શસ્ત્રો, શસ્ત્રદોટ અને શસ્ત્રનિયંત્રણ

January, 2006

શસ્ત્રો, શસ્ત્રદોટ અને શસ્ત્રનિયંત્રણ

શસ્ત્રો : શત્રુપક્ષ પર હુમલો કે આક્રમણ કરી તેને ઈજા કે હાનિ પહોંચાડવા માટે, હિંસક સંઘર્ષમાં શત્રુનો પરાજય કરવા માટે, શત્રુનો તથા તેના શસ્ત્રસરંજામનો નાશ કરવા માટે તથા તેના દ્વારા થતા હુમલા કે આક્રમણથી પોતાના સૈનિકો અને શસ્ત્રસરંજામનું રક્ષણ કરવા માટે ઉપયોગમાં લેવાતાં વિવિધ પ્રકારનાં આયુધો. માનવજાતિની ઉત્પત્તિથી અત્યાર સુધીના બધા જ હિંસક સંઘર્ષોમાં આવાં આયુધોનો એક યા બીજી રીતે ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે. માનવજાતિની ઉત્ક્રાંતિનો સમય અને તેની પ્રક્રિયા દરમિયાન જે તે સમયગાળામાં ઉપલબ્ધ હોય એવી તકનીકી વિદ્યાના કારણે શસ્ત્રો કે આયુધોના સ્વરૂપમાં ફેરફારો થતા રહ્યા છે અને તેમાં ઇજનેરી વિદ્યા તથા વિજ્ઞાને પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. જ્યારે માનવજીવનની વિવિધ પ્રક્રિયાઓમાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનો કાં તો સંપૂર્ણ અભાવ હતો અથવા તો તેનો ઉપયોગ નિમ્ન સ્તર પર જ થતો હતો ત્યારે વપરાતાં આયુધો તદ્દન સાદાં અને પ્રાથમિક સ્વરૂપનાં હતાં; દા. ત., લાઠીઓ, તીક્ષ્ણ પથ્થરનાં બનેલાં આયુધો. અંશત: લાકડાંનાં અને અંશત: ધાતુનાં બનેલાં શસ્ત્રો, કુહાડીઓ, તીર-કામઠાં, તલવાર, ઢાલ અને ભાલા જેવાં આયુધો સાપેક્ષ રીતે પ્રાથમિક સ્વરૂપનાં ગણાતાં થયાં. હાથમાં મજબૂત રીતે પકડીને સામા પક્ષ પર નજીકથી વાર કરવા માટેનાં આયુધોને શસ્ત્ર તરીકે, જ્યારે શત્રુપક્ષ પર દૂરથી વાર કરવા માટેનાં આયુધોને અસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. પુરાણકાળમાં રામાયણ કે મહાભારતના યુદ્ધોમાં આ બંને પ્રકારનાં આયુધોનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવ્યો હતો; પરંતુ દારૂગોળાની શોધ પછી યુદ્ધમાં વપરાતાં આયુધોના સ્વરૂપમાં પાયાના ફેરફાર થયા છે અને આ ફેરફારો સાથે આયુધોની સંહારક શક્તિમાં પણ સતત વધારો થતો રહ્યો છે. સ્વિટ્ઝર્લૅન્ડના એક તજ્જ્ઞ ઝાં-જાક બાબેલે કરેલી ગણતરી મુજબ માનવસંસ્કૃતિના ઉદયકાળથી (ઉષ:કાળથી) માંડીને વીસમી સદીના મધ્ય સુધીમાં નાનાંમોટાં મળીને કુલ 14,500 સશસ્ત્ર સંઘર્ષો અને યુદ્ધો થયાં હતાં, જેમાં કુલ 3 અબજ 65 કરોડ લોકોએ પોતાના જાન ગુમાવ્યા છે. આ સમગ્ર ગાળા દરમિયાન માત્ર 292 વર્ષો જ એવાં હતાં જેમાં કોઈ યુદ્ધ કે સશસ્ત્ર સંઘર્ષ થયો ન હતો. યુદ્ધનાં આયુધોમાં જેમ જેમ સુધારાવધારા થતા ગયા અને તે વધુ ને વધુ સફાઈદાર બનતાં ગયાં તેમ તેમ યુદ્ધનાં પરિણામો પણ વધુ ને વધુ ગંભીર અને ગમખ્વાર બનતાં ગયાં. યુરોપખંડમાં 17મી સદીમાં લડાયેલાં બધાં જ યુદ્ધોમાં દર વર્ષે સરેરાશ 33,000 માણસોએ પોતાના જાન ગુમાવ્યા હતા; તેવી જ રીતે સમગ્ર 19મી સદી અને 20મી સદીનાં પ્રથમ 38 વર્ષ(એટલે કે બીજા વિશ્વયુદ્ધ પૂર્વેના સમયગાળામાં)નો સાથેલાગો વિચાર કરીએ તો આ 138 વર્ષોમાં દર વર્ષે સરેરાશ 1 લાખ 16 હજાર માણસોએ યુદ્ધને કારણે જાન ગુમાવ્યા હતા. તેની સામે બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના આશરે છ વર્ષમાં જાનહાનિનો વાર્ષિક સરેરાશ આંક 80 લાખ, એટલે કે આ સમગ્ર યુદ્ધ દરમિયાન જાનહાનિનો કુલ આંક આશરે 5 કરોડ સુધી પહોંચી ગયો હતો; જે પહેલા વિશ્વયુદ્ધ(1914-18)ના આશરે ચાર વર્ષમાં થયેલ જાનહાનિ કરતાં 9 ગણો અને નેપોલિયને કરેલાં બધાં યુદ્ધોની સરખામણીમાં 200 ગણાથી પણ વધારે થયો હતો, જેમાંથી લગભગ 50 ટકા માણસો સૈનિકો નહિ પરંતુ ભલાભોળા નાગરિકો હતા, એટલે કે જેમને યુદ્ધ સાથે કોઈ લેવાદેવા ન હતી. બીજા વિશ્વયુદ્ધ (1939-1945) પછીના ગાળામાં પણ યુદ્ધો અને નાનામોટા સશસ્ત્ર સંઘર્ષો તો ચાલુ જ રહ્યા છે અને તે દરમિયાન શસ્ત્રોની સંહારક શક્તિમાં પણ સતત વધારો થતો રહ્યો છે. પ્રથમ વિશ્વયુદ્ધ બંદૂકો, તોપો અને ઠંડા પોલાદથી છેડવામાં આવ્યું હતું અને 1918માં યુદ્ધનો અંત થયો ત્યાં સુધી રણગાડીઓ તથા ઝેરી વાયુનો વપરાશ શરૂ થયો હતો. બીજા વિશ્વયુદ્ધનો આરંભ સ્વયંસંચાલિત હથિયારો, રણગાડીઓ અને વિમાનોથી થયો, પરંતુ 1945માં આ યુદ્ધનો અંત થયો ત્યારે અણુશસ્ત્રોનો ઉપયોગ થયો. જેનો વિગતવાર ઉલ્લેખ અન્ય કરવામાં આવ્યો છે. 1945-85ના ચાર દાયકા દરમિયાન અણુશસ્ત્રોની સંહારક શક્તિ 20,000 મેગાટન ટી.એન.ટી. જેટલી વધી છે; આ શક્તિ એટલી બધી છે કે આ પૃથ્વીને તે 50 વાર ભસ્મ કરી શકે. સ્ટૉકહોમ ખાતે આવેલી આંતરરાષ્ટ્રીય શાંતિસંશોધન સંસ્થા (સિપ્રી) દ્વારા આપેલ આંકડાકીય માહિતી મુજબ 1986ના વર્ષમાં વિશ્વમાં 36 સશસ્ત્ર સંઘર્ષો થયા હતા; જેમાં કુલ 41 દેશો સંડોવાયેલા. આ 36 સંઘર્ષોએ મોટા પાયા પર જાનહાનિ કરી હતી, લાખો ઘરો જમીનદોસ્ત થયાં હતાં, પ્રચંડ પ્રમાણમાં ભૌતિક સંપત્તિનો નાશ થયો હતો, અનેક લોકો અપંગ, અનેક સ્ત્રીઓ વિધવા તથા અનેક બાળકો અનાથ બન્યાં હતાં. પ્રથમ વિશ્વયુદ્ધમાં રસાયણશાસ્ત્રે, બીજા વિશ્વયુદ્ધમાં ભૌતિકશાસ્ત્રે અને ત્યારબાદના વિયેટનામ જેવા સંઘર્ષોમાં જીવવિદ્યાવિજ્ઞાને અતિ વિનાશકારી ગણાય તેવી ભૂમિકા ભજવી હતી.

