શાહીબાગ : અમદાવાદમાં આવેલો મુઘલકાલીન બાગ, જે હાલ અસ્તિત્વમાં નથી. શાહજહાં 1618-23 દરમિયાન ગુજરાતના સૂબા તરીકે હતો ત્યારે આ બાગ બાંધવામાં આવેલો. મુઘલકાલીન ગુજરાતના બાગોમાં તે સૌથી આગળ પડતો બાગ હતો. શાહજહાંએ આ બાગમાં પોતાના માટે મહેલ પણ બંધાવ્યો હતો. આ બાગ તે સમયના મકસુદપુરની જમીનમાં બાંધવામાં આવ્યો હતો. હાલ આ વિસ્તાર  શાહીબાગના નામે ઓળખાય છે. 105 વીઘાં અને 3 વસા જમીનમાં તે બાંધવામાં આવ્યો હતો. આ જમીન શાહજહાંના હુકમથી ખરીદવામાં આવી હતી. બાગમાં કેટલાંક મકાનો, કમાનો, બેઠકો, 12 બુરજો, 91 કૂવાઓ તથા નહેરો આવેલી હતી. હાજીપુર(આજે પણ આ પરું છે અને ત્યાં આજે પણ હાજીપુરા નામનો મ્યુનિસિપલ બગીચો છે. આ પરું હઠીસિંહના મંદિરની ઉત્તરે આવેલું છે.)ના દરવાજા સુધી રસ્તાની બંને બાજુએ વૃક્ષો હતાં અને એની પાછળ સૂબેદાર અને ઉમરાવોના ઉદ્યાન હતા. બાગમાં પાણી છાંટવા માટે રાજ્યના ખર્ચે 100 જોડ બળદ રાખવામાં આવ્યા હતા અને તે પાણી સિંચતા. બાગમાં 70 માળીઓ, રખેવાળ, ખજાનચી, સાત વાળનારા અને સાત પટાવાળા કામ કરતા. આ બાગ હાલમાં અસ્તિત્વમાં નથી; પરંતુ 1638માં  ગુજરાતમાં આવેલા જર્મન પ્રવાસી જે. આલ્બર્ટ ડી. મેન્ડેલ્સ્લોની પ્રવાસનોંધમાંથી અને ‘મિરાતે-અહમદી’ નામના ફારસીમાં લખાયેલા ગુજરાતના ઇતિહાસગ્રંથમાંથી આ બાગ વિશેની માહિતી મળે છે. મેન્ડેલ્સ્લોએ આ બાગની મુલાકાત લીધી ત્યારે બાગને ઊંચી દીવાલ હતી. તેમાં સુંદર મહેલ હતો. મહેલના ઓરડા મોટા હતા અને તેમાં સુંદર ફર્નિચર હતું. મેન્ડેલ્સ્લો પથ્થરનો પુલ ઓળંગીને આ બાગમાંથી ‘હીરાબાગ’ નામના બીજા બાગમાં ગયો હતો. શાહીબાગ જુદી જુદી ઊંચાઈએ ક્રમવાર હતો. એની ઊંચામાં ઊંચી જગ્યાએથી આજુબાજુનાં ગામ ઘણે દૂર સુધી જોઈ શકાતાં હતાં.

હાલમાં ‘સરદાર પટેલ સ્મૃતિગૃહ’ નામાભિધાન પામેલો શાહીબાગ મહેલ

અલી મુહમ્મદખાને 1761માં ‘મિરાતે-અહમદી’ની રચના કરી હતી. આ લેખકે આ બાગની દુર્દશાની સખેદ નોંધ લીધી છે. તે સમયે બાગમાંનો શાહબુરજ પડી ગયો હતો. અન્ય મકાનો પણ ખંડિત થઈ ગયાં હતાં. આખોયે બાગ તે સમયે જુવાર અને બાજરી વાવવાના ખેતર તરીકે વપરાતો હતો. આ બાગમાં સાબરમતી નદીને કાંઠે શાહી મહેલ બાંધવામાં આવ્યો હતો, જે હાલમાં હયાત છે. નીચે બનેલા તહખાના (ભોંયરું) કમાનાકારે છે અને તેને ફરતી કૃત્રિમ નહેર છે. નહેરમાં વચ્ચે વચ્ચે ફુવારા છે. મહેલ બે મજલાનો છે. નીચેના મજલામાં વિશાળ બેઠક ખંડ છે. આ ખંડને ચારેય ખૂણે ચાર અષ્ટકોણ ઓરડા છે. ઉપરના મજલે પણ આ રચનાનું પુનરાવર્તન થાય છે. આ આઠ ઓરડા રહેણાક માટેના હતા. મહેલમાંથી નદીના પટમાં ઊતરી શકાય એ રીતે પગથિયાંની રચના કરેલી છે. શાહજહાંએ બંધાવેલા આ મહેલમાં તે એક દિવસ પણ રહેવા પામ્યો ન હતો. જહાંગીરનું અવસાન થતાં દિલ્હીમાં સત્તાપરિવર્તનની શક્યતા ઊભી થતાં તે દિલ્હી પહોંચી ગયો અને દિલ્હીની ગાદીએ તખ્તનશીન થઈ બાદશાહ બન્યો. તે પછી તેને ગુજરાત આવવાનું જ ન થયું. આ મકાનમાં રવીન્દ્રનાથ ટાગોર પણ રોકાયા હતા અને ત્યાં રહીને તેમણે ‘ક્ષુધિત પાષાણ’ (Hungry Stones) નામની પ્રસિદ્ધ વાર્તાનું સર્જન કર્યું હતું. 1લી મે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી માંડીને રાજધાનીનું સ્થળ અમદાવાદથી ગાંધીનગર બદલાયું ત્યાં સુધી આ મકાન રાજ્યના રાજ્યપાલના નિવાસસ્થાન તરીકે વપરાતું હતું. હાલ આ મકાન સરદાર પટેલ સ્મૃતિગૃહ તરીકે વપરાય છે. તેમાં સરદાર પટેલના ફોટોગ્રાફ, ગ્રંથો, તેમની ચીજવસ્તુઓ વગેરેનું કાયમી પ્રદર્શન છે.

થૉમસ પરમાર