શહાજિન્દે, ફકિરપાશા મેહબૂબ

January, 2006

શહાજિન્દે, ફકિરપાશા મેહબૂબ (. 3 જુલાઈ 1946, સસ્તુર, જિ. ઓસ્માનાબાદ, મહારાષ્ટ્ર) : મરાઠી કવિ. તેઓ 1970માં મરાઠાવાડ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. તેઓ એમ. ડી. એમ. કૉલેજમાં મરાઠી વિભાગના વડા તરીકે અધ્યાપનકાર્ય કરે છે. તેઓ મરાઠાવાડ યુવક સાહિત્ય સંમેલન, મુસ્લિમ મરાઠી સાહિત્ય સંમેલન વગેરેના પ્રમુખ રહ્યા છે.

તેમની માતૃભાષા દખણી હોવા છતાં તેમણે મરાઠી તથા હિંદીમાં 8 ગ્રંથો આપ્યા છે. ‘નિધર્મી’ (1980); ‘આદમ’ (1991); ‘ગ્વાહી’ (1996) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘મીતુ’ (1984) નવલકથા છે. ‘શેતકરી’ (1986) તેમનું મુક્ત કાવ્ય છે. ‘સર્વનાશ’ (1987); ‘ઇત્યર્થ’ (1996) – તે બંને તેમના વિવેચનગ્રંથો છે; જ્યારે ‘અનુભવ’ (1997) તેમનો સાહિત્યિક નિબંધસંગ્રહ છે.

તેમના સાહિત્યક્ષેત્રે પ્રદાન બદલ તેમને 1981-82ના વર્ષમાં કવિ કેશવસુત સ્ટેટ ઍવૉર્ડ; મહારાષ્ટ્ર સ્ટેટ ઍવૉર્ડ (બે વાર); 1990ના વર્ષનો યશવંતરાવ ચવાણ સ્મૃતિ ઍવૉર્ડ તથા 1994ના વર્ષમાં હમીદ દલવાઈ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા