વૉન ક્રૅમ ગૉટ ફ્રિડ (. 7 જુલાઈ 1909, નૅટિંગન, હૅનૉવર; . 9 નવેમ્બર 1976, ઍલેક્ઝાન્ડ્રિયા, ઇજિપ્ત) : જર્મનીના ટેનિસ-ખેલાડી. તેઓ 7 ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સમાં ફાઇનાલિસ્ટ બન્યા પણ કેવળ 2માં જ વિજયી નીવડ્યા  એ બે તે 1934 અને 1936માં ફ્રેન્ચ સ્પર્ધા. 1935માં તેઓ એ સ્પર્ધામાં રનર-અપ હતા. એ જ રીતે 1937માં યુ.એસ.માં તથા વિમ્બલ્ડનમાં લગાતાર 3 વર્ષ (1935-37) રનર અપ રહ્યા. આ એક વિરલ સિદ્ધિ કહેવાય.

ડબલ્સમાં 1933માં તેઓ મિક્સડ ડબલ્સમાં તથા 1937માં યુ.એસ. તથા ફ્રેન્ચ ચૅમ્પિયનશિપમાં મૅન્સ સિંગલ્સમાં વિજેતા બન્યા. તેઓ 1932થી 1949 દરમિયાન 11 જર્મન વિજયપદકો જીત્યા; ડૅવિસ કપની ટીમના સભ્ય તરીકે 1932-53 દરમિયાન 102માંથી 82 સ્પર્ધામાં તેઓ જીત્યા હતા.

મહેશ ચોકસી