વૉર મેમૉરિયલ મ્યુઝિયમ : ઑસ્ટ્રેલિયાનું યુદ્ધવિષયક અનોખું સંગ્રહસ્થાન. ઑસ્ટ્રેલિયન સૈનિકોએ અન્ય દેશોમાં જે યુદ્ધોમાં ભાગ લીધેલો તેને લગતી પુષ્કળ માહિતી અને સામગ્રીનો સંગ્રહ. ઑસ્ટ્રેલિયાના પાટનગર કૅન્બરામાં આ મ્યુઝિયમ આવેલું છે. યુદ્ધમાં માર્યા ગયેલા બધા જ ઑસ્ટ્રેલિયન સૈનિકોની સંપૂર્ણ નામાવલિ પણ તેમાં રાખવામાં આવી છે.

સંગ્રહાલય વિસ્તારમાં પ્રવેશતાં બહાર એક મોટી સબમરીન જોવા મળે છે. બીજા વિશ્વયુ્દ્ધ વખતે ઑસ્ટ્રેલિયાએ જાપાનની આ સબમરીન પકડેલી ત્યારે તેનો ચાલક બહાદુર જાપાની સૈનિક શહીદ થયો હતો.

આ સંગ્રહાલયમાં રાઇફલો, પિસ્તોલો, તોપગોળા, બૉમ્બર વિમાનો, ટોર્પીડો, સૈનિકોના ગણવેશ, તેમની દૈનિક નોંધપોથીઓ, તેમનાં ઓળખપત્રો, વપરાયેલી અને વણવપરાયેલી કારતૂસો, સંદેશાના કાગળો, વૉટરબૉટલ, કાંટાની વાડ, સાઇનબૉર્ડ વગેરે યુદ્ધ સાથે સંકળાયેલી અનેકવિધ નાનીમોટી સામગ્રી અહીં સાચવવામાં આવી છે.

યુરોપ, આફ્રિકા, કોરિયા, વિયેટનામ વગેરે ભિન્ન ભિન્ન મોરચે થયેલ યુદ્ધોના વિવિધ પ્રસંગોનાં પુષ્કળ રંગીન ચિત્રો પણ અહીં ગોઠવવામાં આવ્યાં છે. સાથોસાથ ઉનાળો, શિયાળો અને ચોમાસું  એ ત્રણે ઋતુમાં ગીચ ઝાડીમાં, સૂકા રણપ્રદેશમાં, ડુંગરાળ પ્રદેશમાં કે કાદવકીચડમાં થયેલાં યુદ્ધોનાં દૃશ્યોને અહીં કાચનાં કબાટોમાં નાના પરિમાણમાં આબેહૂબ અને આકર્ષક રીતે ખડાં કર્યાં છે. ચોકસાઈપૂર્વક એકત્ર કરેલી ઝીણી ઝીણી પુષ્કળ વિગતો સાથે તદ્દન વાસ્તવિક લાગે તેવાં યુદ્ધદૃશ્યોનું તેમાં તાદૃશ નિરૂપણ કરાયું હોવાથી તે એક આકર્ષક સંગ્રહસ્થાન બન્યું છે.

બળદેવભાઈ કનીજિયા