વૉકર કરાર (સેટલમેન્ટ) : વડોદરા રાજ્યના રેસિડેન્ટ કર્નલ વૉકરે કાઠિયાવાડના રાજાઓ સાથે વડોદરાના રાજાને ખંડણી ભરવા અંગે કરેલા કરાર.

ઈ. સ. 1802માં પેશ્વા બાજીરાવ બીજા સાથેના વસઈના તહનામાથી અને 1804માં ગાયકવાડ સાથેના કરારથી પેશ્વા અને ગાયકવાડ ઉપર અંગ્રેજોની સત્તા સ્થપાઈ હતી. કર્નલ ઍલેક્ઝાન્ડર વૉકરને મુંબઈની અંગ્રેજ સરકારના પ્રતિનિધિ તરીકે વડોદરાના રેસિડેન્ટ તરીકે નીમવામાં આવ્યા હતા. એ કાઠિયાવાડના રાજાઓ સાથે નિશ્ચિત ખંડણીના કરાર કરી કાઠિયાવાડમાંથી અશાંતિ, અસલામતી અને અરાજકતાનો અંત લાવવા ઇચ્છતા હતા.

એમણે 1807ના સપ્ટેમ્બરમાં કાઠિયાવાડના બધા રાજાઓને મોરબી પાસેના ગુંટું ગામે એકઠા કર્યા. ત્યાં પાણી અને ઘાસચારાની સારી સગવડ હતી. દરેક રાજા ગાયકવાડને આપવાની જમાબંદીની રકમ દર વર્ષે વડોદરાની તિજોરીમાં નિયમિત રીતે મોકલી આપે તો ગાયકવાડના લશ્કરને કાઠિયાવાડમાં આવવાની જરૂર રહે નહિ અને ત્યાંનાં લોકો તથા ગામો લશ્કરના ત્રાસમાંથી બચી શકે. મોટાભાગના રાજાઓએ આ યોજનાનો સ્વીકાર કર્યો. દરેક રાજા સાથે નીચે પ્રમાણે ચાર કરાર કરવામાં આવ્યા :

(1) ખંડણીને લગતો કાયમી કરાર : આ કરારથી રાજાએ ખંડણીની વાર્ષિક રકમ પોતાના પ્રતિનિધિને વડોદરા મોકલીને માગશર, પોષ, મહા અને ફાગણ એમ ચાર માસિક હપતાથી ભરવાની ખાતરી આપી.

(2) ખંડણી ભરાતી રહે તે માટે દસ વર્ષનો જામીન કરાર : આ કરાર રાજાના બારોટ સાથે કરવામાં આવ્યો, કારણ કે દરેક રાજા પોતાના બારોટને ઘણું માન આપતો.

(3) ભાયાતોને લગતો કરાર : આ કરારથી રાજા પાસેથી એવું વચન લેવામાં આવ્યું કે એના ભાયાતો ગાયકવાડને ખંડણીની અલગ ચુકવણી કરી શકશે અને એ એના ભાયાતોને કોઈ પણ રીતે હેરાન કરી શકશે નહિ.

(4) ફેલ જામીન કરાર : આ કરારથી રાજા પોતાના રાજ્યમાં ચોરી, લૂંટફાટ, ધાડ, ખૂન જેવા ગુનાઓ અટકાવશે અને પડોશી રાજ્યના ગુનેગારને પોતાના રાજ્યમાં આશ્રય કે રક્ષણ નહિ આપે એવી ખાતરી એમના વતી એમના ગઢવીએ આપી અને બીજા એક રાજાને એમાં જામીન તરીકે રાખવામાં આવ્યા. પોતાના ગઢવીને દરેક રાજા અતિશય આદર આપતા.

આ કરારોથી કાઠિયાવાડમાં શાંતિ, વ્યવસ્થા અને કાયદાના શાસનની શરૂઆત થઈ. ચોરી, લૂંટફાટ, ત્રાસ અને દમન બંધ થતાં લોકોએ રાહતની લાગણી અનુભવી. કેટલાંક રાજ્યોએ શરૂઆતમાં આ કરારનો વિરોધ કર્યો, પરંતુ અંગ્રેજોએ બળનો ઉપયોગ કરી તેમને આ કરાર સ્વીકારવાની ફરજ પાડી. આ કરારો કરવામાં કર્નલ ઍલેક્ઝાન્ડર વૉકરે મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેથી તે ‘વૉકર કરાર’ અથવા ‘વૉકર સેટલમેન્ટ’ તરીકે ઓળખાય છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી