શુશુનૉવા યેલેના (. 23 મે 1969, લેનિનગ્રાડ, રશિયા) : રશિયાના જિમ્નૅસ્ટિકનાં મહિલા ખેલાડી. 1988ના ઑલિમ્પિક રમતોત્સવનાં તેઓ સર્વાંગી ચૅમ્પિયન નીવડ્યાં; તેઓ વ્યક્તિગત રૌપ્ય અને કાંસ્યચન્દ્રકનાં વિજેતા બન્યાં અને ટીમનો સુવર્ણચન્દ્રક જીત્યાં. 1982માં તેઓ પ્રથમ સોવિયેત વિજયપદકના વિજેતા બન્યાં; 1985માં તેઓ સમગ્ર યુરોપના ચૅમ્પિયન બન્યાં અને એ રીતે 4માંથી 3 વૈયક્તિક સ્પર્ધાઓમાં વિજેતા નીવડ્યાં. 1986માં તેઓ વિશ્વકપનાં વિજેતા બન્યાં, 1987ની વર્લ્ડ સ્ટુડન્ટ ગૅમ્સમાં 6 સુવર્ણચંદ્રક જીતવાનો વિક્રમ સ્થાપ્યો. વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં 1985 અને 1987માં વોલ્ટ સ્પર્ધામાં વિજેતા બન્યાં અને 1987માં ફ્લોર એક્સરસાઇઝમાં સુવર્ણચન્દ્રક જીત્યાં.

તેઓ કેવળ 1.48 મી. ઊંચાં હતાં, પણ તેઓ ખૂબ હિંમતવાન અને શક્તિશાળી હતાં.

મહેશ ચોકસી