શુચીન્દ્રમ : કન્યાકુમારીથી લગભગ 15 કિમી. દૂર શુચીન્દ્રમ નામના સ્થાને શિવનું એક મહામંદિર આવેલું છે. અહીંના શિવલિંગ અંગે અનુશ્રુતિ છે કે બાણાસુરે તપ કરી શિવને પ્રસન્ન કર્યા અને કોઈ કન્યા દ્વારા જ પોતાનું મૃત્યુ થાય એવું વરદાન મેળવ્યું. ત્યાર પછી તે ઘણો અત્યાચારી થઈ ગયો. ભયભીત દેવતાઓ વિષ્ણુને શરણે ગયા અને તેમની સલાહ મુજબ યજ્ઞ કર્યો. યજ્ઞ-વેદીમાંથી કન્યાકુમારી પ્રગટ્યાં.

કન્યાકુમારી યુવાન થતાં તેણે શિવ સાથે લગ્ન કરવાની ઇચ્છા કરી. શિવ રાજી થયા અને કૈલાસની દક્ષિણે ચાલ્યા ગયા. આ જોઈ દેવતાઓને ચિંતા થઈ કે લગ્ન થશે તો પછી દેવી રાક્ષસનો સંહાર નહિ કરી શકે. આથી એમણે નારદજીની સલાહ લીધી. નારદે કોઈ ને કોઈ બહાને શિવને શુચીન્દ્રમમાં રોકી પાડ્યા અને સવાર પડતાં લગ્નનું મુહૂર્ત વીતી ગયું. કન્યાએ આથી રિસાઈને લગ્નની સામગ્રી સમુદ્રમાં ફેંકી દીધી અને પોતે તપસ્યા કરવા લાગી. એ પછી બાણાસુર આ કન્યા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ લઈને આવ્યો ત્યારે કન્યારૂપ દેવીએ એનો સંહાર કર્યો. શિવ ત્યારથી લિંગ કે સ્થાણુ રૂપે શુચીન્દ્રમમાં રહેલા છે.

પ્રવીણચંદ્ર પરીખ