શિલ્પરત્નાકર

January, 2006

શિલ્પરત્નાકર : ભારતીય શિલ્પસ્થાપત્યનો ગ્રંથ. ધ્રાંગધ્રાના મૂળ વતની શિલ્પશાસ્ત્રી નર્મદાશંકર મૂળજીભાઈ સોમપુરાએ આ ગ્રંથની રચના ઈ. સ. 1939માં કરી હતી. નર્મદાશંકરે જાતે શિલ્પશાસ્ત્રનો અભ્યાસ કરી સ્વહસ્તે કેટલાક પ્રાસાદો અને દેવાલયોની રચના કરી હતી. આવા અનુભવી શિલ્પશાસ્ત્રીના પરિશ્રમથી આ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. એમની કુશળતાને લીધે વડોદરા રાજ્યમાં કલાભવનમાં પ્રાચીન શિલ્પશાસ્ત્રના અધ્યાપક તરીકે તથા રાજ્યના સાર્વજનિક બાંધકામ ખાતામાં એમને નીમવામાં આવ્યા હતા.

‘શિલ્પરત્નાકર’ ગ્રંથની રચના કરવામાં ‘અપરાજિત પૃચ્છા’, ‘સૂત્ર-સંતાન’, ‘ક્ષીરાર્ણવ’, ‘દીપાર્ણવ’, ‘વૃક્ષાર્ણવ’, ‘વાસ્તુકૌતુક’, ‘સમરાંગણ’, ‘વાસ્તુસાર’, ‘નિર્દોષવાસ્તુ’ જેવાં પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો સારાંશ તથા ‘પ્રાસાદમંડન’, ‘રૂપમંડન’ જેવા ગ્રંથોને સંપૂર્ણ સમાવી લીધા છે.

આ ગ્રંથ 14 રત્નો એટલે 14 વિભાગમાં વિષયાનુસાર ગોઠવવામાં આવ્યો છે. તેમાં મુખ્ય વિભાગ રત્ન ત્રીજાથી શરૂ થાય છે. તેમાં ભૂમિશોધન, ખાતવિધિ વગેરે તથા પીઠ સુધીના પ્રાસાદનાં અંગોની રચનાવિધિની વિગતો આપી છે. ચોથા વિભાગમાં પીઠથી મંડોવર સુધી તથા ગર્ભગૃહ અને મંડપનું નિરૂપણ કરેલું છે. પાંચમા રત્નમાં શિખરરચનાવિધિ તથા કળશના નિયમો આપ્યા છે. છઠ્ઠા રત્નમાં કેશરાદિ 25 પ્રાસાદોની રચના વર્ણવેલી છે. સાત, આઠ, નવ અને દસમા રત્નોમાં પણ વૈરાજ્યાદિ પ્રાસાદ તથા ઋષભાદિ જૈન પ્રાસાદોના પ્રકાર દર્શાવ્યા છે. 11 અને 12મા રત્નોમાં મૂર્તિઓનાં સ્વરૂપ, તીર્થંકરો તથા યક્ષ-યક્ષિણીઓ અને વિદ્યાદેવીઓનાં સ્વરૂપ-વર્ણન આપ્યાં છે. 13મા રત્નમાં પ્રતિષ્ઠાવિધિ, વાસ્તુપૂજન તથા મુહૂર્ત જોવા માટેના જ્યોતિષવિષયનો સમાવેશ કરેલો છે.

શિલ્પશાસ્ત્રમાં દેવાલયો અને મકાનો વગેરે શરૂઆતથી અંત સુધી ઘણી સૂક્ષ્મ રીતે શુભાશુભનો વિચાર કરીને બાંધવામાં આવે છે જેથી તે વધુ ઉત્તમ અને સુખકર થાય.

આ ગ્રંથનો મુખ્ય ભાગ 631 પૃષ્ઠનો છે. વિષયનો બોધ સુલભ કરવા માટે આકૃતિઓ તેમજ છાયાચિત્રો મોટા પ્રમાણમાં આપ્યાં છે.

રામજીભાઈ સાવલિયા