આજે 2005ની સાલમાં વિશ્વના દરેક વિકસિત દેશ પાસે અને તેમની સહાયથી તેમના નેજા હેઠળ જીવતા કેટલાક વિકાસશીલ દેશો પાસે પણ અનેક પ્રકારનાં શસ્ત્રાસ્ત્રોનો જથ્થો છે; જેનો ઉપયોગ પાયદળ, વિમાનદળ અને નૌકાદળ – આ ત્રણેય પાંખ દ્વારા કરવાની તેમની સતત મહેચ્છા રહેતી હોય છે. લગભગ દરેક દેશનું યુદ્ધને લગતું સૂત્ર છે : ‘Keep the Power Dry’ એટલે કે યુદ્ધ માટે સતત તૈયાર રહો અને તે માટે અવનવાં શસ્ત્રાસ્ત્રોનું સંશોધન અને ઉત્પાદન કરતા જ રહો.

આમ લાઠીથી અણુબૉંબ સુધીની માનવજાતિની આ યાત્રા ભયાનક જ ગણાય !

શસ્ત્રદોટ : શત્રુપક્ષની લશ્કરી ક્ષમતા કરતાં પોતાની લશ્કરી ક્ષમતા વધારવા માટેની વિશ્વમાં સતત સ્પર્ધા ચાલતી હોય છે જેણે શસ્ત્રદોડ કહેવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછીના ગાળામાં સમગ્ર વિશ્વ બે રાજકીય જૂથોમાં વહેંચાઈ ગયેલું : એક તરફ અમેરિકા અને તેનાં સાથી રાષ્ટ્રોનું લોકશાહી-સમર્થક જૂથ અને બીજી તરફ તેની આર્થિક વિચારસરણીના માળખાનો વિરોધ કરનાર સોવિયેત સંઘના નેજા હેઠળનું સામ્યવાદી વિચારસરણીને વરેલું જૂથ. આ બંને જૂથો વચ્ચે 1945-91ના અરસામાં તીવ્ર શીતયુદ્ધ ખેલાયું જેના પરિણામે આ બંને જૂથો વચ્ચે વિશ્વસ્તર પર ભયંકર શસ્ત્રદોટ આચરવામાં આવી, જાણે કે આ બંને જૂથો એકબીજાનું સંપૂર્ણ હનન કરવા માટે ત્રીજા મહાયુદ્ધની તૈયારી કરતાં ન હોય ! વિશ્વના કેટલાક પ્રાદેશિક સ્તરે પણ આ શસ્ત્રદોટ હાથ ધરવામાં આવી હતી; દા.ત., ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેની તંગદિલી, કાશ્મીરની સમસ્યા અંગે ભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદિલી, ઇઝરાયલ-પૅલેસ્ટાઇન વચ્ચેનો સંઘર્ષ, ઉત્તર અને દક્ષિણ વિયેટનામ વચ્ચેનો સંઘર્ષ, ચીન અને ફૉર્મોસા વચ્ચેની વિસ્ફોટક પરિસ્થિતિ, ઇરાક અને કુવૈત વચ્ચેનું ખાડીયુદ્ધ જેવા પ્રાદેશિક સંઘર્ષોમાં સંકળાયેલાં રાષ્ટ્રોએ પણ અમુક અંશે પારસ્પરિક શસ્ત્રદોટમાં ભાગ લીધો હતો.

શસ્ત્રદોટમાંથી જ બીજા વિશ્વયુદ્ધ પછી ‘નાટો’ (NATO), ‘સિયાટો’ (SEATO), ‘વૉર્સો કરાર’ અને તેના જેવાં અન્ય પ્રકારનાં લશ્કરી સંગઠનો રચવામાં આવ્યાં છે. શીતયુદ્ધના અરસામાં (194591) આ પ્રકારનાં સંગઠનોએ શસ્ત્રદોટને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અમેરિકામાં ડવાઇટ આઇઝેનહૉવર અને સોવિયેત સંઘમાં નિકિતા ક્રુશ્ર્ચેવ જ્યારે સત્તાસ્થાને હતા ત્યારે બંને જૂથો વચ્ચેનું શીતયુદ્ધ ચરમસીમા પર પહોંચ્યું હતું. તે અરસામાં કરવામાં આવેલી એક ગણતરી મુજબ વિશ્વમાં દર મિનિટે શસ્ત્રદોટ પાછળ 30,000 ડૉલરનો ખર્ચ કરવામાં આવતો હતો ! શીતયુદ્ધના ગાળામાં અમેરિકાએ ‘તારક યુદ્ધ’(star war)ની યોજના ઘડી કાઢી હતી, જેના પર આશરે 3,000 અબજ ડૉલર જેટલો જંગી ખર્ચ થશે એવું અંદાજવામાં આવ્યું હતું. લગભગ એ જ અરસામાં બાહ્યાવકાશનું લશ્કરીકરણ કરવાની પોતપોતાની યોજના બંને મહાસત્તાઓએ ઘડી કાઢી હતી, જેના પર અણધાર્યો જંગી ખર્ચ થવાની વકી હતી. 1987ની આખરમાં અમેરિકાએ નવા પ્રકારનાં રાસાયણિક શસ્ત્રોનું ઉત્પાદન હાથ ધર્યું હતું જેમને બાયનરી શસ્ત્રો કહેવામાં આવ્યાં હતાં. બાયનરી શસ્ત્રોના ઉત્પાદન માટે અમેરિકાના અર્કાન્સાસ રાજ્યમાં એક એવું કારખાનું ઊભું કરવામાં આવ્યું, જે વાર્ષિક સાત લાખ બાયનરી શેલ અને બૉમ્બનું ઉત્પાદન કરી શકે. આ કારખાનામાં ઉત્પન્ન થતો દરેક શેલ સેંકડો લોકોને અને પ્રત્યેક બિગબાય બાયનરી બૉમ્બ હજારો લોકોને એકસાથે ખતમ કરવાની ક્ષમતા ધરાવે એવી તેની યોજના હતી. 1990-2000ના દાયકાની શરૂઆતના તબક્કામાં અમેરિકાએ રાસાયણિક યુદ્ધક્ષેત્રે મિસાઇલોનું ઉત્પાદન કરવાની યોજના પણ ઘડી કાઢી હતી. તે જ દાયકાના ઉત્તરાર્ધમાં અમેરિકા રાસાયણિક ક્રૂઝ મિસાઇલનું ઉત્પાદન કરશે એવી સંભાવના તે સમયે વ્યક્ત કરવામાં આવી હતી. બાયનરી શસ્ત્રો અત્યંત ઘાતક હોવા ઉપરાંત તેમનો સહેલાઈથી સંગ્રહ કરી શકાય છે તથા બીજા દેશોમાં ચોરીછૂપીથી તે લઈ જઈ શકાય એવાં હોય છે; એટલું જ નહિ, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય ચકાસણી પણ છુપાવી શકાય એવાં તે હોય છે. બીજું, યુદ્ધમાં ઉપયોગમાં લઈ શકાય તેવા ઝેરી વાયુઓના વિશ્વમાં એટલા વિશાળ ભંડારો છે કે તે પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિ અનેક વાર ખતમ કરી શકશે. જંતુયુક્ત શસ્ત્રો વડે જંતુયુદ્ધ ખેલવાની પણ યોજનાઓ બની રહી છે અને તેનો સર્વપ્રથમ પ્રયોગ ઇરાકના તાજેતરના (2004) યુદ્ધમાં કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘના નિષ્ણાતોનો અંદાજ છે કે વિશ્વ પ્રતિ મિનિટ શસ્ત્રો પાછળ 20 લાખ ડૉલર જેટલો ખર્ચ કરે છે.

વર્ષ 1983ની વિગતો મુજબ વિશ્વમાં સાત કરોડથી પણ વધુ લોકો ભિન્ન ભિન્ન પ્રકારની લશ્કરી પ્રવૃત્તિઓમાં રોકાયેલા હતા; જેમાં 250 લાખ સૈનિકો, 40 લાખ લશ્કરી સ્થાનકોના કર્મચારીઓ અને 50 લાખ દારૂગોળો બનાવતા કારીગરો હતા. તે વર્ષે વિશ્વભરમાં 30 લાખથી વધુ વૈજ્ઞાનિકો અને ઇજનેરો લશ્કર-અભિમુખ સંશોધનમાં વ્યસ્ત હતા. દારૂગોળો બનાવતા ઉદ્યોગોમાં બેસુમાર પ્રમાણમાં લાકડું, રસાયણો, કાપડની કાચી સામગ્રી તથા ઊર્જાનો ઉપયોગ થઈ રહ્યો છે, જે વિશ્વને વિનાશ તરફ લઈ જઈ રહ્યો છે.

વિશ્વસ્તરે ચાલતી શસ્ત્રદોટને ખુલ્લી પાડતી, 1945-96ના લગભગ પાંચ દાયકામાં અણુશસ્ત્રોમાં થયેલ વધારાની વિગતો, 1997ના અંતમાં ‘ધ બુલેટિન ઑવ્ ધી ઍટમિક સાયન્ટિસ્ટ’માં પ્રકાશિત એક સારણી પરથી જાણી શકાય છે.

વિશ્વનાં અણુશસ્ત્રોમાં થયેલ વધારો (1945-96)

વર્ષ અમેરિકા સોવિયેત સંઘ ઇંગ્લૅન્ડ ફ્રાન્સ ચીન
1945 01 0 0 0 0
1946 11 0 0 0 0
1948 110 0 0 0 0
1950 359 05 0 0 0
1955 3,057 200 10 0 0
1960 20,434 1,605 30 0 0
1965 32,135 6,129 310 32 05
1970 26,492 11,643 230 36 75
1975 27,235 19,443 350 180 185
1980 23,916 30,062 350 250 280
1996 12,937 25,000 260 450 400

માત્ર વિશ્વના વિકાસશીલ દેશોમાં ચાલતી શસ્ત્રદોટની જ વાત કરીએ તો વિશ્વભરના બધા જ દેશોના કુલ લશ્કરી ખર્ચમાં 1970માં વિકાસશીલ દેશોનો હિસ્સો 7.2 ટકા જેટલો હતો, જે વધીને 1980-90ના દાયકાના મધ્યમાં 18 ટકા જેટલો થયો હતો. વિશ્વના વિકાસશીલ દેશોએ માત્ર વર્ષ 1984માં શસ્ત્રાસ્ત્રો પાછળ 117 અબજ ડૉલર જેટલો જંગી ખર્ચ કર્યો હતો, જે વિશ્વમાં ચાલતી શસ્ત્રદોટના ભાગરૂપ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે એકબીજા પર લશ્કરી તાકાતમાં સર્વોપરીતા પ્રાપ્ત કરવાના પ્રયાસ રૂપે શસ્ત્રદોટ ચાલી રહી છે. ભારતે ‘અર્જુન’ ટૅંક વિકસાવી જેના જવાબમાં પાકિસ્તાને અમેરિકા પાસેથી અદ્યતન ટૅંકોની ખરીદી કરી. ભારતે ‘અગ્નિ’, ‘પૃથ્વી’ અને ‘આકાશ’ જેવા જમીનથી જમીન પર અને જમીનથી આકાશમાં મારો કરી શકે એવાં મિસાઇલ્સ વિકસાવ્યાં, જેના જવાબમાં પાકિસ્તાને ‘ઘોરી’ મિસાઇલ્સ બનાવ્યાં જે 1,500 કિમી. સુધી વાર કરી શકે છે. ભારતે 1998માં પોખરણ ખાતે ન્યૂક્લિયર બૉંબનું બીજી વાર પરીક્ષણ કર્યું અને તરત જ એક અઠવાડિયાની અંદર પાકિસ્તાને પણ અણુબૉંબનું પરીક્ષણ કર્યું.

ઉપર દર્શાવેલ વિગતો પરથી એવું તારણ કાઢી શકાય કે શસ્ત્રદોટને કારણે વિશ્વ આજે (2005 વર્ષમાં) વિસ્ફોટકોના જથ્થા પર બેઠેલું છે અને કોઈ એક વ્યક્તિની ભૂલને કારણે પણ સમગ્ર વિશ્વ વિનાશ તરફ ધકેલાઈ જાય એવી સંભાવના નકારી શકાય નહિ.

શસ્ત્રનિયંત્રણ : દેશ પાસેના લશ્કરી સરંજામમાં ઘટાડો કરવા માટે, દેશની લશ્કરી તાકાત મર્યાદિત કરવા માટે, અતિવિનાશકારી શસ્ત્રોના ઉપયોગનું નિયમન કરવા માટે તથા અમુક અંશે શસ્ત્રોના જથ્થાને નાબૂદ કરવા માટે જે સુયોજિત પ્રક્રિયા દાખલ કરવામાં આવે છે કે અમલમાં મૂકવામાં આવે છે. તેને શસ્ત્રનિયંત્રણ કહેવામાં આવે છે. શસ્ત્રનિયંત્રણ અંગેની યોજનાબદ્ધ કાર્યપ્રણાલી બે રીતે નક્કી થાય છે : જુદાં જુદાં રાષ્ટ્રો વચ્ચે સમજૂતી સાધીને અથવા જુદાં જુદાં રાષ્ટ્રો વચ્ચે તે માટેની ઔપચારિક સંધિ કરીને તે અમલમાં મૂકવામાં આવે છે. શસ્ત્રનિયંત્રણ પાછળનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રો રાષ્ટ્રો વચ્ચે વિનાશકારી સંઘર્ષ ટાળવાનો હોય છે, જેથી દુનિયાને વિશ્વશાંતિ તરફ દોરી શકાય અને વિનાશથી વિશ્વને બચાવી શકાય.

કોઈ પણ સશસ્ત્ર સંઘર્ષ જાનમાલના સંદર્ભમાં ઓછાવત્તા પ્રમાણમાં વિનાશકારી તો હોય છે જ. મહાભારતના યુદ્ધમાં પાંડવો અને કૌરવો આ બંને પક્ષોની સામટી ગણતરી કરીએ તો તેમાં અઢાર અક્ષૌહિણી એટલે કે 39,36,600 જેટલા સૈનિકો ઝીંકવામાં આવ્યા હતા અને યુદ્ધના અંતે બચી ગયેલાઓની સંખ્યા 500 કરતાં વધારે ન હતી એવો અંદાજ છે. ઈ. પૂ. ત્રીજી સદીમાં ભારતમાં મગધ રાજ્યના મૌર્યવંશમાં સમ્રાટ અશોક નામનો ઉદાત્ત રાજા થઈ ગયો, જેના રાજ્યાભિષેક પછી આઠ વર્ષે તેણે કલિંગ નામક દેશ જીતી લીધો ખરો, પરંતુ તે માટે થયેલ યુદ્ધમાં જે વિનાશ સર્જાયો તે એટલો બધો ભયંકર હતો કે અશોકને તેને લીધે ભારે સંતાપ અને પશ્ર્ચાત્તાપ થયો અને તેના પરિણામસ્વરૂપ તેણે યુદ્ધ ન કરવાની આજીવન પ્રતિજ્ઞા લીધી. ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટે (1769-1821) સપ્ટેમ્બર 1812માં રશિયા પર આક્રમણ કર્યું ત્યારે તેના નેતૃત્વ હેઠળના ફ્રાન્સના લશ્કરમાં નવા ભરતી કરાયેલા 6,00,000 સૈનિકો હતા. નેપોલિયને આ બધા સૈનિકોનો રશિયા પર આક્રમણ કરવા માટે ઉપયોગ કર્યો, પરંતુ તેની સૈનિકોનાં ધાડાં મોકલવાની આ વ્યૂહરચના નિષ્ફળ નીવડી. પરિણામે તેના સૈનિકો માટે જીવનજરૂરિયાતની અનિવાર્ય ચીજવસ્તુઓના પૂરતા પુરવઠાના અભાવે નેપોલિયનને ઑક્ટોબર 1812માં મૉસ્કોથી પાછા ફરવું પડ્યું. પીછેહઠ કરતા તેના સૈનિકોને રસ્તામાં બરફનાં તોફાનો તથા કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો. પરિણામે તેના છ લાખ જેટલા સૈનિકોમાંથી લગભગ 5,00,000 સૈનિકો માર્યા ગયા અને બાકીનાને કાં તો રશિયા દ્વારા બંદી બનાવવામાં આવ્યા અથવા કેટલાક તો રણક્ષેત્રમાંથી ભાગી ગયા. બીજા વિશ્વયુદ્ધમાં પણ આ જ ઇતિહાસની પુનરાવૃત્તિ થઈ, જેમાં રશિયાની કાતિલ ઠંડીને કારણે પીછેહઠ કરતા લાખો જર્મન સૈનિકોએ પોતાના જાન ગુમાવ્યા હતા. સ્વિસ વિદ્વાન ઝાં – જાક બાબેલે કરેલી ગણતરીની વાત અગાઉ કરવામાં આવેલી છે.

