શેખ, અલી ઇરજી (તેરમી સદી) : શેખ એહમદ ગંજ બખ્શના શિષ્ય અને જાણીતા પીર. તેમનું મૂળ નામ શેખ મેહમૂદઅલી હતું. તેઓ ઈરાનના ઇરજ શહેરના વતની હતા. 1411માં અમદાવાદ શહેરની સ્થાપના એહમદશાહ બાદશાહે ચાર એહમદો અને 12 બાવાઓની હાજરીમાં કરી. તેમણે ઇસ્લામી દુનિયાના વિદ્વાનોને આશ્રય આપવાનું બીડું ઝડપ્યું તેથી દુનિયામાંથી આલિમો, ફાજિલો, દરવેશો, સૂફીઓ અમદાવાદમાં આવીને વસ્યા. તેમાંય અમદાવાદમાં સૂફીઓની સંખ્યા ઘણી હોવાથી તેને ‘મદીનતુલ અવલિયા’નો ખિતાબ મળ્યો.

શેખ મેહમૂદઅલી પણ અમદાવાદમાં આવીને વસ્યા. પછી ‘ઇરજી’નું અપભ્રંશ થઈને ‘હિર્ઝી’ કે ‘હર્ઝી’ થયું અને તેઓ ‘શેખ હર્ઝી’ તરીકે જાણીતા થયા. તેઓ ‘શેખ પીર’ પણ કહેવાતા. તેઓ તેમના મુરીદો અને કવ્વાલો સાથે ઇરજથી હજ્જે બયતુલ્લાહની યાત્રાના વિચારથી નીકળી અમદાવાદમાં ભંડેરી પોળ, કાલુપુરમાં સ્થાયી થયા. પછી તેઓ રોજ સવારે શેખ એહમદ ગંજ બખ્શને મળવા સરખેજ જતા. તેમના પ્રભાવ હેઠળ તેઓ તેમના શિષ્ય બન્યા. તેઓ શેખ એહમદ ગંજ બખ્શના દરબારમાં કાયમ હાજર રહીને ફ્યુઝ વ બરકત (આધ્યાત્મિક લાભ) મેળવતા રહ્યા. શેખ મેહમૂદના પુત્રે હજરત શેખ એહમદ ગંજ બખ્શની પરવાનગીથી તેમના ચમત્કારોનું સંકલન કર્યું અને ‘તોહફતૂલ મજાલિસ’ નામક સંગ્રહ તૈયાર કર્યો.

રજ્જબૂલ મુરજ્જબની 10 તારીખે તેમનો ઉર્સ (વાર્ષિકોત્સવ) થાય છે. તેમની કબર પણ તે જ મહોલ્લામાં બલૂચાવાડની પાસે છે, જે શેખ પીરની મસ્જિદને નામે ઓળખાય છે.

ઝહીરમોહંમદ જાનમોહંમદ શેખ