શલ્ય અને શાલાક્યતંત્ર

January, 2006

શલ્ય અને શાલાક્યતંત્ર : આયુર્વેદનાં આઠ અંગોમાંનાં બે. સૃષ્ટિસર્જક બ્રહ્માએ ઉદબોધેલ આયુર્વેદવિજ્ઞાન, સ્વર્ગાધિપતિ ઇન્દ્રના સમય પછી મનુષ્યોની આયુષ્ય તથા મેધા-ગ્રહણશક્તિ ઘટવાથી 8 વિભાગોમાં વહેંચી નંખાયું હતું. જેથી વિદ્યાર્થીને જે વિષયમાં વધુ રુચિ હોય તેનો તે અભ્યાસ કરી, તેનો નિષ્ણાત બની શકે. કાશીપતિ દિવોદાસ કે જેઓ આજે વૈદ્યોમાં ભગવાન ધન્વન્તરિ રૂપે પૂજાય છે, તેમણે આયુર્વેદનાં આઠ અંગોને શિક્ષણમાં પ્રધાનતા આપેલી હતી. આ આઠ અંગો તે શલ્યતંત્ર; શાલાક્યતંત્ર, કાયચિકિત્સા, ભૂતવિદ્યા, કૌમારભૃત્ય (બાળ-વિજ્ઞાન), અગદતંત્ર (વિષ-વિજ્ઞાન), રસાયનતંત્ર અને વાજીકરણતંત્ર.

આમાંનાં પ્રથમ બે તંત્રો (વિદ્યા-શાખા : Branches) તે સર્જરી અર્થાત્ શસ્ત્રક્રિયાનાં અને બાકીનાં છ મેડિસિન અર્થાત્ અંગ-ચિકિત્સાનાં છે.

આયુર્વેદવિજ્ઞાનમાં શસ્ત્રક્રિયા આ વિજ્ઞાનના પ્રારંભથી હતી જ અને શલ્ય તથા શાલાક્ય નામનાં બે તંત્રો તેની સાબિતી છે. ભૂતકાળમાં તક્ષશિલા(કાશ્મીર)માં ભારતની વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટી હતી, જેમાં આયુર્વેદનાં આઠેય અંગોનું જ્ઞાન અપાતું. તેમાં શલ્ય-શાલાક્યતંત્રરૂપી શસ્ત્રક્રિયા કે વાઢ-કાપનું જ્ઞાન તે સમયે ઊંચી ટોચ પર હતું; તેથી સમગ્ર વિશ્વમાંથી અનેક લોકો તે જ્ઞાન મેળવવા તક્ષશિલામાં આવતા.

સ્વયં ભગવાન ધન્વન્તરિએ એક શ્ર્લોક દ્વારા કહેલું છે કે ‘દેવતાઓનાં વૃદ્ધાવસ્થા, રોગ અને મૃત્યુને હરનારો હું આદિદેવ ધન્વન્તરિ આ પૃથ્વી ઉપર આયુર્વેદનાં બીજાં (છ) અંગો સહિત શલ્ય-શાલાક્યનાં અંગોનું જ્ઞાન (માનવજાતને) આપવા માટે આવ્યો છું.’

પૃથ્વી પર ભારતમાં ભગવાન ધન્વન્તરિએ શલ્ય-શાલાક્ય અંગો રૂપે સર્જરી-વિજ્ઞાનનો પ્રારંભ કરી, તે જ્ઞાન પોતાનાં સુશ્રુતાદિ અનેક શિષ્યોને આપેલું. તેમાં મહર્ષિ વિશ્વામિત્રના પુત્ર સુશ્રુતે પ્રાપ્ત જ્ઞાન ઉપરથી ‘સુશ્રુત-સંહિતા’ લખી; જે આજે પણ આયુર્વેદની સર્જરીનો મહાન (ઉપલબ્ધ) ગ્રંથ ગણાય છે. આ ગ્રંથમાં 15 હજાર શ્ર્લોકો છે; જેમાં સર્જરી (શસ્ત્રક્રિયા) મુખ્ય છે.

