શર્વિલક (1957) : વિશિષ્ટ ગુજરાતી નાટક. લેખક રસિકલાલ છોટાલાલ પરીખ (1897-1982). સંસ્કૃત નાટ્યકાર શૂદ્રકના ‘મૃચ્છકટિક’ તથા તેની પહેલાંના ભાસકૃત ‘દરિદ્ર ચારુદત્ત’ને અનુસરીને લેખકે ‘શર્વિલક’ની રચના કરી છે. બંને સંસ્કૃત નાટકોના અમુક અંશોનો ખાસ કરીને શ્ર્લોકોનો સીધો અનુવાદ તેમણે કરેલો છે. તેમ છતાં આ નાટક નથી અનુવાદ કે નથી અનુકૃતિ. ‘દરિદ્ર ચારુદત્ત’ નાટકમાંના ‘મૃચ્છકટિક’ના માર્મિક પ્રસંગને મુખ્ય તથા શર્વિલકે સાધેલા ‘રાજપરિવર્ત’ને ગૌણ વસ્તુ તરીકે ઉમેરીને શૂદ્રકે જેમ ‘મૃચ્છકટિક’ નાટક રચ્યું હતું તેમ શૂદ્રકના ‘મૃચ્છકટિક’માંના શર્વિલકના ‘રાજપરિવર્ત’ને કેન્દ્રમાં મૂકીને મૃચ્છકટિકના મુખ્ય વસ્તુને ગૌણ સ્થાન આપીને રસિકલાલ પરીખે ‘શર્વિલક’ નાટકની રચના કરેલી છે. આ પ્રયોજનને સ્પષ્ટ કરતાં તેમણે તેના કારણ રૂપે શર્વિલકના પાત્રનું આકર્ષણ દર્શાવ્યું છે. ગુજરાતી રંગભૂમિ પર ભજવી શકાય તેવું શિષ્ટ અને સુ-અભિનેય નાટક તૈયાર કરવાની તેમની નેમ હતી. તેથી જયશંકર (‘સુંદરી’), જશવંત ઠાકર અને દીના ગાંધી જેવાં અભિનયવિદો અને પ્રો. આથવલે તથા પ્રો. રા. વિ. પાઠક જેવા વિદ્વાનોની ચકાસણીનો લાભ આ નાટકને મળેલો, પણ તેને કારણે નાટકને લખાઈને પ્રસિદ્ધ થતાં 25-30 વર્ષ લાગ્યાં હતાં.

લેખક સંસ્કૃત નાટક, લોકનાટ્ય અને ગુજરાતી રંગભૂમિ – ત્રણેયના જ્ઞાતા હોવા ઉપરાંત પાશ્ર્ચાત્ય નાટકોના પણ જાણકાર હતા. એ સર્વનો રોચક મેળ તેમણે ‘શર્વિલક’ નાટકમાં સાધી બતાવ્યો છે. તેમાં 5 અંક અને 25 અંશ છે.

પોતે જેને મારીને રાજ્ય પચાવી પાડ્યું હતું તે મોટાભાઈ ગોપાલકનો પુત્ર આર્યક રાજા થશે એવી સિદ્ધવાણીની જાણ રાજા પાલકને થાય છે ત્યાંથી નાટકનો સંઘર્ષ શરૂ થાય છે. અથવા કહો કે એ પ્રસંગમાં રાજપરિવર્તનાં બીજ રોપાય છે. શર્વિલક અને મદનિકાનાં પ્રણય અને ત્યાગથી વિભૂષિત પરાક્રમોથી ભરેલા કથાપટમાં વસંતસેના અને ચારુદત્તના પ્રસંગો સ્વાભાવિક અને ઉપકારક તંતુરૂપે ગૂંથાયા છે. વીરને અનુષંગે હાસ્ય અને કરુણ રસની નિષ્પત્તિ સંસ્કૃત કવિની ધીરતાથી નાટ્યકારે કરેલી છે. બીજી તરફ ક્રિયા અને સંવાદના નિરૂપણ દ્વારા સધાતો સંઘર્ષ નાટકને મળેલો આધુનિક નાટ્યવિધાનનો પાસ દર્શાવે છે. એક તરફ શર્વિલક-મદનિકા અને તેમની સહાયમાં વસંતસેના, ચારુદત્ત તથા જીવનને ભોગે શર્વિલકને રાજમુદ્રા આપીને મોટી સેવા કરનાર માધવ; અને બીજી તરફ શક રાણીના મોહપાશથી બંધાયેલો નબળો પાલક, શ્રમણની સામે બ્રાહ્મણધર્મની પુન: પ્રતિષ્ઠા કરવા મથતો ધર્મઝનૂની મંત્રી ભરત રોહતક અને દુષ્ટ પણ હાસ્યપ્રેરક વાણીચેષ્ટાદિથી રાજપરિવર્તને અજાણ્યે વેગ આપતો શકાર સુરેખ આકૃતિ ધારણ કરીને નાટકના ભાવનાસંઘર્ષમાં સામસામો મોરચો સંભાળે છે.

તેમાં સૌથી વિશેષ આકર્ષણ જમાવે છે મદનિકાનું પાત્ર. મદનિકાના પ્રેમમાં મત્ત બનીને પોતે કર્તવ્યભાન ભૂલી જશે એવી દહેશત ધરાવતા શર્વિલકને ‘તમારા શીલની કસોટી કરવા નહિ આવું’ એમ કહીને અદૃશ્ય થનારી મદનિકા પુરુષવેશે કેટકેટલાં પરાક્રમ કરે છે ! યુવરાજ આર્યકને નસાડનાર એ છે. રાણી શ્વેતપદ્માનું સ્ત્રીત્વ જગાડીને રાજપરિવર્તને સંપૂર્ણ બનાવી આપનાર પણ આ મદનિકા અને તેના અંતરમાં પ્રવર્તતું પ્રેમબળ છે.

રાજપરિવર્ત સધાય તો છે, પણ બે નિર્દોષ બત્રીસલક્ષણાનું લોહી રેડાય છે : ‘વસંતસેનાઘાતક’ તરીકે ગણાવાયેલ નિર્દોષ ચારુદત્તનું અને પોતાના પ્રિયતમના જીવનકાર્ય(mission)ને સિદ્ધ કરી આપીને આત્મવિલોપન સાધતી મદનિકાનું  વાજપેય યજ્ઞના બલિ તરીકે રાજા પાલક હોમાય છે, અને કોઈ તોતિંગ વૃક્ષરાજ મૂળમાંથી કડડભૂસ કરતો પડે તેમ ભરત રોહતક આત્મઘાત કરે છે. આમ અનેક મહત્વનાં પાત્રોના મૃત્યુને કારણે નાટકનો અંત અતિકરુણ બન્યો છે. ‘પ્રરોચના’કાર પ્રો. આથવલેએ તેની ટીકા પણ કરી છે.

તેમાં કવિન્યાય કે ભરતવાક્યનો આશ્રય લેવાને બદલે આંતરિક સંઘર્ષ નિરૂપીને નાટકનો વાસ્તવિક અંત લાવવાનો લેખકનો પ્રયત્ન દેખાય છે. તે એમની પ્રાચીન અને અર્વાચીન પદ્ધતિનો રોચક મેળ સાધવા મથતી નાટ્યશૈલીની વિશિષ્ટતા છે એમ કહી શકાય. ભરતાચાર્યની પ્રથાનો પૂર્વરંગ હરકોઈ કાળે નાટકના ઉત્થાન સારુ આવશ્યક છે એમ માનનાર આ નાટ્યકારે નાન્દીથી આરંભ કરેલો છે (જોકે નાન્દીમાં મૂકેલો સૂત્રધારપંચકનો સંવાદ નવી જ રંગતનો છે.) પરંતુ અંત વીર અને કરુણના ઉદાત્ત મિશ્રણરૂપનો આધુનિક ઢબનો સ્વકલ્પિત જ છે.

છેલ્લા અંકમાં સંસ્કૃત પરંપરાની મંથર ગતિ તજીને નાટકનો કાર્યપ્રવાહ ગ્રીક ટ્રૅજેડીની માફક તીવ્ર વેગ ધારણ કરે છે. વસંતસેના ચારુદત્તને વધસ્તંભે લઈ ગયાના સમાચાર જાણે છે કે તરત ‘થંભી જા કાળ’ ઇત્યાદિ ઉદ્ગારો કાઢતી સ્મશાન ભણી દોડે છે. તેની સાથે ભાવનો સંવેગ પણ વધી જાય છે. ત્યાં મદનિકાની ભસ્મ ચોળતો શોકસંવિગ્ન સ્થિતિમાં શર્વિલક કરુણ મર્મવેધક ઉદ્ગારો કાઢે છે અને છેવટે ‘મોક્ષ નહિ પણ સૌંદર્યના સાધક’ આ સાહસિકને મહારાજ આર્યકના લોકદ્રષ્ટા સચિવ બનવું પડે છે ત્યાં કરુણની અવધિ આવે છે.

લેખકની વિચક્ષણ સર્જકતાની પ્રતીતિ કરાવતું, રાષ્ટ્રીય પારિતોષિકને પાત્ર ઠરેલું આ નાટક કાપકૂપ કરીને ભજવાય તેવું છે. જશવંત ઠાકરે તેના કેટલાક પ્રયોગ કર્યા હતા.

ધીરુભાઈ ઠાકર