શિગ્રુ (જાતિ) : ઋગ્વેદના સમયની એક જાતિ. ઋગ્વેદમાં દશરાગ્ન અથવા તો દશ રાજાઓની લડાઈ વિશેની માહિતી આપવામાં આવી છે. આ લડાઈમાં જુદી જુદી જાતિના લોકોએ ભાગ લીધો હતો. સુદાસ ત્રિત્સુ કુળનો ભરત જાતિનો રાજા હતો. તેનું રાજ્ય બ્રહ્માવર્તમાં હતું. પરુષ્ણી (આધુનિક રાવિ) નદી પરના ખૂનખાર જંગમાં ભરતો જીત્યા. રાજા સુદાસ બીજી એક લડાઈ લડ્યો. તેમાં રાજા ભેદના નેતૃત્વ હેઠળ અજસ, શિગ્રુ અને યક્ષુ નામની અનાર્ય જાતિઓ સંયુક્ત થઈ; પરંતુ તેમનો પરાજય થયો. શિગ્રુ જાતિના લોકો ઘણુંખરું પૂર્વમાં રહેનારા હતા.

જયકુમાર ર. શુક્લ