વૉટરગેટ કૌભાંડો : અમેરિકાના ઇતિહાસમાં પુન: ચૂંટણીમાં વિજેતા બનવા માટે ભ્રષ્ટ નીતિ-રીતિઓ અંગે પ્રમુખ રિચાર્ડ નિક્સનના વહીવટી તંત્રની પોલ ખોલતી કૌભાંડોની હારમાળા. નિક્સનના રિપબ્લિકન પક્ષનું રાષ્ટ્રીય વડું મથક વૉશિંગ્ટન ડી. સી. ખાતેના વૉટરગેટ એપાર્ટમેન્ટ સંકુલ ખાતે આવેલું હતું. જ્યાં ઉપર્યુક્ત ઘટનાઓ બની હોવાથી તેને આ નામ મળેલું.

તત્કાલીન પ્રમુખ રિચાર્ડ નિક્સન

1972માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી યોજાયેલી, જેમાં તે સમયના પ્રમુખ નિક્સન ફરીથી ચૂંટણી માટેના ઉમેદવાર હતા. નિક્સનની ચૂંટણીની કાર્યવાહીનું સંચાલન રિપબ્લિકન પક્ષના વડા-મથકેથી થતું હતું. ચૂંટણીમાં નિક્સન બીજી વાર વિજેતા ઘોષિત થયા.

આ ચૂંટણીમાં વ્યાપક ગેરરીતિઓનો આશરો લેવાયો છે તેવી માહિતી કૌભાંડમાં સામેલ અને પાછળથી ફરી ગયેલા એક સાગરીત જેમ્સ મેકકોર્ડે ટ્રાયલ જજ સિરિકાને લેખિત પત્ર દ્વારા પહોંચાડી. આ માહિતી અનુસાર પ્રમુખીય ચૂંટણી ભ્રષ્ટ વ્યવહાર અને તોર-તરીકા દ્વારા જિતાઈ હતી. તેમાં પ્રમુખ નિકસનની ચૂંટણી સમિતિએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સાતેક માણસોને કામે લગાડ્યા હતા. તેમાંના થોડા માણસો ઇલેક્ટ્રૉનિક સાધનો સાથે તોડ-મરોડ કરવામાં સંડોવાયેલા હતા. આ અંગેના ચોક્કસ પુરાવા પણ તપાસ દરમિયાન પ્રાપ્ત થયા હતા. વધુમાં આ સમગ્ર અનૈતિક અને ગેરકાનૂની પ્રવૃત્તિ વ્હાઇટ હાઉસના મુખ્ય સલાહકાર જ્હૉન હરલીચમાન અને એચ. આર. હલ્ડેમાનની જાણકારી હેઠળ ચાલી હતી. આ બાબતની તપાસમાં પ્રમુખ નિક્સનની પુન: ચૂંટણી સમિતિની રાજકીય જાસૂસીના વ્યાપક પુરાવા સાંપડ્યા. પછીથી વધુ તપાસમાં ઊંડા ઊતરતાં જણાયું કે વહીવટી તંત્રના કેટલાક માણસોએ ગેરકાયદેસર રીતે નાગરિકોની વાતચીતની ટેપ ઉતારી લીધી હતી. જેનો દુરુપયોગ ચૂંટણી દરમિયાન કરાયેલો. વધુમાં મોટાં ઉદ્યોગગૃહોએ ચૂંટણી-ટાણે કરેલી નાણાકીય મદદ અને બદલામાં તેમને આપવામાં આવનાર રાજકીય લાભોની વાત જુલાઈ 1973 સુધીમાં ઉઘાડી પડી ગઈ.

આ અંગે પ્રતિનિધિસભાની તપાસ-સમિતિએ તપાસ પૂરી કરી ત્યારે પ્રમુખ રિચાર્ડ નિક્સન વિરુદ્ધ મહા-અભિયોગની દરખાસ્ત મૂકવાની ભલામણ કરી. વૉટરગેટ માહિતી ટેપ કરવાનો, ફેડરલ બ્યૂરો ઑવ્ ઇન્વેસ્ટિગેશનની તપાસપ્રક્રિયા રોકવાનો અને ન્યાયપ્રક્રિયા અવરોધવાનો – એમ ત્રણ મુખ્ય આરોપ પ્રમુખ પર મૂકવામાં આવેલા હતા. આ અંગે અદાલતી તપાસ કરતી સમિતિને પણ પુરાવા સાંપડ્યા હતા. પ્રમુખમાં મુકાયેલા વિશ્વાસનું એથી ભારે ધોવાણ થયું. આ અંગે ઉત્તેજક અને વ્યાપક રાષ્ટ્રીય ચર્ચા દિવસો સુધી ચાલી. અખબાર-જગતે આ મુદ્દાને જાહેર ચર્ચાનો વિષય બનાવી બેફામ ગેરરીતિ ચલાવી લઈ શકાય નહિ તેવો લોકમત કેળવ્યો. અંતે રાજકીય જાસૂસીમાં સંડોવાયા હોવાનાં કારણોસર મહાઅભિયોગના આરોપથી બચવા પ્રમુખ નિક્સને 9 ઑગસ્ટ 1974ના રોજ કફોડી અને માનભંગની સ્થિતિમાં રાજીનામું આપવું પડ્યું. આ રીતે રાજીનામું આપવાની ફરજ પડી હોય તેવા અમેરિકાના તેઓ એકમાત્ર પ્રમુખ હતા. એથી અમેરિકાને વિયેટનામ યુદ્ધમાં પરાજયમાંથી બહાર લાવનાર પ્રમુખ નિક્સનની રાજકીય કારકિર્દીનો અંત આવ્યો.

આ પરિસ્થિતિમાં ગેરાલ્ડ ફૉર્ડ નવા પ્રમુખ વરાયા અને તેમણે નિક્સનને પ્રમુખપદ હેઠળ કરેલા તમામ ગુનાઓ માટે માફી બક્ષી. આ સમગ્ર કૌભાંડને કારણે અમેરિકાના પ્રમુખપદની અને સરકારની છબીને ભારે કાલિમા લાગી હતી.

રક્ષા મ. વ્યાસ