વીસમી સદીની શરૂઆતનાં આડત્રીસ વર્ષો સુધી ખેલાયેલાં બધાં જ યુદ્ધોમાં શસ્ત્રાસ્ત્રોની તકનીકમાં ક્રમશ: સુધારાવધારા ભલે થતા ગયા હોય, પરંતુ તે શસ્ત્રાસ્ત્રો પ્રણાલીગત સ્વરૂપનાં જ હતાં (conventional armaments); જેમની સંહારશક્તિ એકવીસમી સદીનાં શસ્ત્રોની તુલનામાં મર્યાદિત જ હતી. ત્યાં સુધી વિરાટ પાયા પર વ્યાપક કે મહાસંહારક જાનહાનિ કરવાની ક્ષમતા ધરાવતાં શસ્ત્રાસ્ત્રો(weapons of mass destruction – WMD)નો ઉપયોગ યુદ્ધમાં દાખલ થયો ન હતો. 6 ઑગસ્ટ, 1945નો દિવસ યુદ્ધકલા કે યુદ્ધકૌશલ્ય અને શસ્ત્રોની સંહાર કરવાની શક્તિની બાબતમાં વિભાજક બિંદુ(cut-off point) ગણાય, કારણ કે તે દિવસે સવારમાં બરાબર સવાઆઠ વાગ્યે અમેરિકાના બી-29 બૉંબરે જાપાનના ઓહટા નદી પર વસેલા સાત કિલોમિટર ત્રિજ્યા ધરાવતા હીરોશીમા નગર પર 9,600 મીટર ઊંચાઈએથી 12.5 કિલોટન વિસ્ફોટક શક્તિ ધરાવતો ‘લિટલ બૉય’ સાંકેતિક નામ ધરાવતો ન્યૂક્લિયર બૉંબ ઝીંક્યો અને માત્ર અડધી સેકન્ડમાં તેમાંથી 180 મીટર ત્રિજ્યા ધરાવતો પ્રચંડ અગ્નિપુંજ બહાર પડ્યો જેને લીધે જમીનનું તાપમાન એકાએક 600° સેન્ટિગ્રેડ જેટલું વધ્યું. સમગ્ર હીરોશીમા નગર ક્ષણાર્ધમાં બેચિરાગ થયું અને તેમાંના 50,000 નગરવાસીઓ મોતને ભેટ્યા. જે બચી ગયા તે ત્યારબાદ વર્ષો સુધી મરણાંત યાતનાઓના શિકાર બન્યા. આમ માત્ર એક જ ન્યૂક્લિયર બૉંબે અડધી સેક્ધડમાં બે લાખ નાગરિકોનો ભરડો લીધો. અધૂરામાં પૂરું, તેના માત્ર છ જ દિવસ પછી 9 ઑગસ્ટ, 1945ના રોજ સવારમાં 11 કલાકે જાપાનના બીજા નગર નાગાસાકી પર ‘ફૅટ મૅન’ સાંકેતિક નામ અને 4.5 ટન વજનનો 22 કિલોટન વિસ્ફોટક શક્તિ ધરાવતો ન્યૂક્યિલર બૉંબ ઝીંકવામાં આવ્યો; જેથી ક્ષણાર્ધમાં 75,000 નાગરિકો મરણ પામ્યા. પરંપરાગત બૉંબ અને ન્યૂક્લિયર બૉંબમાં એક મહત્વનો તફાવત એ છે કે પરંપરાગત બાબને કારણે તેના દાયરામાં જે કોઈ સપડાય છે તે જ તત્કાલ મરણ પામે છે; પરંતુ ન્યૂક્લિયર બૉંબને લીધે થતા કિરણોત્સર્જનને કારણે તાત્કાલિક મરણ ઉપરાંત તેની અડફેટમાં આવેલા માણસોને અત્યંત ભીષણ જીવહાનિકર જૈવિક પરિણામો અને તે પણ ઘણાં લાંબા સમય સુધી સહન કરવાં પડતાં હોય છે. આવાં મહાવિનાશક શસ્ત્રોના આવિષ્કારને કારણે પૃથ્વી પર માનવ જાતિનું અસ્તિત્વ હવે જોખમમાં મુકાયેલું જણાયું છે.

ન્યૂક્લિયર હથિયારોના આવિષ્કારને કારણે યુદ્ધકૌશલ્યમાં જે ફેરફાર થયા તેણે બે મુખ્ય પરિણામો છતાં કર્યાં છે : એક તો વિશ્વના દેશો રાજકીય રીતે બે સબળ વિભાગોમાં વહેંચાઈ ગયા છે. એક એવા દેશો જેમની પાસે ન્યૂક્લિયર શસ્ત્રો બનાવવાની ક્ષમતા છે અને બીજા જે આવાં શસ્ત્રો બનાવવાની તકનીક જાણતા નથી. 1945માં માત્ર અમેરિકા પાસે આ ક્ષમતા હતી. 1950માં સોવિયેત સંઘે અને 1955માં ઇંગ્લૅન્ડે તે સાધ્ય કરી. 1965માં વિશ્વના પાંચ દેશોએ તે હાંસલ કરી અને 1998માં તેમાં ભારત અને પાકિસ્તાનનો ઉમેરો થતાં હવે 2005માં આવા દેશોની સંખ્યા સાત જેટલી થઈ છે. આ દેશોના જૂથને હવે ‘ન્યૂક્લિયર ક્લબ’ નામથી ઓળખવામાં આવે છે.

ન્યૂક્લિયર શસ્ત્રાસ્ત્રોના આવિષ્કારમાંથી 1945-90ના ગાળામાં વિશ્વની બે મહાસત્તાઓ  અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે ‘ઠંડું યુદ્ધ’ (cold war) ચાલતું રહ્યું અને આ ગાળા દરમિયાન કેટલાક એવા રાજકીય બનાવો બન્યા, જ્યારે તેમની વચ્ચેનું ‘ઠંડું યુદ્ધ’ ગમે ત્યારે ‘ગરમ યુદ્ધ’(Hot War)માં ફેરવાઈ જશે અને તેમાંથી મહાવિનાશક ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે એવી દહેશત ઊભી થઈ. મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇને એક વાર કહ્યું હતું કે જો ત્રીજું વિશ્વયુદ્ધ ખરેખર ફાટી નીકળશે તો તેના અંતે તે યુદ્ધમાં કોનો વિજય થયો અને કોનો પરાજય થયો એ નક્કી કરવા અમ્પાયર તરીકે પૃથ્વી પર કોઈ જીવ રહેશે જ નહિ આટલું તે પ્રલયકારી યુદ્ધ સાબિત થશે. 1962માં સોવિયેત સંઘે ક્યૂબામાં મિસાઇલો ખડકવાની જ્યારે ચેષ્ટા કરી હતી ત્યારે ‘ઠંડું યુદ્ધ’ ‘ગરમ યુદ્ધ’માં ફેરવાઈ જવાની અણી પર વિશ્વ આવી પહોંચેલું. મે, 1998માં ભારત અને ત્યારબાદ તુરત જ પાકિસ્તાને ન્યૂક્લિયર બૉંબ બનાવવામાં સફળતા મેળવ્યા પછીના 2-3 વર્ષ દરમિયાન બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો એટલી હદે બગડતા ગયા કે 13 ડિસેમ્બર, 2001ના રોજ ભારતના સંસદ ભવન પર પાકિસ્તાની આતંકવાદીઓ ત્રાટક્યા પછી બંને દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળશે અને તેમ થાય તો તે યુદ્ધમાં બેમાંથી કોઈ પણ દેશ પોતાના રક્ષણ માટે બીજાની વિરુદ્ધમાં અણુશસ્ત્રોનો ઉપયોગ કરશે એવી દહેશત ઊભી થઈ હતી. બંને દેશોની સેના ‘હાય એલર્ટ’ની સ્થિતિમાં સારા એવા સમય સુધી સરહદ પર ‘બૅટલ ઑર્ડર’માં એકબીજાનો સામનો કરવા કટિબદ્ધ હતી. આજના વિશ્વની કરુણતા એ છે કે સમગ્ર વિશ્વ જાણે કે ન્યૂક્લિયર બૉંબ પર સંતુલન બનાવી રાખવાની સ્થિતિમાં સતત બેઠેલું છે અને તેમાંથી ગમે ત્યારે વિસ્ફોટ થશે એવી દહેશત માનવજાતિને સતત લાગ્યા કરે છે. ખરેખર ફરીથી વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો તે સર્વનાશ નોતરશે એમાં જરા પણ શંકા નથી; આ હકીકત પ્રત્યે હવે વિશ્વની મહાસત્તાઓ પણ સભાન થઈ છે અને તેથી વિશ્વના નાના દેશો જ માત્ર નહિ, પરંતુ મહાસત્તાઓ પણ ત્રીજું વિશ્વયુદ્ધ ટાળવા માટે શસ્ત્રનિયંત્રણ તરફ સક્રિય રીતે પ્રયત્નશીલ બની છે.

બીજા વિશ્વયુદ્ધ પૂર્વે શસ્ત્રનિયંત્રણ માટેના પ્રયાસો : 1945માં ન્યૂક્લિયર બૉંબના વિસ્ફોટ પછી 1950-90ના ચાર દાયકાના ગાળામાં જે કેટલાક રાજકીય બનાવો બન્યા તેને લીધે શસ્ત્રનિયંત્રણની પ્રક્રિયાને વેગ મળ્યો છે. તે પૂર્વે પણ પ્રાદેશિક સ્તરે પરસ્પર વચ્ચે શસ્ત્રનિયંત્રણ માટે કેટલાક છૂટાછવાયા પ્રયાસ થયા હતા તેની પણ નોંધ લેવી જોઈએ; દા.ત., 1817માં અમેરિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે ‘રશ-બેગૉટ’ સંધિ (Rush-Bagot Agreement) થઈ હતી, જેના દ્વારા ગ્રેટ લેક્સ વિસ્તારમાં આ બે દેશોમાંથી દરેક દેશ પોતાના લશ્કરની તાકાત મર્યાદિત રાખવાનો પ્રયાસ કરશે એવું ઠરાવવામાં આવ્યું હતું. વિશ્વમાં શસ્ત્રનિયંત્રણનો આ સર્વપ્રથમ પ્રયાસ હતો એમ કહી શકાય. ત્યારબાદ બે શાંતિ પરિષદોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાંથી એક પરિષદ 1899ના મે-જુલાઈના ગાળામાં હેગ ખાતે યોજવામાં આવી હતી અને જેમાં 26 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ પરિષદમાં માનવતાના ધોરણે યુદ્ધ દરમિયાન શસ્ત્ર તરીકે ઝેરી વાયુના ઉપયોગ પર તથા ડમડમ ગોળીઓના ઇસ્તેમાલ પર સ્વૈચ્છિક પ્રતિબંધ મૂકવા પર આ દેશો વચ્ચે સંમતિ સધાઈ હતી. બીજી શાંતિ પરિષદ 1907માં ફરી હેગ ખાતે જ યોજવામાં આવી હતી, જેમાં 44 રાષ્ટ્રોએ ભાગ લીધો હતો; પરંતુ આ પરિષદ સમક્ષ શસ્ત્રનિયંત્રણ અને નિ:શસ્ત્રીકરણ અંગે જે પ્રસ્તાવો રજૂ થયા હતા તેમાંથી કોઈ પણ પ્રસ્તાવ પર સર્વસંમતિ સધાઈ ન હતી. ત્યારબાદ નિ:શસ્ત્રીકરણ અંગે જે મહત્વનું પગલું લેવાયું તે પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)માં જર્મનીના પરાજયમાંથી લેવાયું હતું અને તે દ્વારા દેશના શસ્ત્રીકરણ અંગે જર્મની પર કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા અને તેની સશસ્ત્ર સેનાના કદમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1921માં વૉશિંગ્ટન ખાતે નૌકાદળના કદમાં ઘટાડો કરવા સારુ એક પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ત્રણ કરાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી 1922માં વૉશિંગ્ટન ખાતે અમેરિકા, ઇંગ્લૅન્ડ, જાપાન, ફ્રાન્સ અને ઇટાલી – આ પાંચ દેશોની એક પરિષદ યોજાઈ હતી; જેમાં આ દેશો દ્વારા પોતપોતાના યુદ્ધ-કાફલામાંથી અમુક યુદ્ધજહાજોનો નાશ કરવાનો તથા ભવિષ્યમાં નવાં યુદ્ધજહાજોના ઉત્પાદન પર નિયંત્રણ કરવાનો કરાર કરવામાં આવ્યો હતો. 1930માં લંડન ખાતે નૌકાદળની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવી હતી; જેમાં ઇંગ્લૅન્ડ, જાપાન અને અમેરિકાએ પોતપોતાના યુદ્ધકાફલાની સંખ્યા ઘટાડવા તથા તેમના પર જે તોપો બેસાડવામાં આવી હતી તેનું કદ અને સંખ્યા ઘટાડવા સંમતિ દર્શાવી હતી. આ કરાર માત્ર છ વર્ષ સુધી અમલમાં રહ્યો હતો. ત્યારબાદ ફેબ્રુઆરી, 1932માં વિશ્વસ્તરની એક નિ:શસ્ત્રીકરણ પરિષદ યોજવામાં આવી હતી; જેમાં 60 દેશોએ ભાગ લીધો હતો. આ પરિષદમાં અમેરિકા તરફથી બે પ્રકારના પ્રસ્તાવ રજૂ થયા હતા : (1) બધાં જ રાસાયણિક શસ્ત્રોનો નાશ કરવો, તથા (2) બાકીનાં શસ્ત્રોનો 1/3 ભાગ નષ્ટ કરવો. આ બે પ્રસ્તાવો પર પરિષદમાં દસ મહિના સુધી ચર્ચાવિચારણા થઈ હતી, પરંતુ તેમાંથી કશું નિષ્પન્ન થયું ન હતું. બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની અને જાપાનનો પરાજય થતાં તે બંને દેશો પર શસ્ત્રસરંજામ રાખવા અંગે પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. આ હતી શસ્ત્રનિયંત્રણ અંગેની 1945 સુધીની વિગતો. હવે બીજા વિશ્વયુદ્ધ પછીના શસ્ત્રનિયંત્રણના પ્રયાસોની નોંધ લેવાની રહે છે.

1952માં રાષ્ટ્રસંઘના નેજા હેઠળ 12 સભ્ય દેશોનું એક નિ:શસ્ત્રીકરણ મંડળ રાષ્ટ્રસંઘની સામાન્ય સભા દ્વારા રચવામાં આવ્યું. આ મંડળના પ્રયત્નોથી કેટલીક સંધિઓ પસાર કરવામાં આવી હતી; દા. ત., 1959માં બધા જ સભ્ય દેશોએ ઍન્ટાર્ક્ટિકાને શસ્ત્રમુક્ત રાખવાની સંધિ કરી હતી; જે 1961થી અમલમાં મૂકવામાં આવી. 1963માં કરવામાં આવેલ એક સંધિ દ્વારા વાયુમંડળમાં, બાહ્ય અવકાશમાં તથા દરિયાની જળસપાટીની નીચે (under water) ન્યૂક્લિયર શસ્ત્રોના પરીક્ષણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. આ કરાર પર અમેરિકા, સોવિયેત સંઘ તથા ઇંગ્લૅન્ડે મંજૂરીની મહોર મારી હતી. 1967માં બાહ્ય અવકાશમાં લશ્કરી પ્રવૃત્તિઓ કરવા પર પ્રતિબંધ મૂકતો નવો કરાર કરવામાં આવ્યો. તે જ વર્ષે દક્ષિણ અમેરિકાના 21 દેશોએ એક સંધિ દ્વારા તેમના પ્રદેશો / વિસ્તારોમાં ન્યૂક્લિયર શસ્ત્રો પર પ્રતિબંધ મૂકતો ઠરાવ પસાર કર્યો હતો. 1968માં રાષ્ટ્રસંઘે એક નવી સંધિ દ્વારા સભ્ય દેશો બીજા દેશોને ન્યૂક્લિયર શસ્ત્રો આપશે નહિ એવા મતલબનો પ્રતિબંધ લાદ્યો હતો. આ સંધિ 1970થી અમલમાં આવશે એવું પણ ઠરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય ઘણી સંધિઓ દ્વારા શસ્ત્રનિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં; દા. ત., ન્યૂક્લિયર ટેસ્ટ બૅન ટ્રીટી, 1963 (NTBT), ન્યૂક્લિયર નૉન-પ્રૉલિફરેશન ટ્રીટી, 1968 (NNPT) વગેરે. 1970માં વ્યૂહાત્મક શસ્ત્ર- નિયંત્રણ (SALT) માટે સક્રિય પ્રયાસો કરવામાં આવ્યા; જોકે તેમાં સફળતા મળી ન હતી. તેમ છતાં વીસમી સદીના નવમા દાયકામાં અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે વ્યૂહાત્મક શસ્ત્ર-ઘટાડા (SAR) માટે વાટાઘાટો શરૂ કરવામાં આવી હતી. 1987-88માં સોવિયેત સંઘે પોતાના દેશના શસ્ત્રભંડારો અને લશ્કરી પ્રવૃત્તિઓની રાષ્ટ્રસંઘના નેજા હેઠળ ચકાસણી અને તપાસ કરવા સંમતિ આપી હતી; જેથી બંને મહાસત્તાઓ હેઠળનાં બંને જૂથોનું તુલનાત્મક શક્તિ-પરીક્ષણ કરી શકાય.

1989-90ના અરસામાં બે મુખ્ય ઘટનાઓ ઘટી : એક તો વિશ્વની બંને મહાસત્તાઓ (અમેરિકા અને સોવિયેત સંઘ) વચ્ચે 1945થી શરૂ થયેલ શીત યુદ્ધ સમાપ્ત થયું. બીજું, સોવિયેત સંઘના નેતૃત્વ હેઠળના ‘વૉર્સો કરાર’ના નેજા હેઠળ પૂર્વ યુરોપના દેશો વચ્ચે જે સમજૂતીઓ કે લશ્કરી જોડાણો કરવામાં આવ્યાં હતાં તે બધાં વિખેરી નાંખવામાં આવ્યાં; જેને કારણે યુરોપ અને સોવિયેત સંઘના વિસ્તારોમાં સૈનિકો તથા શસ્ત્રસરંજામમાં ઘટાડા કરવાની પ્રક્રિયા શક્ય અને સરળ બની અને તે મુજબ તે દિશામાં કેટલાંક પગલાં લેવામાં આવ્યાં. સાથોસાથ વિશ્વસ્તર પર નિ:શસ્ત્રીકરણની ઝુંબેશ વધુ અસરકારક બનતી ગઈ.

દરમિયાન અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે વ્યૂહાત્મક શસ્ત્રનિયંત્રણ માટેની દ્વિપક્ષી વાટાઘાટો હાથ ધરવામાં આવી; જેને ‘SALT’ (સ્ટ્રૅટેજિક આર્મ્સ લિમિટેશન ટ્રીટી) નામથી ઓળખવામાં આવે છે. તેમાંની પ્રથમ વાટાઘાટ (SALT-I) 1969-72 દરમિયાન યોજવામાં આવી હતી. આ પ્રથમ વાટાઘાટમાંથી બે નક્કર પરિણામો પ્રાપ્ત થયાં હતાં : એક તો બંને દેશોએ ઍન્ટિ-બૅલિસ્ટિક મિસાઇલ સંધિ મંજૂર રાખી હતી. બીજું, કેટલાંક આક્રમક ન્યૂક્લિયર શસ્ત્રો ઘટાડવા માટે બંને પક્ષો વચ્ચે મધ્યાવધિ કરાર કરવામાં આવ્યો હતો.

1972માં SALT-II હસ્તકની વાટાઘાટો યોજવામાં આવી; જેની પરિણતિ રૂપે શસ્ત્રનિયંત્રણ અંગે બંને મહાસત્તાઓ વચ્ચે 1979માં કેટલીક સમજૂતી સધાઈ હતી; પરંતુ તેના પર મંજૂરીની મહોર મારવામાં આવે તે પહેલાં સોવિયેત સંઘે અફઘાનિસ્તાનમાં સશસ્ત્ર ઘૂસણખોરી કરી. આ કારણસર પ્રતિકાર રૂપે અમેરિકાએ આ સંધિ માન્ય રાખવાની અને તેનો અમલ કરવાની પ્રક્રિયા મુલતવી રાખી હતી.

1982માં બંને મહાસત્તાઓ વચ્ચે શસ્ત્રનિયંત્રણ અંગે નવેસરથી વાટાઘાટો શરૂ કરવામાં આવી જે ‘START’ (Strategic Arms Reduction Treaty) નામથી ઓળખાય છે. તેની ફલશ્રુતિ રૂપે 1987માં અમેરિકા અને સોવિયેત સંઘે મધ્યાવધિ ન્યૂક્લિયર શસ્ત્રો (Intermediate Nuclear Weapons) નાબૂદ કરવા અંગે સંધિ કરી, જેના પર અમેરિકા વતી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગને અને સોવિયેત સંઘ વતી મિખાઇલ ગૉર્બાચૉવે પોતપોતાના દેશ વતી સહીસિક્કા કર્યા હતા. અમેરિકાની સેનેટે તથા સોવિયેત સંઘના પ્રેસિડિયમે 1988માં આ સંધિની પુષ્ટિ કરી હતી.

ઉપરની સમગ્ર ચર્ચાનો ફલિતાર્થ એ છે કે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વની મહાસત્તાઓ વચ્ચે ન્યૂક્લિયર શસ્ત્રોની જે હોડ શરૂ થઈ તે પરાકાષ્ઠાએ પહોંચતાં બંને મહાસત્તાઓને એવી પ્રતીતિ થઈ કે જો વિશ્વને મહાભયંકર અને વિનાશક પ્રલયમાંથી બચાવવું હોય તો માત્ર શસ્ત્રહોડ અટકાવવાથી જ તે હાંસલ કરી શકાશે નહિ, તે માટે નક્કર સ્વરૂપે શસ્ત્રનિયંત્રણ અનિવાર્ય છે. બીજા વિશ્વયુદ્ધ પછીનાં ન્યૂક્લિયર શસ્ત્રોના હાલના જમાનામાં વિશ્વની મહાસત્તાઓ અને તેમના હસ્તકના દેશોએ મહાવિનાશક શક્તિ સંપાદન કરી છે, જે વિશ્વના અસ્તિત્વ માટે અત્યંત જોખમકારક છે. તે અંગે ત્રણ બાબતો નોંધપાત્ર છે : (1) ન્યૂક્લિયર શસ્ત્રોના આવિષ્કારને લીધે વિનાશક શક્તિમાં અમાપ વધારો થયો છે, જે બધા માટે હાનિકારક છે; દા.ત, ન્યૂક્લિયર શસ્ત્રોથી સજ્જ એક જ સબમરીન હવે જે વિધ્વંસક ક્ષમતા ધરાવે છે, તે ક્ષમતા બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલાં બધાં જ શસ્ત્રોની સામટી વિધ્વંસકતા કરતાં પણ વધારે છે. (2) વિશ્વની મહાસત્તાઓ પાસે આજે જે શસ્ત્રભંડારો છે તે શસ્ત્રભંડારો સમગ્ર વિશ્વને એક વાર નહિ પણ અનેક વાર નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. (3) ન્યૂક્લિયર યુદ્ધ થાય તો તેની અસર રૂપે પૃથ્વીની આબોહવામાં અને પર્યાવરણમાં જે ફેરફારો થશે તે પૃથ્વી પરની જીવસૃષ્ટિ અને વનસ્પતિનો સંપૂર્ણ વિનાશ કરશે. આ ત્રણ બાબતોના સંદર્ભમાં વિશ્વના દેશો હવે સ્વીકારે છે કે શસ્ત્રનિયંત્રણ એ એકમાત્ર એવો ઉપાય છે, જે પૃથ્વી પરની જીવસૃષ્ટિને બચાવી શકશે. એટલે જ કહેવાય છે કે ન્યૂક્લિયર શસ્ત્રોનો આવિષ્કાર એ એક પ્રકારનો પ્રક્ષાલક કે પરિમાર્જક સાબિત થયો છે. પૃથ્વીને સર્વનાશથી બચાવવાનો એકમાત્ર ઉપાય શસ્ત્રનિયંત્રણ માટેનો સહિયારો પ્રયાસ છે. આ બાબત અંગે વિશ્વના દેશોમાં સભાનતા વધી રહી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે