શીલાંક (નવમી સદી) : જૈન સાહિત્ય અને પ્રાકૃત ભાષાના કવિ અને ટીકાકાર. જૈન પરંપરામાં શીલાંક અથવા શીલાચાર્ય નામના એકથી વધારે વિદ્વાન થઈ ગયા છે. ‘ચઉપ્પન્નમહાપુરિસચરિય’ના કર્તા પ્રસ્તુત શીલાંક, શીલાચાર્ય અથવા વિમલમતિ કે તત્ત્વાદિત્ય નામથી પણ પ્રખ્યાત છે. ગ્રંથની પ્રશસ્તિ દ્વારા માત્ર એટલી જ માહિતી મળે છે કે તેઓ નિર્વૃતિ-કુલોત્પન્ન માનદેવસૂરિના શિષ્ય હતા અને તેમણે પ્રાકૃત ભાષામાં પોતાના ગ્રંથની રચના કરી છે. ગ્રંથની રચનાનો સમય વિક્રમ સંવત 925 (ઈ. સ. 868) છે. તેમાં 54 અધ્યાય છે. પ્રાકૃતમાં મહાપુરુષો-ઉત્તમ પુરુષો અથવા શલાકાપુરુષોનું વર્ણન કરનાર ઉપલબ્ધ ચરિતગ્રંથોમાં તેમનું નામ સર્વપ્રથમ છે. અહીંયાં 63 મહાપુરુષોનાં સ્થાને માત્ર 54 મહાપુરુષોનું જ વર્ણન છે. 9 પ્રતિવાસુદેવોનું વર્ણન કર્યું નથી. લેખકની ભાષા સરલ અને પ્રવાહબદ્ધ છે. ગ્રંથમાં વિબુધાનંદ નાટકનો પણ સમાવેશ છે, જે સંસ્કૃત મિશ્રિત પ્રાકૃત ભાષામાં છે. ગ્રંથમાં અપભ્રંશનો પ્રયોગ પણ કરાયો છે. અગિયાર અંગો પર તેમણે રચેલી ટીકાઓમાંથી આચારાંગ અને સૂત્રકૃતાંગ પરની ટીકાઓ હાલ ઉપલબ્ધ છે.

જગદીશચંદ્ર જૈન

અનુ. ગીતા મહેતા