વિષાણુ (virus) : સજીવ-નિર્જીવને જોડતો કડીરૂપ, પ્રોટીનયુક્ત, ડીએનએ અથવા આરએનએ ધરાવતો કોષાંત્રિક પરોપજીવી સૂક્ષ્મ રાસાયણિક ઘટક. કોષોના સંપર્કમાં ન આવ્યા હોય તેવા બાહ્ય કોષીય વિષાણુને વિરિયૉન (virion) કહે છે. પરોપજીવી વિષાણુ વનસ્પતિ કે પ્રાણીકોષમાં પ્રવેશી યજમાનના ન્યૂક્લીઇક ઍસિડના સંજનીનો (‘જેનોન્સ’) અને ચયાપચયી દ્રવ્યોની મદદથી પોતાના સંજનીનોની વૃદ્ધિ અને ગુણન કરે છે. વિષાણુઓના આ વિષમજાતીય (heterogenous) સંજનીનો યજમાનના કોષોમાં પરિવર્તન લાવે છે અગર તેનો સંપૂર્ણપણે નાશ કરે છે. આવા વિષાણુઓને સક્ષમ રોગજનક વિષાણુ તરીકે સંબોધવામાં આવે છે.

વિષાણુરચના : આકાર અને કદમાં અત્યંત ભિન્ન હોવા છતાં મૂળભૂત રીતે તેમાં કેટલીક સામ્યતા હોય છે. બધા વિષાણુઓ પ્રોટીન અને ન્યૂક્લીઇક ઍસિડ(DNA અથવા RNA)ના અણુઓના બનેલા હોય છે. ન્યૂક્લીઇક ઍસિડના અણુ સંજનીન તરીકે ગુણન (replication) માટે અગત્યની માહિતી ધરાવે છે. સંજનીનો DNA અથવા RNAની શૃંખલા-સ્વરૂપે આવેલા હોય છે. સંજનીનો વિષાણુનું પાયાનું રાસાયણિક ઘટક છે, જે પોતાની પ્રતિકૃતિ બનાવવાને સક્ષમ છે. ન્યૂક્લીઇક ઍસિડને ફરતે પ્રોટીનના આવરણપડ (layer) અથવા કવચને કૅપ્સિડ કહે છે. કૅપ્સિડ જે ઘટકોની બને છે તે પેટા ઘટકને કૅપ્સોમેર કહે છે. કૅપ્સિડના આકાર મુજબ કૅપ્સોમેરના પ્રકારો જોવા મળે છે. કૅપ્સિડનાં આવરણો ઉપર સ્વીકારકો (receptors) નામે ઓળખાતા એકમો આવેલા હોય છે. આ સ્વીકારકો યજમાન કોષને ચોંટી ચેપ લાગુ પાડે છે. યજમાન કોષમાં દાખલ થતાં તેમાં આવેલાં ચયાપચયી દ્રવ્યોનો ઉપયોગ કરી તે સક્રિય બને છે અને ગુણન પામે છે. પરિણામે વિષાણુઓની સંખ્યામાં વધારો થતાં તેની સામૂહિક વિપરીત અસરથી યજમાન કોષોમાં પરિવર્તન આવે છે અથવા તો યજમાન કોષ સંપૂર્ણ નાશ પામે છે.

વિષાણુ/વાયરસના સંજનીનોના સંકેતન(coding)ના પ્રભાવ હેઠળ સૌપ્રથમ યજમાનના કોષોમાં સંદેશવાહક RNA(mRNA)નું અનુલેખન (transcription) થાય છે. કેટલાક વિષાણુઓમાં અનુલેખન માટેના સંકેતો હોતા નથી. તેવા કેટલાક વિષાણુઓમાં બંધારણેતર (non-structural) પ્રોટીનોના સ્વરૂપમાં ઉત્સેચકો આવેલા હોય છે. અન્ય કેટલાક વિષાણુઓમાં અનુલેખન માટે અગત્યના સંકેતો સંજનીનો સંપર્કમાં આવતા વિષાણુઓ સક્રિય બને છે; જોકે કેટલાક વિષાણુઓમાં આવેલા બંધારણેતર પ્રોટીનના બનેલા ઉત્સેચકો યજમાન કોષોનું વિઘટન, કાર્યશક્તિ વિમોચન જેવી પ્રક્રિયા અટકાવવાની ક્ષમતા ધરાવે છે.

