શેતોબ્રિયાં ફ્રાંસ્વા

January, 2006

શેતોબ્રિયાં ફ્રાંસ્વા (. 1768; . 1848) : ફ્રેન્ચ લેખક અને રાજનીતિજ્ઞ. ફ્રેન્ચ સાહિત્યમાં ઘણી વાર તેમને ‘Father of Romanticism’ કહેવામાં આવે છે. બ્રેટન (Breton) પરિવારમાં જન્મ. થોડા સમય માટે લશ્કરમાં જોડાયા. પછી 1791માં અમેરિકાનો પ્રવાસ કર્યો; જે ‘વૉયેજ ઍન અમેરિક’માં વર્ણવાયો છે. ફ્રાન્સ પાછા આવ્યા પછી નામુર પાસે લશ્કરમાં હતા ત્યાં મૃત્યુ પામ્યા એવી અફવા જાગેલી; 1793થી 1800 સુધી તે લંડનમાં અધ્યાપન અને અનુવાદનાં કાર્યક્ષેત્રોમાં સેવાઓ આપતા રહ્યા. 1797માં ‘ઍસે સુર લૅ રેવોલ્યુશન્સ’ પ્રકટ કર્યો. જંગલી લોકોનાં જીવન વિશેની એક પ્રેમકથા ‘અતાલા’(Atala – 1801)એ તેમને સાહિત્યિક સ્થાન અને યશ આપ્યાં. 1802માં પ્રકટ થયેલ ‘જેની દુ ક્રિસ્ટિનિઝમ’ જેમાં રોમન ચર્ચનો બચાવ છે, તે પુસ્તક દ્વારા ફ્રેન્ચ સાક્ષરોની હરોળમાં આવી ગયા. તેમણે નેપોલિયનના શાસન હેઠળ સેવાઓ આપેલી. રોમમાં એમ્બસીમાં મંત્રી તરીકે (1803) હતા. એક રાજનીતિજ્ઞની હત્યા પછી એમણે નેપોલિયન હેઠળ કાર્ય કરવાની સ્પષ્ટ ના કહી, અને 1806માં પૂર્વ તરફ ગ્રીસ, પેલેસ્ટાઇન, ઇજિપ્તના પ્રવાસે નીકળી ગયા. 1809માં ‘લે માર્ટિર્સ’ નામનું મહાકાવ્ય ગદ્યમાં રચ્યું. તેમની રાજકીય કારકિર્દીમાં આગળ વધતાં તે 1822-24 દરમિયાન બ્રિટિશ કોર્ટના ઍમ્બેસેડર બનેલા. વડાપ્રધાન બનવામાં નિરાશા સાંપડતાં ‘રૉયલિસ્ટ’માંથી ‘લિબરલ’ તરીકે 1830માં બહાર આવ્યા. પણ ચાર્લ્સ-Xના પતન પછી ફરીથી રૉયલિસ્ટ સાથે જોડાયા. લુઈ ફિલિપના શાસનકાળ દરમિયાન શેતોબ્રિયાં ‘સંસ્મરણો’ (‘‘Memories d’outre tombe’’) લખવામાં મગ્ન રહ્યા. આ કૃતિ તેમની યશોદાયી કૃતિ બની. આ આત્મકથામાંના કેટલાક ખંડો તેમના મૃત્યુ પહેલાં પ્રકટ થયેલા; પણ સમગ્ર આત્મકથા 6 ખંડોમાં 1902માં પ્રકાશિત થઈ. અનુવાદ પણ 1902માં જ થયેલો. એમનાં અન્ય લખાણોમાં Itine’raire de Paris  a ‘Jerusalem’ (1811) છે. ઉત્તર અમેરિકાના બર્બરતાભર્યા જીવનને આલેખતી કૃતિ ‘Les Natches’ (1826) છે. ‘Rene’ અને Le Dernier des Abence ‘rages’ – તે બે કલ્પનોત્થ સાહિત્યની રચનાઓ છે.

‘જૅની’માં શેતોબ્રિયાંની કૃતિઓનું હાર્દ છે  તેમાં ખ્રિસ્તી ધર્મ સર્વ ધર્મોમાં સૌથી માનવીય અને ઊર્મિશીલ છે એવી એમની ઢ માન્યતા છે. પછીના સર્જકોની એક આખી રોમૅન્ટિક પેઢીને આ કૃતિમાંથી પ્રેરણા મળી છે. ‘અતાલા’ નાયિકાનું નામ છે, પણ મૂળે તો ‘જૅની’માં આવતી એક ઘટના રૂપે જ હતી; પણ તેને સ્વતંત્રપણે પ્રકટ કરવામાં આવી હતી. ‘જૅની’માં એક વૃદ્ધ ઇન્ડિયન – ચૅકતાસ એક યુવાન ફ્રેન્ચ રૅનને પોતાની કથા કહે છે; અને રૅનેની જીવનકથા સમાંતર રીતે ‘રૅને’ નવલકથામાં આલેખવામાં આવી છે. હિંસક ટોળીથી પકડાયેલા ચૅકતાસને યુવાન ખ્રિસ્તી અતાલા છોડાવે છે; અતાલા ચૅકતાસને ચાહે છે, પણ અંતે સંજોગોને વશ બની આત્મહત્યા કરે છે. નવલકથા તેની ચિત્રાત્મક શૈલી માટે નોંધપાત્ર બને છે. ‘રૅને’નો નાયક રૅને છે. નવલકથામાં આત્મકથનાત્મક તત્ત્વ રહેલું છે. ખરેખર તો તે ‘જૅની’ના બીજા ખંડનું ચોથું પુસ્તક છે. રૅનેનો તેની બહેન એમીલી માટેનો અનુરાગ, અને શેતોબ્રિયાંનો તેની બહેન લ્યુસીલી સાથેનો આદર્શયુક્ત સંબંધ સમાંતર વહે છે. હતાશ રૅનેને તેની બહેન એમીલી સાથે શાંતિનો અનુભવ થાય છે. જોકે એમીલી આવા સંબંધથી ગભરાઈ એક કૉન્વેન્ટમાં જોડાઈ જાય છે. રૅને અમેરિકા જતો રહે છે. દર્દભરી શૈલીની આ વાર્તાએ ‘mal du siecle’ (‘malody of the age’) વ્યથાભર્યું જીવન જીવતા નાયકોની એક પરંપરા સ્થાપી, જે રોમૅન્ટિક વલણનું એક મુખ્ય લક્ષણ છે. આમ રાજનીતિ ઉપરાંત શેતોબ્રિયાંએ સાહિત્યક્ષેત્રે અવનવાં ખેડાણો કર્યાં છે.

અનિલા દલાલ