વુલ્ફ, કાસ્પર ફ્રેડરિક

February, 2005

વુલ્ફ, કાસ્પર ફ્રેડરિક (. 1733; . 22 ફેબ્રુઆરી 1794) : જર્મન જીવશાસ્ત્રી અને પ્રત્યક્ષ ગર્ભવિદ્યા(observational embry-ology)ના પ્રણેતા. 1759માં ‘થિયરિયા જનરેશનિસ’ નામના તેમના પુસ્તક દ્વારા ગર્ભના વિકાસ અંગેના ‘પૂર્વ-સંઘટના(prefor-mation)ના સિદ્ધાંત’ને સ્થાને અધિ-જનન(epigenesis)નો સિદ્ધાંત પુન: રજૂ કર્યો. સેન્ટ પીટર્સબર્ગની એકૅડેમી ઑવ્ સાયન્સમાં વનસ્પતિ અને પ્રાણીઓના તુલનાત્મક વિકાસના પુરાવાઓ રજૂ કરી તે ક્ષેત્રમાં નોંધપાત્ર સંશોધન કર્યું.

સત્તરમી સદીમાં પ્રજનન અને ગર્ભમાં અંગોના વિકાસ અંગે ખૂબ ગેરસમજ પ્રવર્તતી હતી. નર અને માદા પ્રજનન-કોષોના મિલનથી ગર્ભમાં અંગ-ઉપાંગો સહિતના શરીરનો આકાર કેવી રીતે ઉત્પન્ન થાય છે તે એક રહસ્ય હતું. તે સમયની ચીલાચાલુ માન્યતા મુજબ દરેક શુક્રકોષમાં મનુષ્યની સૂક્ષ્મ શરીરરચના સ્થાપિત હોય છે. ગર્ભના વિકાસ દરમિયાન આ અંગ-ઉપાંગોનો વિકાસ થઈ શરીર બને છે. આ જ વાદને ‘પૂર્વ-સંઘટનાનો સિદ્ધાંત’ કહે છે. તદનુસાર દરેક શુક્રકોષ એ સૂક્ષ્મ માનવશરીર (humanculus) છે, જે વિકાસ પામે છે. વુલ્ફે આ માન્યતાનું ખંડન કર્યું.

વુલ્ફ પુરસ્કૃત અધિજનન(epigenesis)ના સિદ્ધાંત મુજબ દરેક પ્રજનન-કોષમાં સૂક્ષ્મ કણો રહેલા છે, જે ફલીકરણ બાદ વિકાસ પામી ગર્ભની રચના કરે છે. તે જમાનામાં રંગસૂત્રો કે જનીનદ્રવ્યની શોધ થઈ ન હતી, પરંતુ અધિજનનના કણો જનીનદ્રવ્યોનો સંકેત કરે છે એવું માનતાં વુલ્ફનું નિરીક્ષણ આધુનિક સમજણની નજીક હોવાનું જણાય છે.

રા. ય. ગુપ્તે