શામા (copsychus macabaricus) : પક્ષીવૃંદના મુકુટમણિરૂપ એક ગાયક પક્ષી. બીજું ગાયક પક્ષી છે દૈયડ. શામાના ગળામાં અલૌકિક મીઠાશ હોય છે. વૈવિધ્યભર્યા મુક્ત ગાન સાથે એનામાં મનુષ્ય અને પશુ-પક્ષીઓની અનેક ભેદવાળી વાણીઓનું અનુકરણ કરવાની અગાધ શક્તિ રહેલી છે.

શામા

તે સ્વભાવે અતિ શરમાળ છે; તેથી માણસથી દૂર તે ગીચ વનરાઈમાં અને ખાસ તો વાંસની ઝાડીમાં વસવાટ પસંદ કરે છે. કદમાં લગભગ બુલબુલ જેવડું, પણ તેની પૂંછડી સહેજ મોટી હોય છે. નરને માથું, પીઠ અને છાતી ચળકતા કાળા રંગનાં તથા પેટ ઘટ્ટ બદામી રંગનું હોય છે. તેની પૂંછડી લાંબી, કાળી અને સફેદ રંગની ચડ-ઊતર કિનારીવાળી હોય છે. પૂંછડીના મૂળમાં પીઠ પર પણ એક સફેદ ચાઠું હોય છે.

માદાનો વર્ણ કાળાને બદલે રાખોડી ઝાંયવાળો તપખીરિયો અને પેટ ઉપર સહેજ મેલો હોય છે. પૂંછડી ટૂંકી, પગ આછા ગુલાબી અને ચાંચ કાળી હોય છે.

તેનો મુખ્ય આહાર ઝીણાં જીવડાં, અળસિયાં ને જમીન પર ખરી પડેલાં ફળો વીણી ખાવાનો છે. જરા સરખો અવાજ કે ડખલ થતાં તે ઊડીને ઝાડીમાં લપાઈ જાય છે. પ્રજનન કાળે ખુલ્લી જગ્યામાં ઊડતી વખતે તે વારંવાર પોતાની પાંખો અફાળતું જાય છે.

એપ્રિલથી જૂન તેનો પ્રજનનકાળ ગણાય છે. કોઈ ઝાડના થડ કે ડાળીમાં સામાન્ય ઊંચાઈએ આવેલા બખોલમાં કે 2 ડાળીના સાંધા પર ઘાસનાં મૂળિયાં, પાંદડાં અને ક્વચિત્ લીલ વડે છીછરો માળો ગૂંથીને તેમાં આછી નીલવર્ણી ભોંય પર બદામી કે રતાશ પડતાં તપખીરી ચાઠાંવાળાં એક છેડે જરા વિશેષ અણિયાળાં પહોળાં ને લંબગોળ ૩થી 4 ઈંડાં મૂકે છે.

બળદેવભાઈ કનીજિયા