મહર્ષિ સુશ્રુતે પોતાની સંહિતામાં પોતાના સર્જરી-ગ્રંથનું મહત્વ બતાવતાં કહ્યું છે : ‘આ શલ્ય (તથા શાલાક્ય) તંત્ર આયુર્વેદનાં બીજાં અંગો કરતાં વધુ ઝડપથી (રોગનિવારણનું) કાર્ય સિદ્ધ કરી આપે છે. અને તે સર્વે અંગોમાં (રોગોની  અસાધ્ય  સ્થિતિમાં) ખાસ વધુ ઉપયોગી થાય છે;’ તેથી તે બીજાં અંગો કરતાં ઉત્તમ છે.

આયુર્વેદના ઇતિહાસ-ગ્રંથોમાં ભારતમાં આર્ષકાળમાં એક સમયે શલ્યતંત્ર અર્થાત્ મોટી શસ્ત્રક્રિયા (‘મેજર સર્જરી’) ઉપર ઔપધનેવ, વૈતરણ, ઔરભ્ર, સુશ્રુત, વૃદ્ધ સુશ્રુત, પૌષ્કલાવત, ભોજ, કરવીર્ય, ગોપુરરક્ષિત, ભાલ્લુકી, કપિલ, ગૌતમ તથા ધન્વન્તરિ  આ 13 જેટલા આચાર્યોએ રચેલા ગ્રંથોની યાદી-નોંધ છે. એ જ રીતે શાલાક્યતંત્ર કે ‘માઇનૉર સર્જરી’ વિશે વિદેહ, નિમિ, કાંકાયન, ગાલવ, શૌનક, કારાલ, ચક્ષુષ્ય અને કૃષ્ણાપ્રિય નામના કુલ 8 આચાર્યોએ લખેલ ગ્રંથોની નોંધ છે. એકલા સુશ્રુતે પોતાની સુશ્રુત-સંહિતામાં 1,230 વાઢકાપના રોગોનું વર્ણન કરેલ છે. સર્જરી(શસ્ત્રકર્મ)ની આજે પ્રચલિત બધી રીતો છેદન (અં. ‘ઍમ્પ્યુટેશન’), ભેદન (અં. ‘ઇન્સિઝન’), લેખન (અં : ‘ક્યુરેટિંગ’) આહાર્ય (અં. ‘એક્સટ્રૅક્શન’),  એષણ (અં. ‘પ્રોટિંગ’),  સીવન (અં. ‘સૂચરિંગ’) આદિ તે સમયે પ્રચલિત હતી. એ સમયે ભારતીય સર્જનો 101 પ્રકારનાં યંત્રો (મશીન કે ઉપકરણો) અને 20 પ્રકારનાં શસ્ત્રો (સર્જરીનાં સાધનો) વાપરતાં હતાં.

હવે આયુર્વેદિક સર્જરીની બે શાખાઓ શલ્યતંત્ર અને શાલાક્ય તંત્ર વિશેની વિગતો પ્રસ્તુત છે :

શલ્યતંત્ર : પૂર્વે જ્યારે યુદ્ધો થતાં ત્યારે સૈનિકો તીર, ભાલા, તલવાર, બરછી કે અગ્ન્યાસ્ત્ર જેવાં શસ્ત્રોથી ઘાયલ થતા. તેમની ચિકિત્સા પ્રાય: શલ્યતંત્રવિદ વૈદ્યો જ કરતા. ‘શલ્ય’ એટલે શરીરમાં ભોંકાયેલ કોઈ પણ બહારની વસ્તુ  જેમ કે, તીર, છરી, ભાલો, કાચ, લોહકણી કે કાષ્ઠ વગેરે. શરીરમાં પ્રવેશીને જે અંગમાં શૂલ-પીડા (pain) પેદા કરે તે શલ્ય. યુદ્ધમાં વિવિધ શસ્ત્રાસ્ત્રો વાગવાથી થયેલ અંગોની ઈજા ઉપરાંત શરીરના આંતરિક દોષોથી પેદા થયેલ ગાંઠ (ટ્યૂમર), ક્ષત-જખમ, વ્રણ (ગૂમડાં), પથરી કે સડા(‘ગૅન્ગ્રિન’)ને દૂર કરવા માટે પણ શલ્યવિદ્યાનો ઉપયોગ થાય છે. ‘शल्य’ શબ્દમાંનો ‘शल्’ હિંસાના અર્થમાં વપરાયો છે. જેનાથી શરીરમાં પીડા-શૂળ પેદા થાય કે અંદરના અંગના સ્નાયુ-તંતુઓની હિંસા થાય છે, તે શલ્ય. જેમાં શરીરનાં (મુખ્યત્વે છાતી, પેટ, હાથ, પગ ઇત્યાદિ ને મસ્તક જેવાં) મહત્વનાં અંગોમાં રહેલા શલ્યનું નિવારણ કરવાનું વૈદકીય જ્ઞાન હોય તેને શલ્યતંત્ર કહેલ છે. ટૂંકમાં, શરીરની અંદર દોષ-પ્રકોપથી આપમેળે થયેલાં ગાંઠ કે ચાંદા-જખમ જેવાં આંતરિક કારણોથી કે હથિયાર, કાંટો, કાચ, પથ્થર, નખ આદિ બાહ્ય કારણોથી થયેલ શૂલ(અંગ-પીડા)ને દૂર કરનારી શસ્ત્રક્રિયાપ્રધાન ચિકિત્સા તે શલ્યચિકિત્સા. શરીરમાં કાંટો, કાચ, ફાંસ કે બાણ-છરી જેવાં શસ્ત્રાસ્ત્ર ઘૂસી જાય અથવા લોખંડ કે અન્ય ધાતુના હથિયારથી અંગ કપાઈ, છેદાઈ કે ભેદાઈ જાય તેની અથવા શરીરને લાકડું (કાષ્ઠ), પથ્થર, અસ્થિ, બાલ, (પ્રાણીઓનાં) નખ કે દાંત વાગવાથી જખમ થયેલ હોય કે પાક-પરુ ને સોજો થયેલ હોય; સ્ત્રીના પેટમાં ગર્ભસ્થ બાળક મરી ગયું હોય કે તે આડું થઈ ગયું હોય, તેવા સર્વ કિસ્સાઓમાં ઉદરાદિ અંગોને ચીરીને બહાર કાઢવાની શસ્ત્રક્રિયા-પ્રધાન સારવાર તે શલ્યચિકિત્સા છે. આ વિદ્યાશાખા શરીરમાં ભાંગી ગયેલા હાડકાને, છેદાઈ-કપાઈ ગયેલાં અંગોને સાંધવાની; નાનીમોટી ગાંઠો, આંતરડાંની વૃદ્ધિ, હરસ-મસા, ભગંદર, પથરી, વ્રણ-શોથ, અંગ-સડો વગેરે દૂર કરવાની પણ સારવાર કરે છે. આ ક્રિયાઓમાં હથિયારો વડે વાઢકાપ ઉપરાંત ક્ષારકર્મ તથા અગ્નિકર્મ(‘કોટરિઝેશન’)-નો તેમજ વિવિધ યંત્રોનો પણ ઉપયોગ થાય છે. આ શલ્યતંત્ર મુજબ શરીરનાં મુખ્ય અંગોની શસ્ત્ર, યંત્ર, ક્ષાર તથા અગ્નિપ્રયોગથી ચિકિત્સા કરનાર વૈદ-સંપ્રદાયને ‘ધન્વન્તરિસંપ્રદાય’ નામથી ઓળખવામાં આવે છે. ધન્વન્તરિ-સંપ્રદાયની માન્યતા મુજબ શલ્યચિકિત્સા અન્ય સાતેય તંત્રોમાં ખૂબ ઝડપી લાભ કરનારી હોઈ તે આયુર્વેદની આઠ વિદ્યાશાખાઓમાં સર્વશ્રેષ્ઠ છે; કારણ કે અન્ય વિદ્યાશાખાઓ દ્વારા જ્યારે કોઈ રોગ અસાધ્ય કક્ષાએ કે ઔષધોથી ન મટે તેવો હોય, ત્યારે છેવટે આ શલ્યચિકિત્સાનો જ આશ્રય લેવામાં આવે છે. અન્ય સાતેય વિદ્યા-શાખાઓને આ શલ્યતંત્રની છેવટે જરૂર પડે છે. એ જ રીતે શલ્યતંત્રને અન્ય વિદ્યાશાખાઓની પણ જરૂર પડે છે. ‘ધન્વન્તરિ સંપ્રદાય’ના જ્ઞાતાઓ (સર્જ્યનો) માને છે કે ‘શલ્યતંત્ર એ શાશ્વત પુણ્ય, સ્વર્ગ અને યશ આપનારું તથા દર્દીને નવજીવન આપનારું એક પરમ ઉપકારી એવું જીવનયાપનનું સાધન છે.’

શાલાક્યતંત્ર : ‘શાલાક્ય’ શબ્દ મૂળ ‘શલાકા’ અર્થાત્ ધાતુની લાંબી સળી કે જે વિવિધ રોગોની સારવારમાં – ખાસ કરીને ‘ઊર્ધ્વજત્રૂજ’ રોગોની સારવારમાં વપરાય છે તે ઉપરથી બનેલ છે. ઊર્ધ્વજત્રૂજ એટલે હાંસડીથી ઉપર આવેલ મસ્તકમાં રહેલાં તમામ અંગો જેમ કે, આંખ, કાન, નાક, મુખ, ગળું તથા મસ્તકના રોગો માટે થતી શસ્ત્રક્રિયાપ્રધાન ચિકિત્સા તે શાલાક્યચિકિત્સા જેમાં શાલાક્યચિકિત્સાનું સંપૂર્ણ જ્ઞાન દરેક અંગ અને રોગવાર વિગતે આપેલું હોય છે, તે વૈદક-વિજ્ઞાનની વિદ્યાશાખા તે શાલાક્યતંત્ર.

શાલાક્યચિકિત્સામાં આંખ, કાન, નાક, મુખ, કંઠ આદિ અંગોમાં થયેલા રોગોની પાકી તપાસ (નિદાન) તથા ચિકિત્સા બંને કાર્યમાં ઉપયોગી થાય તેવી વિવિધ ધાતુઓની બનેલી, લાંબી સળી (અં. પ્રોબ) કે શલાકા મુખ્યત્વે વપરાય છે. આ સળી(સળિયા કે શલાકા)ના ઉપરનાં મથાળાં વિવિધ કાર્યો સંપન્ન કરવા માટે વિવિધ આકાર-પ્રકારનાં હોય છે. આ શલાકાઓની ઉપરની ટોચ સર્પફેણ, બાણ, અંકુશમુખ, મસૂરદાળ જેવી, માલતી પુષ્પકળી જેવી કે ગોળ-વર્તુલાકાર એમ વિવિધ આકાર, પ્રકાર અને લંબાઈની હોય છે. આ શલાકા દ્વારા રક્ત-પરુ, મેલ, દૂષિત અંગ, સડેલ અંગ આદિ પકડી દૂર કરવાનું, બહાર કાઢવાનું, સફાઈ કરવાનું, દવા મૂકવાનું, અગ્નિકર્મ (અં. કોટરિઝેશન) કે ક્ષારકર્મ (લેખનકાર્ય : ઉખેડવું, ખોતરવું) જેવાં વિવિધ કાર્યો કરી, જે તે અંગોને રોગમુક્ત કરાય છે. ઊર્ધ્વજત્રૂજ (મસ્તકીય અંગો) તમામ રોગોમાં સૌથી વધુ રોગો નેત્ર(આંખ)ના થાય છે. એકલા સુશ્રુત આચાર્યે 76 જાતના નેત્રરોગો ઉપર શસ્ત્રક્રિયાનું વર્ણન કરેલું છે. સુશ્રુતાચાર્યે કાનના 15, નાકના 31, હોઠના 8, મુખના 4, દાંતના 8, દંતમૂળના 15, જીભના 5, તાળવાના 9 અને કંઠના 17 રોગોનું વિગતે વર્ણન કર્યું છે. આમાંના ઘણા રોગોની ઔષધિ-ચિકિત્સા છે, તો કેટલાની શાલાક્યચિકિત્સા છે.

સુશ્રુતે શસ્ત્રક્રિયા (સર્જરી) કરતાં પૂર્વે વૈદ્યને દર્દીને પ્રથમ પંચકર્મ નામની દેહશુદ્ધીકરણની ચિકિત્સા કરવાની સ્પષ્ટ આજ્ઞા આપી છે; જેથી દર્દીને વાઢકાપ પછી રસી, પાક કે ચેપ જેવા કોઈ જાતના ઉપદ્રવો ન થાય અને સાંધેલી ત્વચાના જખમ જલદી રુઝાઈ જાય.

આજકાલ દર્દીના જે અંગનું ઑપરેશન (શસ્ત્રકર્મ) કરવાનું હોય છે, તે અંગને બહેરું (સંજ્ઞારહિત) બનાવવા ‘નોવોકેન’ કે ‘ક્લૉરોફૉર્મ’ જેવી દવા વપરાય છે. સુશ્રુતે પણ ઑપરેશન કરવાના અંગ ઉપર આ જ સંજ્ઞાનાશના હેતુસર જેઠીમધના પ્રવાહી ઘનનો જાડો લેપ કરવાનું કહેલ છે. તેનાથી 10 જ મિનિટમાં ત્વચા બહેરી (સંજ્ઞાશૂન્ય) બની જાય છે. તે પછી તે અંગ પર થતા શસ્ત્રકર્મથી દર્દીને પીડાનો અનુભવ નહિવત્ થઈ જાય છે.

આયુર્વેદવિજ્ઞાનમાં સુશ્રુતે શસ્ત્રકર્મ કરનાર વૈદ્યને શરીરનાં 107 જેટલાં મર્મસ્થાનો (Vital parts of Body) વિશે ખાસ સાવધાની રાખવાની સૂચના આપી છે. આ મર્મસ્થાનો (જેમ કે, નાભિ, હૃદય, કંઠ, લમણાં, મગજ આદિ) શરીરનાં એવાં મહત્વનાં કેન્દ્રો છે, જ્યાં ઈજા થવાથી મર્મના પ્રકાર મુજબ પીડા થાય, વિકલતા (વિહ્વળતા) થાય, દર્દી બેભાન થઈ જાય કે પ્રાણ પણ ગુમાવે.

પ્રાચીન કાળમાં, ઈ. પૂ. 600ના સમયે શાલાક્યતંત્ર (હાંસડી ઉપરના-મસ્તકનાં અંગો)માં મુખની સર્જરી માટે ભોજસંહિતાનો; નેત્ર, કાન અને નાકની શસ્ત્રક્રિયા માટે વિદેહ તથા નિમિતંત્રનો તે સમયના સર્જ્યનો વધુ ઉપયોગ કરતા હતા. જોકે એ સમયે સુશ્રુત, કરાલ ભટ્ટ, સાત્યકિ અને શૌનકનાં શાલાક્યતંત્રો મુજબ પણ સર્જરી-ચિકિત્સા ભારતમાં પ્રચલિત હતી.

આજે શલ્ય અને શાલાક્યતંત્રોમાં એકમાત્ર ‘સુશ્રુત-સંહિતા’ જ ઉપલબ્ધ છે. બાકીના શસ્ત્રક્રિયાની વિદ્યાના ગ્રંથો આજે ઉપલબ્ધ નથી.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા