વૈરાગ્યસાર : અપભ્રંશ ભાષામાં રચાયેલો લઘુગ્રંથ. તે 77 પદ્યો ધરાવે છે. બહુધા દોહા છન્દમાં રચાયેલો છે. કર્તા દિગમ્બર આચાર્ય સુપ્રભાચાર્ય પ્રો. હરિપાદ દામોદર વેલણકરે આ સુંદર લઘુકૃતિને પુણેથી પ્રગટ થતા ‘એનલ્સ ઑવ્ ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ના 9મા ગ્રંથના પૃષ્ઠ 272થી 280 પર સંપાદિત કરી છે.

કવિના સમય તેમજ સ્થળ વિશે ચોક્કસ માહિતી મળી શકતી નથી. વિચારધારા, શૈલી તેમજ ભાષાની ષ્ટિએ વિચારતાં તે 11મા શતકથી 13મા શતકના ગાળામાં થઈ ગયા હોય તેમ જણાય છે, વિશેષત: 13મા શતકના અરસામાં થયા હશે.

વિષયવસ્તુ તો કૃતિના શીર્ષક ‘વૈરાગ્યસાર’માંથી જ સમજી શકાય છે. આત્મસ્વરૂપ, આત્મજ્ઞાન, સંસારની નશ્વરતા, વિષયોનો ત્યાગ તથા વૈરાગ્યભાવના  એ જ એનો પ્રધાન સૂર છે. જૈન કે દિગમ્બર જૈનનો ઉલ્લેખ ક્વચિત જ જોવા મળે છે. સર્વસામાન્ય ધર્મતત્ત્વોનું જ વ્યાખ્યાન કર્યું છે. કવિ દિગમ્બર જૈન હતા તેવું સ્પષ્ટ થાય છે. પદ્ય 46માં પ્રથમ પદ્યમાં જ વૈરાગ્યભાવનો આદેશ જોવા મળે છે. થોડા શબ્દોમાં વૈરાગ્યની ભાવનાનું પ્રતિપાદન સરસ રીતે કર્યું છે. તે માટે આપેલાં ષ્ટાંતો પણ સચોટ છે. કવિ કહે છે, આ સંસાર એવી વિડંબના છે કે જેમાં જરા-યૌવન, જીવન-મરણ, ધન-દારિદ્ર્ય જેવાં પરસ્પર વિરોધી તત્ત્વો ભરેલાં છે (25). બંધુ-બાંધવ નશ્વર છે. તેમને માટે પાપ કરી કરીને ધનસંચય કેવો ? ગૃહસ્થાશ્રમની ખરી શોભા નિર્મળ ધર્મ દ્વારા જ વધે છે (75). ધન-યૌવનથી વિરક્ત થઈને ગૃહત્યાગ કરીને ધર્મમાં દીક્ષા લેવાનો કવિનો આદેશ છે. કહે છે કે ઘર-પરિજનોને માટે ધર્મનો ત્યાગ અસહ્ય ગણાય. આમ કવિ ધર્મના આચરણને સૌથી પ્રધાન વસ્તુ ગણે છે. દાનનો મહિમા ગાય છે. દીનોને દાન આપનાર અને ધર્મમાં લીન હોય તેનું દાસત્વ વિધિ પણ કરે છે. દાતા તો સમૃદ્ધ થાય છે, જ્યારે કેવળ ધનનો સંચય જ કરનાર ક્ષીણ થઈ જાય છે (53). દાન નહિ આપનારની સાથે યાચકનો પણ કવિ ઊધડો લે છે (36). સરળ ભાષામાં સુંદર રૂપકો દ્વારા પોતાના કથયિતવ્યને અભિવ્યક્ત કરે છે. માયા-નિશામાં મન-ચોરથી આત્મરક્ષણ કરનાર નિર્મળ જ્ઞાન-પ્રભાત પ્રાપ્ત કરે છે. જેવી રીતે પોતાના પ્રિય જનનું ધ્યાન ધરવામાં આવે છે, તેવી રીતે અર્હતનું ધ્યાન ધરાય તો ઘરઆંગણે જ સ્વર્ગ આવી રહે. પરિવર્તનશીલ, અસ્થિર સંસારમાં કોઈ કોઈનો સાથી નથી એવા ભાવને અત્યન્ત માર્મિકતાથી બે જ દોહામાં વ્યંજિત કરે છે.

મૃત સગાને સ્મશાનમાં મૂકી બંધુ બાંધવ જલદી ઘેર પાછા જતા રહે છે; જ્યારે એ લાકડાં વધારે સારાં કે જે તેની સાથે બળીને ભસ્મ થઈ જાય છે (60).

આટલા નાના કાવ્યમાં કેટલાંક વચનો તો કહેવત જેવાં થઈ ગયાં છે. દા.ત., ‘જીવ વહંલહ નરય ગઈ, મણુ મારંતહ મોખ્ખુ !’ અર્થાત્ ‘જીવવધ કરનારને નરક મળે પણ મનને મારનારને મોક્ષ !’

પોતાના કાવ્યની ગાથાએ ગાથાએ પોતાનું નામ મૂકવાની પ્રણાલી અપભ્રંશના આ કવિએ શરૂ કરી એમ લાગે છે. ગાથાએ ગાથાએ ‘सुप्पउ भणई’ (‘સુપ્રભ કહે છે કે’) આવે છે. પછીની અનેક ભારતીય ભાષાઓમાં આ પ્રથા પ્રચલિત થઈ ગઈ છે; દા.ત., હિન્દીમાં ‘કહત કબીર’ અને ગુજરાતીમાં ‘ભણે નરસૈયો’.

અપભ્રંશના આ કાવ્યમાં એવા કેટલાયે પ્રયોગો જોવા મળે છે જે હિન્દી, ગુજરાતી આદિ તેમાંથી ઊતરી આવેલી ભાષાઓમાં થોડા ફેરફાર સાથે વપરાય છે. થોડા નમૂના જોઈએ :

અપભ્રંશ ગુજરાતી
ખસહુ ખસે (1)
જાયતુ જાય જાય તો જાય (75)
પરાય પરાયું (47)
મસાણ મસાણ, મહાણ (2, 10)
માણસ માણસ, માણહ (9)
લખ્ખુ લાખ (55)
અવસિ અવશ્ય (સંસ્કૃત) (37)

જયન્ત પ્રે. ઠાકર