકાર થયો.

તા. 5-7-1916ના રોજ પાંચ વિદ્યાર્થિનીઓને પ્રવેશ અપાયો, ત્યારથી 5મી જુલાઈ સંસ્થાના સ્થાપનાદિન તરીકે ઊજવાય છે. એ વખતે સ્નાતકની પદવી G. A. (ગૃહીતાગમા), અનુસ્નાતકની પદવી P. A. (પ્રદ્યોતાગમા) નામે અપાતી. ઈ. સ. 1919માં વારુબાઈ શેવડે પ્રથમ સ્નાતક, અને ઈ. સ. 1926માં ગોદાવરી કેતકર પ્રથમ અનુસ્નાતક થનાર વિદ્યાર્થિનીઓ.

ઈ. સ. 1917માં અધ્યાપિકા શાળા અને ટ્રેનિંગ કૉલેજ ફૉર વિમેનની શરૂઆત થઈ. ઈ. સ. 1920માં સંસ્થાનો વિકાસસૂચક સમય આવ્યો. સર વિઠ્ઠલદાસ ઠાકરશીએ પોતાની માતા શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશીના નામે રૂ. 15 લાખનું અનુદાન આપ્યું.

ઈ. સ. 1916થી ઈ. સ. 1951 સુધી કાયદાકીય ઓળખ પૂર્વેના સમયમાં સર લલ્લુભાઈ શાહ, મિ. બાલક રામ, ડૉ. વી. જી. નાડગીર, સર એસ. એસ. પાટકર, દીવાનબહાદુર ઝવેરી, શારદાગૌરી મહેતા, હંસાબહેન મહેતા આદિએ સંસ્થાના ઉપકુલપતિ (વાઇસ-ચાન્સેલર) તરીકે સેવા આપેલી. 1951થી 1952 અને 1957થી 1969 દરમિયાન ડૉ. પ્રેમલીલા વિઠ્ઠલદાસ ઠાકરશી ઉપકુલપતિ હતાં. 1952થી 1957 દરમિયાન દીવાન બહાદુર કૃષ્ણલાલ મો. ઝવેરી ઉપકુલપતિ હતા.

ઈ. સ. 1922માં અમદાવાદમાં યુનિવર્સિટીની પ્રથમ સંલગ્ન કૉલેજ શરૂ થઈ. ઈ. સ. 1923માં વડોદરામાં અને ત્યારપછી આજ સુધીમાં મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, મધ્યપ્રદેશ, હરિયાણામાં મળીને આશરે સવાસોથી વધુ સંલગ્ન કૉલેજો ચાલે છે. જુદાં જુદાં સ્થળે કાર્યરત કૉલેજોને કારણે સ્ત્રીશિક્ષણના દરમાં ધરખમ વધારો નોંધાયો. લાભુબહેન મહેતા, હીરાબહેન પાઠક, હીરાબહેન શાહ, પૂર્ણિમા પકવાસા, વસુબહેન ભટ્ટ, અરુણાબહેન દેસાઈ, રંભાબહેન ગાંધી, પદ્મા ફડિયા, હર્ષિદાબહેન પંડિત જેવી વિવિધ સામાજિક ને શૈક્ષણિક ક્ષેત્રે સફળ મહિલાઓની કારકિર્દીનું શ્રેય આ સંસ્થાને શિરે જાય છે.

શિક્ષણક્ષેત્રે જ કારકિર્દી બનાવનાર મહિલાઓની વધતી માગને ધ્યાનમાં રાખી, ઈ. સ. 1960માં પી. વી. ડી. ટી. કૉલેજ ઑવ્ એજ્યુકેશન શરૂ કરવામાં આવી. આ જ વર્ષે ગૃહવિજ્ઞાનની ડિગ્રી માટેનો અભ્યાસક્રમ નક્કી કરાયો. ઈ. સ. 1961માં એમ. પી. ટી. સ્કૂલ ઑવ્ લાઇબ્રેરી સાયન્સ અને ઈ. સ. 1964માં એલ. ટી. કૉલેજ ઑવ્ નર્સિંગની શરૂઆત થઈ. શૈક્ષણિક સલાહ, માર્ગદર્શન, જુદા જુદા સ્તરે રોજગારની માહિતી થકી વિદ્યાર્થિનીઓને સહાયભૂત થવા ઈ. સ. 1965માં સ્ટુડન્ટ્સ સર્વિસીસ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો. ઈ. સ. 1966થી આજ (2006) સુધીનો સમય સ્ત્રીજીવનના વિકાસ માટે કાર્યરત રહેલી આ સંસ્થાનો સુવર્ણયુગ બની રહ્યો છે. વિજ્ઞાન, કમ્પ્યૂટર, ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી, ઈ-લર્નિંગ જેવા અભ્યાસક્રમો ભવિષ્યની માગને આધારે તૈયાર કરવામાં આવ્યા છે.

ઈ. સ. 1963માં સંસ્થાનું નવું મકાન બંધાયેલું તેનું ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ કરેલું. ઈ. સ. 1966માં સંસ્થાના સુવર્ણ મહોત્સવ જયંતી કાર્યક્રમનું ઉદ્ઘાટન ભારતનાં તે વખતનાં વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના હાથે થયેલું. આ કાર્યક્રમના સમાપનસત્રના પ્રમુખ હતા રાષ્ટ્રપતિ ડૉ. ઝાકિરહુસેન.

ઘણી સ્ત્રીઓ એવી હોય છે જે યુનિવર્સિટી કે કૉલેજ જઈ શિક્ષણ લઈ શકે તેમ નથી હોતી. સ્ત્રીઓની આ અગવડ દૂર કરવા 1930માં સંસ્થાએ ખાનગી પરીક્ષા પદ્ધતિ દાખલ કરેલી. આ સગવડને ઈ. સ. 1979માં સ્થાયી રૂપ મળ્યું ને પુણે તેમજ મુંબઈ ખાતે સેન્ટર ફૉર ડિસ્ટન્સ એજ્યુકેશન શરૂ થયું. સમયની સાથે તાલ મિલાવતી આ યુનિવર્સિટીના કુલ ત્રણ પરિસર છે : (1) પુણે, (2) ચર્ચગેટ (મુબંઈ), (3) જુહુ (મુંબઈ). ત્રણે પરિસરમાં વહીવટી, વિદ્યાકીય અને છાત્રાલયનાં સુવિધાપૂર્ણ ભવનો છે. મુંબઈ અને પુણેમાં મળીને યુનિવર્સિટીની કુલ બે કન્યાશાળાઓ પણ છે.

વ્યાવસાયિક અભ્યાસક્રમોની વધતી માગને ધ્યાનમાં રાખી ઈ. સ. 1971માં ડિપાર્ટમેન્ટ ઑવ્ કન્ટિન્યૂઇંગ ઍન્ડ ઍડલ્ટ એજ્યુકેશન ઍન્ડ એક્સટેન્શન વર્ક શરૂ થયું. ઈ. સ. 1974માં જુહુમાં રિસર્ચ સેન્ટર ફૉર વિમેન્સ સ્ટડિઝનો આરંભ થયો.

ઈ. સ. 1975થી ઈ. સ. 1981માં સંસ્થાનાં ઉપકુલપતિ હતાં ડૉ. મધુરીબહેન શાહ. ઈ. સ. 1976માં પી. વી. પૉલિટૅક્નિક, ઈ. સ. 1978માં ઍનાલિટિકલ કેમિસ્ટ્રી અને ઈ. સ. 1980માં ફાર્મસી કૉલેજો શરૂ કરવામાં આવી. ઈ. સ. 1981થી ઈ. સ. 1985 સુધી ઉપકુલપતિ હતાં ડૉ. જ્યોતિબહેન એચ. ત્રિવેદી. એમના સમયથી જ અનુસ્નાતક ગુજરાતી વિભાગને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા સ્પેશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામનો પ્રૉજેક્ટ મળ્યો છે. ઈ. સ. 1985માં ‘કમ્પ્યૂટર સાયન્સ’ ક્ષેત્રે યુનિવર્સિટીએ પદાર્પણ કર્યું. વિવિધ અભ્યાસક્ષેત્રોને કારણે સ્ટાફ અને વિદ્યાર્થિનીઓની સંખ્યા પણ ક્રમશ: વધતી ગઈ છે.

પ્રો. કમલિનીબહેન એચ. ભણસાલી (પ્રિયદર્શિની ઍવૉર્ડ વિજેતા, ઈ. સ. 1986થી ઈ. સ. 1989), ડૉ. સુમાબહેન ચિટનીસ (ઈ. સ. 1990થી ઈ. સ. 1996), ડૉ. મરિયમ્મા વર્ગીસ (ઈ. સ. 1996થી ઈ. સ. 2001) અનુક્રમે આ મહિલા વિદ્યાપીઠનાં ઉપકુલપતિ રહી ચૂક્યાં છે. ડૉ. મરિયમ્મા વર્ગીસના સમયમાં સંસ્થાને ‘Naac’ના પંચતારકોનું સન્માન મળ્યું છે. પરિવર્તન પામતા જતા સમયને અનુરૂપ રહી આ સર્વ ઉપકુલપતિઓએ સંસ્થાના વિકાસમાં જરૂરી પ્રદાન કર્યું છે.

ઈ. સ. 2001થી યુનિવર્સિટીની ધુરા ઉપકુલપતિ પ્રો. રૂપાબહેન શાહ સંભાળી રહ્યાં છે. ઈ. સ. 2002માં પ્રો. રૂપાબહેનને ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી ‘ઑનરરી કર્નલ રૅન્ક’(Sena Medal)નું બહુમાન પ્રાપ્ત થયું છે. એમનાં સ્ત્રીશિક્ષણ અને સમાજહિતનાં કાર્યોને લક્ષમાં લઈ તેમને ‘પ્રિયદર્શિની’ ઍવૉર્ડથી પણ નવાજવામાં આવ્યાં છે. સાંપ્રત સમયના સમાજની સમસ્યાઓના નિવારણ માટે સ્ત્રીશક્તિ કેવા ઉમદા પ્રકારે કાર્યરત થઈ શકે તેના જીવંત ઉદાહરણ રૂપે પ્રો. રૂપાબહેને આતંકવાદ સમાજહિતવિરોધી તત્વ વિશે ગોળમેજી ચર્ચા-સભા ઉપરાંત ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં વિદ્યાર્થિનીઓની મહાસભાનું આયોજન કરેલું. સાંપ્રત સમાજની ત્વરિત બદલાતી દિશા પ્રત્યે સતત સભાન રહી તેમણે વિદ્યાપીઠની ઉજ્જ્વળ પીઠિકાને દૃઢ બનાવી છે.

‘संस्कृत स्त्रा पराशक्ति’ – એ શ્રી ના. દા. ઠા. મ. વિ.નો ધ્યાનમંત્ર છે. મહર્ષિ ધોંડો કેશવ કર્વેએ સ્ત્રીશિક્ષણક્ષેત્રે હિંમતભેર માંડેલ પ્રથમ પગલામાં પછી તો અનેક વિચક્ષણ બુદ્ધિવાદીઓનાં પગલાંનો સાથ મળતો ગયો છે. જેના પરિણામે સ્ત્રીજીવનમાં ફેલાયેલ અંધકારને દૂર કરતો શિક્ષણદીપનો પ્રકાશ આ વિદ્યાપીઠ દ્વારા ફેલાયેલો જોઈ શકાય છે.

નૂતન મનોજ જાની