શાફર, ક્લોદ ફ્રેડેરિક આર્માન્દ (. 6 માર્ચ 1898, સ્ટ્રાસ્બર્ગ, જર્મની; . 5 ઑક્ટોબર 1982) : સીરિયામાં રાસ શામારા ખાતે પ્રાચીન નગર ઉગારિટનું ઉત્ખનન કરનાર ફ્રેન્ચ પુરાતત્વવેત્તા. આ ઉત્ખનનને પરિણામે ઈ. પૂ. સાતમી સહસ્રાબ્દીથી માંડીને ઈ. પૂ. બીજી સહસ્રાબ્દી સુધીની મધ્યપૂર્વ(Middle-East)ની સંસ્કૃતિઓની જાણકારી પ્રાપ્ત થઈ શકી. આ જાણકારી ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં ઉલ્લેખ પામેલ કેટલીક વિગતો આજે સમજવામાં ઘણી મદદરૂપ થઈ પડી છે.

શાફર સ્ટ્રાસ્બર્ગ ખાતેના ‘પ્રિહિસ્ટૉરિક ઍન્ડ ગેલો-રોમન મ્યુઝિયમના 1924થી 19૩૩ સુધી ક્યુરેટર હતા. એ પછી તેઓ 19૩૩થી 1956 સુધી સેંટ જર્મેન-એન-લાયે ખાતે ‘મ્યુઝિયમ ઑવ્ નૅશનલ એન્ટિક્વિટિઝ’ના ક્યુરેટર હતા. 1929થી 19૩9 સુધી તેમણે ઉગારિટ ખાતે ઉત્ખનન તથા સંશોધન કર્યું. એના નિષ્કર્ષરૂપે તેમણે જાહેર કર્યું કે પ્રાચીન બંદરનગર ઉગારિટ ઘણી જ ભાતીગળ (cosmopolitan) સંસ્કૃતિ ધરાવતું હતું. ઇતિહાસના અલગ અલગ તબક્કે આ નગરમાં ઇજિપ્શિયન, મેસોપોટેમિયન, હિટ્ટાઇટ ઉપરાંત ભૂમધ્ય સંસ્કૃતિઓનો પ્રભાવ જોવા મળે છે. સ્થાપત્યનાં અનેક ખંડેરો તથા શિલ્પોનું ઉત્ખનન કરવા ઉપરાંત શાફરે માટીની સેંકડો તકતીઓ (clay tablets) પણ શોધી કાઢી. જેમની ઉપર ક્યુનિફૉર્મ લખાણ કોતરેલું જોવા મળે છે. તેની લિપિ અંગે સંશોધન કરતાં તેમને માલૂમ પડ્યું કે બાઇબલમાં વપરાયેલી હિબ્રૂને મળતી આવતી કોઈ એક સેમિટિક ભાષામાં આ લખાણ લખવામાં આવ્યું છે, અને બાઇબલમાંની કથાઓને મળતી આવતી મૌલિક તથા ખાસ્સું સાહિત્યિક આભિજાત્ય (literary sophistication) ધરાવતી કથાઓનું તેમાં લેખન છે.

આ માટીની તકતીઓ પરનાં લખાણનો અનુવાદ શાફરે ‘ધ ક્યુનિફૉર્મ ટેક્સ્ટ્સ ઑવ્ રાસ શામ્રા – ઉગારિટ’ (19૩9) પુસ્તકમાં આપ્યો છે.

બીજા વિશ્વયુદ્ધ પછી શાફરે તુર્કી, સાયપ્રસ અને સીરિયા ખાતે ઉત્ખનન અને સંશોધનો ચાલુ રાખ્યાં. 1948માં તેમણે ફ્રેન્ચ ભાષામાં પોતે કરેલાં ઉત્ખનનો વિશે પુસ્તક લખ્યું : ‘સ્ત્રાતિગ્રાફી કૉમ્પારી એ ક્રોનૉલોજી દે લે’સી ઓક્સિદેન્તાલે’ (stratigraphie comparee et chronologie de l’ Asie occidentale’  comparative stratigraphy and chronology of the near East.

અમિતાભ મડિયા