શેખલિન બૉરિસ (. 23 જાન્યુઆરી 1932, ઇશિમ, યુએસએસઆર) : જિમ્નૅસ્ટિક્સના રશિયાના ખેલાડી, ઑલિમ્પિક રમતોત્સવમાં તેઓ જિમ્નૅસ્ટિક્સની 6 વ્યક્તિગત સ્પર્ધાઓમાં 6 સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા : 1956માં 1, 1960માં 4 અને 1964માં 1. વળી એમાં ઉમેરા તરીકે 1956માં ટીમ-સુવર્ણચંદ્રક પણ જીત્યા. આ ઉપરાંત 4 રૌપ્ય અને 2 કાંસ્યચંદ્રકો પણ જીત્યા.

ઑલિમ્પિકમાં આવું પ્રભુત્વ મેળવ્યા પહેલાં તેઓ 1954માં વિશ્વ-વિજયપદકના વિજેતા બન્યા હતા. 1958માં તેઓ ‘કમ્બાઇન્ડ એક્સરસાઇઝ’ના વિશ્વચૅમ્પિયન બન્યા હતા. એ પ્રસંગે તેઓ બીજા 3 વૈયક્તિક સુવર્ણચંદ્રકોના તથા ટીમના સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા હતા. આ ઉપરાંત તેઓ વિશ્વ ટીમ-સુવર્ણચંદ્રક, 3 રૌપ્ય ચંદ્રકો અને 2 કાંસ્યચંદ્રકોના 1962માં વિજેતા બન્યા હતા. વસ્તુત: તેઓ વિશ્વ કક્ષાની ચૅમ્પિયનશિપના 14 મેડલ જીત્યા હતા. 1955માં તેઓ યુરોપિયન ઑવરઑલ ચૅમ્પિયન બન્યા હતા.

તેમની ઊંચાઈ 1.71 મી. હતી અને વજન 70 કિગ્રા. હતું. આમ સામાન્ય જિમ્નેસ્ટ કરતાં તેઓ મોટા કદના હતા.

મહેશ ચોકસી