આકૃતિ 1 : રચનાને અનુલક્ષીને વિષાણુઓના પ્રકારો : (1) હડકવાનો વિષાણુ, (2) HIV વિષાણુ, (3) Herpes વિષાણુ, (4) ઍડિનો વિષાણુ, (અ) ગ્લાયકો પ્રોટીન પ્રવર્ધો (projections), (આ) કવચ (coat), (ઇ) RNA સાંકળ, (ઈ) ગ્લાયકો પ્રોટીન કવચ, (ઉ) આવરણ (envelope), (ઊ) DNA સાંકળ, (લિ) લિપિડનું પડ.

સંજનીનોનું બંધારણ : સંજનીનો DNA અથવા RNAની શૃંખલા-સ્વરૂપે આવેલા હોય છે.

DNA વિષાણુઓ : મોટા અને નાના એમ બે પ્રકારના DNA વિષાણુઓ હોય છે.

મોટા DNA વિષાણુઓ : શીતળા, ઓરી, શરદી, પરોક્ષ કૅન્સર-નિર્માણ (દા. ત., ગળાનું કૅન્સર) અને અર્બુદ (tumour) જેવી વ્યાધિ માટેના વિષાણુઓના સંજનીનોમાં DNAની લાંબી રૈખિક (linear) શૃંખલાઓ આવેલી હોય છે. શૃંખલા અનેક સમાવયવો(isomers)ની બનેલી હોય છે. આ સમાવયવો વચ્ચે મર્યાદક ઉત્સેચકો સંપર્ક સાધે એવાં સ્થાનો આવેલાં હોય છે. તેને લીધે શૃંખલાનું ખંડન થાય છે. પ્રત્યેક શૃંખલા સાથે 80 સુધી પ્રોટીનના અણુઓ નિર્માણ થાય તેટલા સંકેતો (codes) સંકળાયેલા હોય છે.

આકૃતિ 2 : માનવીના શરીરનાં વિવિધ અંગોમાંથી થતો ચેપનો ફેલાવો

નાના DNA વિષાણુઓ : પારો-વિષાણુ (parovirus) અને પોલિયોમા-વિષાણુ (polyomavirus) જેવા વિષાણુઓમાં DNAની નાની શૃંખલા આવેલી હોય છે. સંજનીનોમાં આવેલા કેટલાક જનીનો એકબીજા પર સમવર્તુળિત વીંટળાયેલા (concentric overlapping) હોય છે. તેને લીધે શૃંખલાના પ્રત્યેક રજ્જુક (strand) પર પણ સંકેતો આવેલા હોય છે અને તેથી સંજનીનોના સંકેતોની સંખ્યા વધવાની ક્ષમતા આ વિષાણુઓ વિશેષ ધરાવે છે.

RNA વિષાણુઓ : અખંડિત (unsegmented) અને ખંડિત (segmented) – એમ બે પ્રકારના વિષાણુઓ હોય છે.

RNA અખંડિત વિષાણુઓ : મોટાભાગના વિષાણુઓના એક છેડે પ્રોટીનનું બનેલું એક આવરણ ટોપી (cap) આવેલ હોય છે. આ આવરણને લીધે વિષાણુઓ યજમાન કોષમાં આવેલા ફૉસ્ફેટેઝ જેવા વિઘટક ઉત્સેચકથી સુરક્ષિત રહે છે. કેટલાક વિષાણુઓમાં ટોપીના બદલે પ્રોટીનનો એક નાનો અણુ આવેલો હોય છે.

RNA ખંડિત વિષાણુઓ : આ વિષાણુઓના સંજનીનો બે અથવા વધારે ન્યૂક્લીઇક ઍસિડોના અણુઓમાં વહેંચાયેલા હોય છે. અહીં જનીનિક માહિતી નાના એકમોમાં સમાયેલી હોવાથી યજમાનના શરીરમાં તે તૂટી જવાની શક્યતા ઘટે છે. ફ્લ્યૂના વિષાણુઓમાં સંજનીન 8 ખંડોનું બનેલું હોય છે અને પ્રત્યેક ખંડ વિષાણુઓના પ્રોટીન-સંશ્ર્લેષણ માટે એક કે બે સંકેતો ધરાવે છે.

વિષાણુચેપ (virus infection) : શ્વસન, જઠરાંત્ર જેવા માર્ગો અને લૈંગિક સમાગમને લીધે વિષાણુઓ યજમાન-શરીરના સંપર્કમાં આવે છે. દૂધના પ્રાશનથી શિશુઓમાં વિષાણુઓ પ્રસરી શકે છે. નાભિનાળ વાટે અથવા તો જન્મ દરમિયાન ગર્ભાશયમાંથી પસાર થતા શિશુને પણ વિષાણુનો ચેપ લાગે છે.

આકૃતિ 3 : તમાકુનાં પાંદડાં પર પ્રસરેલા TMV વિષાણુઓ

સામાન્યપણે યજમાનના કોષમાં પ્રવેશેલા વિષાણુઓ બીજા કોષોના સંપર્કમાં ન આવે અથવા તો અન્ય યજમાનોના શરીરનો સંપર્ક ન સાધે તો વિષાણુઓ ગુણન પામ્યા વિના નષ્ટ પામે છે. સારી એવી સંખ્યામાં વિષાણુઓ યજમાનનો સંપર્ક સાધી શકે તો જ યજમાનને ચેપ લાગે. ચેપ પ્રવેશ-સ્થાન પૂરતો અથવા તો અમુક પ્રદેશ પૂરતો મર્યાદિત હોઈ શકે છે. કેટલાક વિષાણુઓ અન્ય અંગોમાં પણ આક્રમણ કરતા હોય છે.

ચેપની અસર યજમાનની ઉંમર, દેહધાર્મિક સ્વાસ્થ્ય (physiological wel-being), રોગરોધક-ક્ષમતા (immune status) જેવાં પરિબળો પર આધારિત હોય છે. તંદુરસ્ત બાળકો પર ઓરીના વિષાણુઓની વિપરીત અસર નહિવત્ થાય છે, પરંતુ અપૂરતા કે સદોષ ખોરાકને લીધે અવિકસિત પ્રદેશનાં બાળકો લાખોની સંખ્યામાં મૃત્યુ પામતાં હોય છે.

કેટલાક વિષાણુઓનો ચેપ નજરમાં આવતો નથી (inapparent). અગાઉ ચેપ લાગ્યો હોય અથવા તો રસી મુકાવી હોય તો એવી વ્યક્તિઓને, ખાસ કરીને ઓરી, શીતળા જેવા વિષાણુજન્ય વ્યાધિ ફરીથી થતા નથી.

યજમાનના શરીરમાં સ્થાયી અવસ્થામાં પસાર થતા વિષાણુઓ : હીપેટાઇટિસ (HIV) જેવા કેટલાક વિષાણુઓ યજમાનના રુધિરમાં સ્થાયી બને છે અને ત્યાં કેટલોક સમય પસાર થતાં યજમાનના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. હીપેટાઇટિસ વિષાણુઓથી યકૃત-શોથ (liver cirrhosis) અને યકૃત-કૅન્સર જેવા વ્યાધિઓ થાય છે. HIV શરીરમાં દાખલ થવાથી યજમાનનું શરીર વહેલું મોડું રોધક્ષમતા (immunity) ગુમાવે છે અને શરીર AID વ્યાધિથી પીડાતાં મૃત્યુની સંભાવના રહે છે.

વિષાણુચેપથી અટળ મૃત્યુ : હડકવાના વિષાણુઓ શરીરમાં પ્રવેશવાથી મૃત્યુ નિવારવું અશક્ય બની જાય છે. દર્દી જલભીરુ (hydrophobic), પ્રકાશભીરુ (photophobic) બને છે અને વ્યાધિ દેખા દે તે પછી 7થી 12 દિવસની અંદર તેનું મૃત્યુ થાય છે.

આકૃતિ 4 : પોલિયોમાં વાયરસ જેનોમનું જટિલ બંધારણ

વર્ગીકરણ અને વિષાણુરોગો : વાયરસ/વિષાણુના વર્ગીકરણ માટેની આંતરરાષ્ટ્રીય વાયરસ વર્ગીકરણ સમિતિ(International Committee on Taxonomy of Virus)ના 1995માં પ્રસિદ્ધ થયેલ છઠ્ઠા અહેવાલમાં વાયરસના વૈવિધ્યને 1 શ્રેણી (order), 71 કુળો (families), 11 પેટાકુળો અને 164 પ્રજાતિઓ અને 4,000 જાતિઓ(species)માં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. DNA અને RNAની વહેંચણીના આધારે વાયરસને કેટલાક 8 વિભાગોમાં વહેંચે છે. વર્ગીકરણ માટે વિષાણુનું કદ, કૅપ્સોમેરની સંખ્યા અને ગોઠવણી, પ્રોટીન-આવરણ, ન્યૂક્લીઇક ઍસિડોનું બંધારણ, રાસાયણિક પ્રક્રિયાઓ પ્રત્યે સંવેદનશીલતા વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે.

વિષાણુઓની રોગકારકતાને કારણે મનુષ્ય, અન્ય પ્રાણીઓ, વનસ્પતિ વગેરેમાં વિવિધ રોગો ઉદ્ભવે છે. તે પૈકીના કેટલાક મહત્વના રોગકારક વિષાણુઓની માહિતી અત્રે સારણીમાં આપવામાં આવી છે :

સારણી : કેટલાક મહત્વના રોગકારક વિષાણુઓ

કુળ નામ વ્યાધિમનુષ્યમાં
1 2 3
1. પૉક્સવિરિડી (DNA વાયરસ) વૅક્સિનિયા વેરિયૉલા શીતળાનો વિષાણુ બળિયા
2. હર્પિસવિરિડી (DNA વાયરસ) વેરિકોલા-ઝોસ્ટર અછબડા (ચિકનપૉક્સ)
3. એડિનોવિરિડી (DNA વાયરસ) એડિનોવાય-રસ વિવિધ પ્રકારના શ્વસનમાર્ગ આંખમાં બળતરા
4. પેપોવાવિરિડી (DNA વર્તુળિત) મનુષ્યનો પેપિલોમા વાયરસ ગરદનનું કૅન્સર, ચામડીના મસા
5. હિપેડ્ના વિરિડી (DNA વાયરસ) હીપેટાઇટિસ-B વાયરસ યકૃત (liver, cirrhosis)
6. પેરામિક્સૉવિરિડી (RNA વાયરસ) પેરા-ઇન્ફ્લ્યુ-એન્ઝા, કફ-શરદી વાયરસ, મિઝલ વાયરસ ઓરી (measles)
7. ઑર્થોમિક્સૉવિરિડી (RNA વાયરસ) ઇન્ફ્લ્યુએન્ઝા વાયરસ ફ્લૂ
8. રિયોવિરિડી (RNA – વાયરસ આવરણ વગરના) રોટા-વાયરસ બાળકોમાં અતિસાર (ડાયેરિયા)
9. પિકોર્નાવિરિડી (RNA – વાયરસ) પોલિયોવાય-રસ, હ્રિરો વાયરસ, હીપેટાઇટિસ A વાયરસ પોલિયો માયલિટિસ શરદી યકૃતને ચેપ
10. ટોગાવિરિડી (RNA વાયરસ) રૂબેલા વાયરસ આર્બો વાયરસ જર્મન-ઓરી પિત્તજ્વર
11. રહેબ્ડો-વિરિડી (RNA વાયરસ) રેબિસ વાયરસ હડકવાનો રોગ
12. રિટ્રોવિરિડી

(RNA વાયરસ)

રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ

ઉત્સેચકની હાજરીમાં

(જેનોમ) સંજનીનો

DNAની નકલ તૈયાર

કરે છે.

મનુષ્યના T-લિમ્ફોટ્રોપિક

વાયરસ-1, HIV વાયરસ

 

પુખ્ત – T કોષો

લ્યૂકેમિયા અને

લિમ્ફોમા પેદા કરે છે.

AIDS રોગ ઉદભવે છે.

વિષાણુઓ અને રોધક્ષમ તંત્ર : વિષાણુઓ શરીરમાં પ્રવેશ પામતાં યજમાનના શરીરમાં આવેલું રોધક્ષમ તંત્ર (immuno system) તેનો પ્રતિકાર કરવા સક્રિય બને છે. આ તંત્રમાં વિષાણુઓના આક્રમણનો પ્રતિકાર કરવા, રચના અને પ્રતિજન(antigen)ની દૃષ્ટિએ જાતજાતના શ્વેતકણો કામ કરે છે; જેમાં ‘T’ અને ‘B’ પ્રકારના લસિકા કણો (lymphocytes) અગત્યનો ભાગ ભજવે છે. વિકાસ દરમિયાન T કણો ગલગ્રંથિ(thymus)માંથી પસાર થાય છે. B-કણો ઇન્ટરફેરૉન (interferon) જેવાં દ્રવ્યો, વિનાશ-કોષો (killer cells) અને બૃહદ્-ભક્ષક કણો (macro-phagocytes) જેવા પ્રતિજન (antigen) રોગપ્રતિકારક ઘટકોનું ઉત્પાદન કરે છે.

HIV (human immunodeficiency virus) જેવા વિષાણુઓ યજમાનના શરીરમાં રોધક્ષમ-નિરોધકો (immuno-depressors) દાખલ કરવાની ક્ષમતા ધરાવે છે. તેના પ્રભાવ હેઠળ યજમાનના શરીરમાં AID (acquired immuno deficiency) ઉપાર્જિત રોધક્ષમ ન્યૂનતાનું ઉત્પાદન થવાની શક્યતા વધે છે અને વિપરીત સંજોગોમાં યજમાન મૃત્યુ પામે છે.

મ. શિ. દૂબળે