શહરયાર (. 16 માર્ચ 1936, આન્વલ, જિ. બરેલી) : જાણીતા ઉર્દૂ સાહિત્યકાર. ‘શહરયાર’ના ઉપનામથી લખતા અખલાક મોહમદખાં નામના આ ઉર્દૂ સાહિત્યકારની કૃતિ ‘ખ્વાબ કા દર બંધ હૈ’-ને 1987ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવ્યા પછી તેમણે અલીગઢ યુનિવર્સિટીમાં ઉર્દૂના અધ્યાપક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો હતો અને રીડરના પદે પહોંચ્યા હતા.

ગઝલ તથા નઝમના લેખનમાં તેઓ એકસમાન અભિરુચિ તથા વિશિષ્ટતા દાખવે છે. તેમનો પહેલો કાવ્યસંગ્રહ ‘ઇસ્મે આજમ’ (1965) નામથી પ્રકાશિત થયો. ત્યારપછી ‘સાતવાં દર’ (1970); ‘ખ્વાબ કા દર બંદ હૈ’ (1985); ‘નીંદ કી કિરચિયાં’ (1996) તથા ‘હિજ્ર કે મૌસમ’ પ્રકાશિત થયા. તેમની કેટલીક કાવ્યરચનાઓ ‘કાફલે યાદોં કે’ નામના સંકલન રૂપે દેવનાગરી લિપિમાં પ્રગટ થઈ છે. તેમનાં કાવ્યોનો અનુવાદ હિંદી, મરાઠી, અંગ્રેજી તથા જર્મન ભાષાઓમાં થયો છે. તેમણે ‘ગમન’ તથા ‘ઉમરાવજાન’ જેવી કેટલીક જાણીતી ફિલ્મોમાં ગીતો પણ લખ્યાં છે, જે લોકપ્રિય નીવડ્યાં હતાં, સંપાદનના ક્ષેત્રમાં પણ તેમનું મહત્વનું પ્રદાન છે. તેઓ ‘ચૌપાલ’, ‘ગાલિબ’ તથા ‘અલીગઢ મેગેઝીન’ના સંપાદક; ‘હમારી જબાન’ તથા ‘ઉર્દૂ અદ્બ’ના ઉપસંપાદક અને ‘શેર-ઓ-હિકમત’ના સહ-સંપાદક રહ્યા હતા. તેઓ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા અને ‘ઉર્દૂએ મુઅલ્લા’ના મંત્રી પણ રહ્યા. તેમનાં કાવ્યસંકલનો માટે તેમને બે વાર ઉત્તર પ્રદેશ રાજ્ય ઉર્દૂ અકાદમીનો ઍવૉર્ડ અપાયેલો.

પુરસ્કૃત કૃતિ તેમની નવી ગઝલો તથા નઝ્મોનો સંગ્રહ છે. વિશિષ્ટ અને લાઘવયુક્ત શૈલી, પ્રયોગશીલતા, અનન્ય કલ્પનો, પારદર્શી સંવેદનશીલતા, ચિંતનાત્મક નિરીક્ષણ તથા સાર્વત્રિક વિષયસામગ્રી જેવી લાક્ષણિકતાઓને કારણે આ કૃતિ સાંપ્રત ઉર્દૂ સાહિત્યમાં મહત્વનું ઉમેરણ લેખાઈ છે.

મહેશ ચોકસી