શેખ, કબીરુદ્દીન

January, 2006

શેખ, કબીરુદ્દીન (ઈ. સ.ની 15મી સદી) : ગુજરાતના ઇસ્માઇલી નિઝારીઓ એટલે કે ખોજાઓના ‘સતપંથ’ સંપ્રદાયના એક પીર. ગુજરાતમાં ઈસુની 12મી સદીમાં નૂર સતગરે પાટનગર પાટણથી ઇસ્લામનો પ્રચાર શરૂ કર્યો હતો. એમનું મૂળ નામ નૂરુદ્દીન અથવા નૂરશાહ હતું અને ‘નૂર સતગર’ એમણે ધારણ કરેલું ઉપનામ હતું. એમણે એમના પંથમાં કેટલાંક હિંદુ તત્ત્વો દાખલ કરી કેટલાક હિંદુઓને ઇસ્લામ ધર્મ સ્વીકારવા આકર્ષ્યા. પ્રથમ પીર નૂર સતગર પછી એમના શિષ્ય સમસુદ્દીનની બીજા ‘પીર’ તરીકે નિમણૂક થઈ, જેમના અનુયાયીઓ કાશ્મીર અને પંજાબમાં છે.

સમસુદ્દીન પછી ઇસ્માઇલી નિઝારી સંપ્રદાયના ત્રીજા પીર તરીકે સદ્રુદ્દીનની ઈ. સ. 1430માં નિમણૂક થઈ. એમણે વધારે હિંદુઓને આકર્ષવા ‘સહદેવ’ અને ‘હરિચંદ’ જેવા હિંદુ નામો ધારણ કર્યાં અને પોતાને બ્રહ્માના અવતાર તરીકે ઓળખાવ્યા. એમણે શાક્તપંથીઓનો ‘ઘટપાઠ મંત્ર’ અપનાવ્યો. પરિણામે ગુજરાતના શક્તિપૂજક લોહાણાઓએ એમનો ‘સતપંથ’ સ્વીકાર્યો. સદ્રુદ્દીને આ પંથનું સૌપ્રથમ ખોજાખાનું સ્થાપ્યું હતું. એમના એક વંશજ ઉત્તર ગુજરાતના કડી ગામમાં રહેતા હતા.

પીર સદ્રુદ્દીન પછી શેખ કબીરુદ્દીન સતપંથના પીર બન્યા. એમણે પણ આ પંથના પ્રચારના પ્રયત્નો ચાલુ રાખ્યા, પરંતુ એમના વિશે બહુ માહિતી મળતી નથી. એટલે કદાચ થોડા સમય માટે એ પીર તરીકે રહ્યા હોય અથવા એમના સમયમાં ખાસ મહત્ત્વના બનાવો બન્યા નહિ હોય. ઈ. સ. 1460થી 1470 આસપાસ એમણે પીર તરીકે કામગીરી કરી હોવાની શક્યતા છે.

કબીરુદ્દીન પછી ઇમામુદ્દીન (ઇમામશાહ) આ પંથના પીર બન્યા. એમણે સતપંથમાં થોડા ફેરફારો કરીને નવો પંથ શરૂ કર્યો, જે ‘પીરાણા પંથ’ તરીકે ઓળખાયો. તેઓ ગુજરાતમાં અમદાવાદથી 14 કિલોમીટર દૂર ‘ગીરમથા’ નામના ગામમાં સ્થિર થયા. એ ગામ પછીથી ‘પીરાણા’ એટલે કે ‘પીરોના સ્થાન’ તરીકે પ્રસિદ્ધ બન્યું. ઇમામુદ્દીનનો જન્મ સને 1452માં અને અવસાન 1513 અથવા 1520માં થયું હતું.

આમ, શેખ કબીરુદ્દીન ગુજરાતના ખોજાઓના સતપંથ સંપ્રદાયના ઈસુની 15મી સદીના એક મહત્ત્વના પીર હતા. વર્તમાનમાં ખોજા કોમના ઉપરી ‘આગાખાન’ તરીકે ઓળખાય છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી