શાહ, રમણલાલ ચી.

January, 2006

શાહ, રમણલાલ ચી. (. 3 ડિસેમ્બર 1926, પાદરા, જિ. વડોદરા; . 24 ઑક્ટોબર 2005, મુંબઈ) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધક, પ્રવાસકથાઓના લેખક તેમજ જૈનદર્શનના ઊંડા અભ્યાસી. પિતાનું નામ ચીમનલાલ, માતાનું નામ રેવાબહેન. પ્રાથમિક શાળાનો અભ્યાસ પાદરાની સરકારી શાળામાં. માધ્યમિકથી મૅટ્રિક સુધીનું શિક્ષણ મુંબઈમાં. 1948માં ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ., 1950માં એમ.એ. એમ.એ.માં યુનિવર્સિટીમાં ગુજરાતીમાં સૌથી વધુ ગુણ મેળવવા માટે બલવંતરાય ઠાકોર સુવર્ણચંદ્રક તેમજ કેશવલાલ ધ્રુવ પારિતોષિક મળ્યાં હતાં. 1961માં ‘નળ અને દમયંતીની કથાનો વિકાસ’ એ વિષય ઉપર મહાનિબંધ લખીને પીએચ.ડી.ની ઉપાધિ મેળવેલી.

1951માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે પસંદગી થઈ. એમણે એન.સી.સી.ની તાલીમ લઈને કૉલેજમાં એન.સી.સી.નું કાર્ય 20 વર્ષ સુધી કર્યું અને મેજરનો હોદ્દો મેળવ્યો હતો.

1951થી 1970 સુધી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. દરમિયાન 1953માં તેમનાં તારાબહેન દીપચંદ શાહ સાથે લગ્ન થયેલાં. 1954-55ના એક વર્ષ દરમિયાન અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે લોન સર્વિસ પર આવ્યા. તે દરમિયાન મુનિ પુણ્યવિજયજી અને પં. સુખલાલજીના સહવાસમાં આવ્યા.

1972થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ યોજિત વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે કામગીરી બજાવી. દેશ-વિદેશમાં જૈન ધર્મ વિશે વ્યાખ્યાનો પણ આપ્યાં. જૈન સાહિત્ય સમારોહ દ્વારા વ્યાપક સ્તરે જૈન સાહિત્યના સંપાદન અને સંશોધનનું કાર્ય કર્યું. એ કાર્ય માટે 1984માં યશોવિજયજી સુવર્ણચંદ્રક અને 2003માં આચાર્ય હરિભદ્રસૂરિ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા.

1977માં ઑસ્ટ્રેલિયામાં સિડની ખાતે યોજાયેલી પી.ઈ.એન.ની આંતરરાષ્ટ્રીય કૉંગ્રેસમાં તથા 1979માં બ્રાઝિલમાં રિયો-ડિ-જાનેરો ખાતે યોજાયેલી પી.ઈ.એન.ની કૉંગ્રેસમાં ભારતીય પ્રતિનિધિ તરીકે ભાગ લીધો.

રમણભાઈએ સંશોધન, સંપાદન, વિવેચન અને પ્રવાસકથા ઉપરાંત જીવનચરિત્ર, નિબંધ અને એકાંકીક્ષેત્રે પ્રદાન કર્યું છે. ‘એવરેસ્ટનું આરોહણ’, ‘ઉત્તરધ્રુવની શોધ-સફર’, ‘પાસપૉર્ટની પાંખે’ (ભાગ : 1થી 3), ‘પ્રદેશે જયવિજયનાં’, ‘ન્યૂઝીલૅન્ડ’, ‘ઑસ્ટ્રેલિયા’ વગેરેનો સમાવેશ થાય છે. એમના પ્રવાસનાં પુસ્તકોમાં ‘પાસપૉર્ટની પાંખે’  ઉત્તમ પ્રવાસકથા છે. લેખકે જુદા જુદા દેશોનો પ્રવાસ આલેખીને વિવિધ દેશના સાંસ્કૃતિક અને શૈક્ષણિક વાતાવરણને ઉપસાવીને જાહેર જીવનની ખાસિયતો આલેખી છે.

તેમણે કરેલાં સંશોધન-સંપાદનોમાં સમયસુંદર-રચિત ‘નલદવદંતીરાસ’, ‘જંબૂસ્વામી રાસ’ જેમાં યશોવિજયજીના જીવન અને કવનની સાથોસાથ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતીમાં જંબૂસ્વામી વિશે લખાયેલી કૃતિઓનો પરિચય તથા હસ્તપ્રતની વિગતે સમીક્ષા કરી છે. ઋષિવર્ધનસૂરિકૃત ‘નલરાય-દવદંતી-ચરિત’, કવિ ગુણવિનયે લખેલું ‘નલ-દવદંતી પ્રબંધ’, ‘ધન્નાશાલિભદ્ર ચોપાઈ’, સમયસુંદરકૃત ‘થાવચ્ચાસુત રિષિ ચોપાઈ’ વગેરે તેમના સંશોધન-સંપાદનનાં પુસ્તકો છે.

‘વંદનીય હૃદયસ્પર્શ’ (ભા. 1થી 3), ‘બેરરથી બ્રિગેડિયર’, ‘ઉપાધ્યાયશ્રી યશોવિજયજી’ અને ‘પં. સુખલાલજી’ વગેરે જીવનચરિત્ર-રેખાચિત્ર અને સંસ્મરણનાં પુસ્તકો છે.

‘પડિલેહા’, ‘બુંગાકુ-શુમિ’, ‘ક્રિતિકા’, ‘1962નું ગ્રંથસ્થ વાઙ્મય’, ‘નળ-દમયંતી કથાનો વિકાસ’ તેમનાં સાહિત્યવિવેચનનાં પુસ્તકો છે. ‘સાંપ્રત સહચિંતન’ (ભા. 1થી 14) અને ‘અભિચિંતના’ તેમનાં નિબંધનાં પુસ્તકો છે.

આ ઉપરાંત ધર્મ-તત્વજ્ઞાન, અનુવાદનાં પુસ્તકો પણ તેમની પાસેથી મળ્યાં છે.

નલિની દેસાઈ