શાસ્ત્રી, જાદવજી નરભેરામ (શાસ્ત્રી)

January, 2006

શાસ્ત્રી, જાદવજી નરભેરામ (શાસ્ત્રી) (. 24 એપ્રિલ 1898, સેદલા, જિ. સુરેન્દ્રનગર; . 16 જુલાઈ 1984, અમદાવાદ) : આયુર્વેદના જાણીતા વૈદ્ય અને લેખક. ગુજરાતમાં સને 1925થી 1965ના સમયગાળામાં આયુર્વેદિક સાહિત્યસર્જન સાથે પ્રૅક્ટિસ કરી, જનતાની ઉત્તમ સેવા કરનારા નામી વૈદ્યોમાં મૂળ પાટડી(બાજાણા-વિરમગામ)ના વૈદ્યરાજ જાદવજી નરભેરામ શાસ્ત્રીની ખાસ ગણના થાય છે.

ગુજરાતમાં આ એક એવો સમયગાળો હતો કે જેમાં અનુભવી અને ગુરુપરંપરાથી તૈયાર થયેલા વૈદ્યોને કારણે આયુર્વેદ જીવંત અને વ્યવહૃત રહેલો ઍલૉપથીના ધસમસતા પૂરપ્રભાવકાળે. તેમના દ્વારા આયુર્વેદ ગુજરાત-સૌરાષ્ટ્રમાં નાનાંમોટાં નગરો અને ગામડાંમાં જીવંત રહ્યો. જે સમયે ગુજરાતમાં આયુર્વેદની કૉલેજો નહોતી તેમજ સાહિત્યપ્રકાશન કે પ્રિન્ટ-મીડિયામાં પણ આયુર્વેદને ખાસ સ્થાન નહોતું, એવા કપરા કાળે શરૂમાં પાટડી ગામે રહી આયુર્વેદિક ફાર્મસી શરૂ કરીને સુંદર રીતે વૈદું કરનાર વૈદ્ય શાસ્ત્રી જાદવજીએ આયુર્વેદિક ચિકિત્સાના મૂળ સિદ્ધાંતો અનુસાર 12 ઉપરાંત પુસ્તકો લખીને આયુર્વેદિક સાહિત્યક્ષેત્રની ઉમદા સેવા કરી છે.

તેમણે લખેલાં પુસ્તકો આ મુજબ છે : (1) ‘રખે વહેમાતા’; (2) ‘પુત્રદા અને પારણું’; (3) ‘બા અને બાળક’; (4) ‘પૂછ્યું અને કહ્યું’ (ભાગ 12); (5) ‘નવદંપતીને’; (6) ‘ચૂંટેલા’; (7) ‘વીણેલા’ (વિવિધ લેખસંગ્રહ); (8) ‘આયુષ્યમાન’; (9) ‘યૌવનનાં ભયસ્થાનો’; (10) ‘સંતતિનિયમન’; (11) ‘અનુભૂત યોગાવલી’ અને (12) ‘રખે ચૂકતા’. આમાંના ‘રખે વહેમાતા’ પુસ્તકની 14-15 આવૃત્તિઓ અને બીજાં પુસ્તકોની પણ અનેક આવૃત્તિઓ પ્રગટ થઈ છે; જે હકીકત સામાન્ય જનતાના લોકપ્રિય અનુભવી વૈદ્યરાજ તરીકેની તેમની પ્રતિષ્ઠાની દ્યોતક છે. તેમનાં તમામ પુસ્તકોમાં આયુર્વેદના જ્ઞાનના ઊંડાણ સાથે અનુભવ જોડાયાં હોઈ, તેમનાં પુસ્તકોએ અસંખ્ય લોકોને જ્ઞાન તથા નવજીવન આપેલું છે. તેમનાં તમામ પુસ્તકો આજે પણ સામાન્ય લોકોમાં અને વૈદ્યોમાં પણ લોકપ્રિય છે. તેમણે ‘નીરોગી’ નામે એક આયુર્વેદિક માસિક પણ થોડાં વર્ષો ચલાવેલું. જીવનનાં પાછલાં વર્ષોમાં તેઓ અમદાવાદમાં આવી રહેલા અને મણિનગરમાં રહી વૈદું કરતા હતા. 1955થી 1984ના સમયગાળામાં ગુજરાતના વૈદ્ય સમાજમાં એક જૂની પેઢીના અનુભવી વૈદ્યરાજ તરીકે તેમનું આદરભર્યું સ્થાન અને માન હતાં.

તેમને હરિવદન, જગદીશચંદ્ર, લાભશંકર અને સુભાષ નામે ચાર સુપુત્રો થયેલા. તેમાંના ત્રીજા પુત્ર શ્રી લાભશંકર ઠાકરે પિતાનો સાહિત્યવારસો લઈ, અનેક સામયિકોમાં સુંદર લેખો અને પુસ્તકો લખ્યાં છે. તેમણે પ્રાધ્યાપક થવા સાથે વૈદકીય પ્રૅક્ટિસ પણ ચાલુ રાખી છે. જાદવજી નરભેરામ શાસ્ત્રી 86મા વર્ષે અવસાન પામ્યા.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા