વ્હિયર, કે. સી. (. 1907 ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયન શિક્ષણકાર અને રાજ્યશાસ્ત્રી. આખું નામ વ્હિયર કેનેથ ક્લિન્ટન. તેમણે તેમનો અભ્યાસ સ્કૉચ કૉલેજ, મેલબોર્ન તથા ઑક્સફર્ડ જેવી પ્રખ્યાત શિક્ષણસંસ્થાઓમાં કરેલો.

કારકિર્દીના પ્રારંભે 1934થી 1939 દરમિયાન ઑક્સફર્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં સાંસ્થાનિક ઇતિહાસના વ્યાખ્યાતા તરીકે સેવા આપી. 1939થી 1944 સુધી કોલંબિયા યુનિવર્સિટી, ઑક્સફર્ડમાં ફેલો તરીકે રહ્યા. વળી ગ્લૅડસ્ટોનમાં સરકારી પ્રાધ્યાપક અને ઑક્સફર્ડમાં જાહેર વહીવટકર્તા તરીકે સેવા બજાવી હતી. 1942થી 1945 સુધી ઑક્સફર્ડમાં ડીન તરીકે નિયુક્ત થયા. તે ઉપરાંત જાહેર વહીવટ વિષયના પ્રાધ્યાપક તરીકે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કામ કર્યું. 1944થી 1957 સુધી ઑલ સાઉલ્સ કૉલેજમાં તથા નટફિલ્ડ કૉલેજમાં ફેલો તરીકે સેવાઓ આપી. 1944-1958 દરમિયાન ઑક્સફર્ડમાં કાર્ય કર્યું. 1956 દરમિયાન તેમણે રેક્ટર તરીકેની ભૂમિકા બજાવી. ત્યારબાદ 1958માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે કામગીરી બજાવી. ન્યૂફાઉન્ડલૅન્ડના ‘નૅશનલ ક્ધવેશન’ના વૈધાનિક સલાહકાર તરીકે તેમણે અગ્રિમ ભૂમિકા ભજવી. તેમણે 1946થી 1947 દરમિયાન મધ્ય આફ્રિકાના અધિવેશનમાં ભાગ લીધો. 1951થી 1953 સુધી રહોડ્સમાં ટ્રસ્ટી તરીકે  રહ્યા. ભારતમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના સભ્ય તરીકે 1959માં તેમની નિયુક્તિ થઈ. તેમને કોલંબિયા યુનિવર્સિટીએ L.H.D.ની માનાર્હ ઉપાધિ પ્રદાન કરેલી.

રાજ્યશાસ્ત્ર વિષયમાં સમવાયતંત્રના પ્રકારો અંગે તેમણે વિશેષ રસ દાખવ્યો હતો. તેમની નજરે ભારતનું સંઘરાજ્ય અર્ધસમવાયતંત્રી (quasi federal) છે. તેમના ‘ફેડરલ ગવર્નમેન્ટ’ (1946) અને ‘મૉડર્ન કૉન્સ્ટિટ્યૂશન’ (1951) ગ્રંથો બંધારણો અને સમવાયતંત્રના ઊંડા અભ્યાસનું પરિણામ છે. આ ઉપરાંત ‘ધ સ્ટૅચ્યૂ ઑવ્ વેસ્ટમિન્સ્ટર’ (1931), ‘ધ સ્ટૅચ્યૂ ઑવ્ વેસ્ટમિન્સ્ટર ઍન્ડ ડોમિનિયન સ્ટેટ્સ’ (1938), ‘અબ્રાહમ લિંકન ઍન્ડ ધ યુનાઇટેડ સ્ટેટ્સ’ (1948), ‘ધ કૉન્સ્ટિટ્યૂશનલ સ્ટ્રક્ચર ઑવ્ ધ કૉમનવેલ્થ’ (1960) અને ‘લૅજિસ્લેચર્સ’ (1963) તેમના અન્ય ગ્રંથો છે.

બલદેવ આગજા