વિષાણુ (virus) (આયુર્વિજ્ઞાન)

અનિવાર્ય રૂપે કોષની અંદર પરોપજીવ તરીકે જીવતા એક પ્રકારના ન્યૂક્લીઇક ઍસિડ(DNA અથવા RNA)વાળા અને પોતાના કોષીય બંધારણ વગરના સૂક્ષ્મતમ સજીવો. તેઓ પ્રોટીનના સંશ્ર્લેષણ (ઉત્પાદન) માટે જરૂરી ઉત્સેચકો ધરાવતા નથી અને તેથી યજમાન (આદાતા, host) કોષના ઉત્સેચકોનો તે ઉપયોગ કરે છે. તેઓ યજમાન કોષમાં સંકુલ પદ્ધતિએ પોતાની સંખ્યાવૃદ્ધિ કરે છે. તેમના પર જીવાણુવિરોધી પ્રતિજૈવઔષધો(antibiotics)ની અસર થતી નથી. સારણી 1માં દર્શાવ્યા પ્રમાણે તેનામાં અન્ય સૂક્ષ્મજીવો જેવી લાક્ષણિકતાઓ નથી તેમ છતાં ચિકિત્સાવિદ્યાગત સૂક્ષ્મજીવવિદ્યા(medical microbiology)માં વિષાણુઓને સૂક્ષ્મજીવ ગણવામાં આવે છે.

વિષાણુઓ સજીવ નિર્જીવને અલગ પાડતી રેખા પર આવેલા છે. સન 1935માં સ્ટેન્લીએ દર્શાવ્યું કે તેમને અન્ય રસાયણોની માફક સ્ફટિકના રૂપમાં ફેરવી શકાય છે : જ્યારે 1956માં શ્રેને દર્શાવ્યું કે તેમનો રાસાયણિક અર્ક જો કોઈ કોષમાં પ્રવેશે તો તે તેને તેનો ચેપ લાગે છે. આમ વિષાણુઓ ‘જીવતાં રસાયણો’ જેવા છે. હાલ તેમને જીવનના સૌથી નાના એકમ તરીકે ઓળખવામાં આવે છે.

તેઓ માનવમાં અનેક રોગો કરે છે; જેમાં શરદીથી માંડીને એઇડ્ઝ જેવા જીવલેણ રોગોનો સમાવેશ થાય છે. વિવિધ ચેપી અને વાવડ કરતા રોગો જેવા કે ગાલપચોળિયું (mumps), ઓરી, અછબડા, શીતળા, ચેપી કમળો, ડેન્ગ્યૂ, ઇન્ફ્લુએન્ઝા (ફલ્યૂ) વગેરે વિષાણુઓથી થાય છે. તેઓ કોઈ ભૌગોલિક વિસ્તારમાં સીમિત હોય છે; દા. ત., આર્બોવાયરસના રોગો તો વિશ્વવ્યાપી હોય છે. દા.ત., હર્પિસ સિમ્પ્લેક્સ, ઍન્ટિબાયૉટિક ઔષધોએ જીવાણુજન્ય રોગોને મટાડ્યા છે માટે વિષાણુજન્ય રોગોનું મહત્વ વધ્યું છે. ચેપી રોગ ઉપરાંત વિષાણુઓ પ્રાણીઓ, પક્ષીઓ અને માનવમાં કૅન્સર પણ કરે છે.

સારણી 1 : પૂર્વકેન્દ્રી સૂક્ષ્મજીવો (prokaryotes) અને વિષાણુઓની લાક્ષણિકતાઓ

ક્રમ પરિણામ જીવાણુઓ માઇક્રોપ્લાઝમા રિકેટિશ્યા ક્લેમાઇડિયા વિષાણુ
1. કોષીય બંધારણ + + + +
2. નિર્જીવ માધ્યમો
પર ઉછેર + + +
3. દ્વિભાજક
સંખ્યાવૃદ્ધિ + + + +
4. DNA અને
RNA બંને હોય + + + +
5. રિબોઝોમ + + + +
6. જીવાણુવિરોધી + + + +
ઍન્ટિબાયૉટિકની
અસરકારકતા
7. વિષાણુ પ્રતિ-
રક્ષકની અસર-
કારકતા + +

રૂપવિદ્યા (morphology) : (1) કદ : વિષાણુ જ્યારે કોષની બહાર હોય ત્યારે તે ચેપી હોય છે અને તેને વિષાણુકણ (virion) કહે છે. તેમનું કદ જીવાણુ કરતાં નાનું હોવાથી જીવાણુને અટકાવતી ચાળણીનાં છિદ્રોમાંથી વિષાણુકણ પસાર થઈ જાય છે. તેથી તેમને ગાળણશીલ (filtrable) કહે છે. તેમને સામાન્ય સૂક્ષ્મદર્શક વડે દર્શાવી શકાતા નથી માટે તેમને પારસૂક્ષ્મદર્શકીય (ultramicroscopic) પણ કહેવાય છે. જોકે પૉક્સવાયરસ જેવા મોટા વિષાણુઓને સૂક્ષ્મદર્શક વડે જોઈ શકાય છે. આવી રીતે દર્શાવી શકાતા વિષાણુકણને પ્રાથમિક પિંડિકો (elementary bodies) કહે છે : આમ વિષાણુઓના કદમાં વ્યાપક તફાવત રહેલો છે. તેઓ 20 નૅનોમિટર(પાર્વો વિષાણુ)થી માંડીને 300 નૅનોમિટર(પૉક્સ વિષાણુ)ના હોય છે. નાના જીવાણુઓ(માઇક્રોપ્લાઝમા)નું કદ પણ 300 નૅનોમિટર જેટલું જ હોય છે. વિષાણુઓનું કદ તેમની ગાળણશીલતા, અભિચક્રીય ઠરણશીલતા (centrifuge sedimentability) તથા ઋણવીજ-કણીય સૂક્ષ્મદર્શક (electron microscope) વડે થતી નિર્દેશિતાને આધારે નિશ્ચિત કરાય છે.

(2) રચના : વિષાણુકણ મુખ્યત્વે નાભિઅમ્લ(nucleic acid)નો અણુ છે, જેની આસપાસ પ્રોટીનનું બનેલું આવરણ હોય છે, જેને સંપુટિકા (capsid) કહે છે. તે બંનેને સંયુક્ત રીતે નાભિસંપુટિકા (nucleo capsid) કહે છે. સંપુટિકા નાભિ-અમ્લને બહારના વાતાવરણ અને ઉત્સેચકોથી નિષ્ક્રિય થતો અટકાવવાનું કાર્ય કરે છે. સંપુટિકા રૂપઘટકના એકમો(morphological units)ની બનેલી છે. આ રૂપઘટકોને સંપુટિકા-ઘટકો (capsomere) કહે છે. તેઓ પૉલિપેપ્ટાઇડના અણુના બનેલા હોય છે. સંપુટિકા જ્યારે કોષની સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે તેનું અધિશોષણ (adsorption) કરીને વિષાણુ સંજનીન અથવા વિષાણુ જનીનકાય(viral genome)ને કોષમાં પ્રવેશ અપાવે છે.

સંપુટિકામાં 2 પ્રકારની સ્વરૂપરચના જોવા મળે છે. ઘનસ્વરૂપ (cubical અથવા icosahedral) અને ધનુષસ્વરૂપ (helical) ઘનસ્વરૂપ સંપુટિકામાં 12 શિરોબિન્દુઓ (vertices) અને 20 આનનિકાઓ (facets or sides) અથવા સપાટીઓ હોય છે. દરેક સપાટી અથવા આનનિકા સમભુજ ત્રિકોણ હોય છે. સંપુટિકા-ઘટકો 2 પ્રકારનાં હોય છે. એક પ્રકારમાં શિરોબિન્દુ પંચકોણીય હોય છે તો બીજામાં તે  ષષ્ઠકોણીય હોય છે. તેમને અનુક્રમે પંચન (penton) અને ષષ્ટન (hexon) કહે છે. જો પંચન હોય તો તે હંમેશાં 12 હોય છે; પરંતુ ષષ્ટનોની સંખ્યા અલગ અલગ રહે છે.

ધનુષ-સ્વરૂપી નાભિસંપુટિકામાં નાભિ-અમ્લ અને સંપુટિકા-ઘટકો એકબીજા સાથે વીંટાયેલાં હોય છે અને ધનુષ (helical) રૂપે કે સર્પવલયી નળી(spiral tube)ના આકારમાં ગોઠવાયેલાં હોય છે. આ સર્પવલયી નળી કાં તો કઠણ અથવા એવી ઢીલી હોય છે કે તે પોતાના પર વળીને સર્પવલયિકા (coil) બનાવે છે. બધા વિષાણુકણો આવી ઘનસ્વરૂપી કે ધનુષસ્વરૂપી રચના દર્શાવતા નથી અને કેટલાકમાં ઘણી સંકુલ રચનાઓ પણ જોવા મળે છે.

કેટલાક વિષાણુકણને બહાર આવરણ (envelope) હોય છે. સામાન્ય રીતે તે યજમાનકોષમાંથી સંખ્યાવૃદ્ધિ થઈને બન્યા હોય અને તેની સપાટી પરથી કલિકાસ્વરૂપે (budding) બહાર પડ્યા હોય ત્યારે તે કોષકલા(cell membrane)ના ટુકડાને પોતાનું આવરણ બનાવે છે. તેથી આવરણ મેદનત્રલ(lipoprotein)નું બનેલું હોય છે. તેમાંનું મેદ-ઘટક યજમાન કોષમાંથી મેળવેલું હોય છે. નત્રલ(protein)-ઘટક વિષાણુકણનું હોય છે. આ નત્રલઘટક શૂલ(spike)ના રૂપે એટલે કે કાંટાની માફક બહાર નીકળી આવે છે. આ રચનાને આવરણિકા (peplomer) કહે છે. કોઈ એક વિષાણુકણને એકથી વધુ પ્રકારની આવરણિકા હોય છે; જેમકે, ઇન્ફલ્યુએન્ઝાના વિષાણુકણને 2 પ્રકારની આવરણિકાઓ છે – ત્રિકોણીય શૂલ અને બિડાલછત્રરૂપ (mushroom shaped). આવરણિકાને કારણે વિષાણુકણને રાસાયણિક, પ્રતિજનિક (antigenic) અને જૈવિક લાક્ષણિકતાઓ મળે છે. આવરણવાળા વિષાણુઓ ઈથર, ક્લૉરોફૉર્મ અને પિત્તના ક્ષારો વડે નાશ પામે છે. વિષાણુઓને ચોક્કસ રૂપે નિષ્ક્રિય કરવા માટે તેમની આવરણિકાની પ્રતિજનિકતા સામેના વિશિષ્ટ પ્રતિદ્રવ્યોનો ઉપયોગ કરી શકાય છે. વિષાણુકોષની સપાટી પર ચોંટે કે તેને ઓગાળે કે અન્ય રીતે નુકસાન કરે એવી લાક્ષણિકતાઓને જૈવિક લાક્ષણિકતા કહે છે. આવરણિકાઓ ઉપરાંત કેટલાક વિષાણુઓ તન્ત્વિકાઓ (fibrils) જેવી કેશ કે રેષાઓ જેવી સંરચનાઓ પણ ધરાવે છે; જેમકે, એડિનો વિષાણુના શિરોબિન્દુ પર તન્ત્વિકાઓ હોય છે.

જુદા જુદા જૂથના વિષાણુકણોનાં રૂપ અને આકારમાં તફાવત હોય છે. મોટાભાગના પ્રાણીલક્ષી વિષાણુઓ ગોળ (કંદુકીય, spherical) હોય છે; પરંતુ કેટલાક અનિયમિત આકારના કે બહુરૂપીય (pleomorphic) હોય છે; જેમ કે, હડકવાનો વિષાણુ બંદૂકની ગોળી જેવા આકારનો હેય છે. એબોલો વિષાણુ રેષતંતુમય (filamentous) હોય છે, પૉક્સ વિષાણુ ઈંટ આકારના હોય છે. તમાકુ મિશ્રાલ્પની (tobacco mosaic) વિષાણુ દંડ આકારના હોય છે. જીવાણુલક્ષી વિષાણુ સંકુલ સ્વરૂપના હોય છે.

(3) રાસાયાણિક ગુણધર્મો : વિષાણુઓમાં ફક્ત એક પ્રકારનો નાભિ-અમ્લ (nucleic acid) હોય છે. એકસૂત્રીય કે (દ્વિસૂત્રીય DNA કે RNA, RNA વિષાણુઓ એ રીતે સમગ્ર વિશ્વમાં અદ્વિતીય સજીવ એકમો છે કે જેમાં સમગ્ર જનીની માહિતી ફક્ત RNA-સ્વરૂપે હોય છે. ડિટર્જન્ટ કે ફીનૉલની મદદથી નાભિ-અમ્લને બહાર કાઢી શકાય છે અને આવો બહાર કાઢેલો (અર્કીકૃત, extracted) નાભિ-અમ્લ પણ ચેપ કરી શકે છે; તેથી તેમને સંક્રમણશીલ(infective) કહે છે; દા.ત., પિકોર્નાવિષાણુ, પેપોવાવિષાણુ વગેરે. નાભિ-અમ્લ ઉપરાંત વિષાણુમાં પ્રોટીન (નત્રલ) અને મેદ (ચરબી, fat) પણ હોય છે. કેટલાક વિષાણુઓમાં કાર્બોદિત પદાર્થો (carbohydrates) પણ હોય છે. મોટાભાગના વિષાણુઓમાં પ્રોટીનનું ઉત્પાદન કરતા ઉત્સેચકો હોતા નથી; પરંતુ તેમાં કેટલાક અપવાદો પણ છે; જેમ કે, ઇન્ફલ્યુએન્ઝા વિષાણુમાં ન્યૂરાએમિનિડેઝ અને વિપરીતક્રિય વિષાણુ(retrovirus)માં RNA-આધારિત DNA બહુગુણક ઉત્સેચક (polymerase) અથવા તો પારલિપ્યંતરક ઉત્સેચક (transscriptase). પારલિપ્યંતરક ઉત્સેચક RNAનું DNAમાં વિપરીત માર્ગે DNAમાં લિપ્યંતરણ (transcription) કરે છે.

(4) સહ્યતા (resistance) : મોટાભાગના વિષાણુઓ ગરમી સહી શકતા નથી અને તેથી 56° સે.ના તાપમાને થોડીક જ સેકન્ડમાં 37° સે. તાપમાને, થોડીક મિનિટમાં અને 4° સે.ના તાપમાને થોડાક દિવસમાં તે નિષ્ક્રિય બને છે; પરંતુ તેઓ નીચા તાપમાને લાંબો સમય ટકી રહે છે અને તેથી –70° ફે.ના તાપમાને જો શીતીકૃત (frozen) કરેલો હોય તો તેમને લાંબો સમય સાચવી શકાય છે. શીતીકૃત કરેલા વિષાણુના નિલંબન(suspension)ને શૂન્યાવકાશમાં સૂકવવામાં આવે છે. આ પ્રક્રિયાને શીતશુષ્કન (lyophilization) કહે છે. તેનો આવો શીતશુષ્કીકૃત (lyophilized) વિષાણુ ઘણાં વર્ષો સુધી સાચવી શકાય છે અને જ્યારે તેને સક્રિય કરવો હોય ત્યારે તેને પાણીમાં નંખાય છે; પરંતુ બાળલકવાનો વિષાણુ, જેને બાલઘાત વિષાણુ (poliovirus) કહે છે, તે શીતશુષ્કનની પ્રક્રિયામાં ટકી શકતો નથી. વિષાણુઓ તેમની અમ્લ-સહ્યતા(resistance to acid)ની બાબતે પણ વિવિધતા ધરાવે છે. આલ્કેલાઇન વાતાવરણમાં બધા જ વિષાણુઓ નાશ પામે છે. સૂર્યપ્રકાશ, પારજાંબલી કિરણો અને આયનીકરણ કરતાં વિકિરણો પણ વિષાણુઓને નિષ્ક્રિય કરે છે.

રાસાયણિક ચેપમુક્તકો(disinfectants)થી જીવાણુઓ કરતાં વિષાણુઓ ઓછા નિષ્ક્રિય થઈ શકે છે; કેમકે તેમાં ઉત્સેચકો હોતા નથી. હાઇડ્રોજન પૅરૉક્સાઇડ, પોટૅશિયમ પરમૅંગેનેટ, હાયપોક્લોરાઇડ્ઝ જેવા ઑક્સીકારક (oxydising) રસાયણો વિષાણુઓને નિષ્ક્રિય કરી શકે છે. ક્લોરિન પાણીમાંના વિષાણુઓને માટે છે; પરંતુ યકૃતશોથ(કમળા)નો વિષાણુ તથા બાળલકવાનો વિષાણુ ક્લોરિનથી નાશ પામતો નથી. ફૉર્મૅલ્ડિહાઇડ અને બીટા પ્રોપિયોલૅક્ટોન પણ વિષાણુને મારે છે. ઈથર, ક્લૉરોફૉર્મ અને પિત્તક્ષારો આવરણવાળા વિષાણુઓનો નાશ કરે છે. જીવાણુઓ સામે વપરાતી ઍન્ટિબાયૉટિક વિષાણુઓ સામે નિષ્ફળ રહે છે.

રક્તસંગુંફન (haemagglutination) : હર્ષ્ટ નામના વૈજ્ઞાનિકે સન 1941માં ઇન્ફલ્યુએન્ઝાના વિષાણુનું રક્તકોષોને એકબીજા સાથે ચોંટાડી દેવાની ક્ષમતા અંગે નોંધ્યું હતું. તેનું કારણ તેની સપાટી પર આવેલી આવરણિકામાંની શૂળ હતી. આ ઉપરાંત તેની આવરણિકામાં ન્યૂરૅમિનિડેઝ નામનો ઉત્સેચક છે; જે રક્તસંગુફનમાં ચોંટેલા વિષાણુને છૂટો પાડી દે છે. આવું તે સ્વીકારકોનો નાશ કરીને કરે છે. માટે તેને સ્વીકારકનાશી ઉત્સેચક (receptor destroying enzyme, RDE) કહે છે અને આ પ્રક્રિયાને દ્રાવણમુક્તન (elution) કહે છે. રક્તસંગુંફનની પ્રક્રિયા વડે ઇન્ફલ્યુએન્ઝાના વિષાણુનું નિર્દેશન અને આમાપન (assay) કરી સકાય છે. રક્તસંગુફન અને દ્રાવણમુક્તનની ક્રિયાઓ જુદા જુદા વિષાણુઓ જુદાં જુદાં પ્રાણીઓના રક્તદોષોમાં કરે છે. તે સારણી 2માં દર્શાવ્યું છે :

સારણી 2 : રક્તસંગુંફન અને દ્રાવણમુક્તનની ક્રિયા દર્શાવતા વિષાણુઓ

ક્રમ વિષાણુ પ્રાણી (રક્તસંગુંફન) દ્રાવણમુક્ત
1. ઇન્ફલ્યુએન્ઝા માનવ, શિયાળ, ગિનીપિગ 37° સે.
2. પેરાઇન્ફલ્યુએન્ઝા, ગાલપચોળિયું માનવ, શિયાળ, ગિનીપિગ 37° સે.
3. ઓરી વાંદરું
4. રુબેલા હંસ, કબૂતર  4° સે.
5. આંત્રવિષાણુ (enterovirus) માનવ  4° સે. અને 37° સે.
6. હડકવા હંસ  4° સે. pH 6.2
7. રિયો વિષાણુ માનવ  37° સે.

સંખ્યાવૃદ્ધિ(multiplication) : વિષાણુઓમાં સંખ્યાવૃદ્ધિ માટેની માહિતી RNA કે DNAના સ્વરૂપે છે; પરંતુ તે માટે જરૂરી ઉત્સેચકો હોતા નથી; તેથી તેમણે સજીવકોષના ઉત્સેચકો પર આધાર રાખવો પડે છે. શરૂઆતના અભ્યાસો જીવાણુનિયંતા અથવા જીવાણુભોજી વિષાણુઓ (bacteriophage) પરનાં અવલોકનો પર આધારિત હતા; પરંતુ પાછળના અભ્યાસોએ દર્શાવ્યું છે કે પ્રાણીગત અને વનસ્પતિગત વિષાણુઓની સંખ્યાવૃદ્ધિમાં કેટલાક મૂળભૂત તફાવતો પણ છે. વિષાણુના સંખ્યાવૃદ્ધિના ચક્રમાં મુખ્ય 6 તબક્કા છે – અધિશોષણ (adsorption) અથવા જોડાણ, વીંધણ અને પ્રવેશ (penetration), અનાવરણ (uncoating), જૈવસંશ્ર્લેષણ (biosynthesis), પુખ્તતાપ્રાપ્તિ અને વિમુક્તિ (release). કેટલાક વિષાણુઓ જનીનીય રીતે ખામીયુક્ત હોય તો તેમની સંખ્યાવૃદ્ધિ પણ ખામીયુક્ત બને છે.

વિષાણુસંવર્ધન (cultivation of viruses) : વિષાણુઓ અનિવાર્યપણે અંતષ્કોષી (obligatory intracellular) પરોપજીવો છે માટે તેમને નિર્જીવ માધ્યમ પર ઉછેરી શકાતા નથી. તેમના ઉછેર માટે 3 પદ્ધતિઓ વપરાશમાં છે  – પ્રાણીમાં અંત:દુર્રોપણ (inoculation), ગર્ભીકૃત ઈંડું (embryonated egg) અને પેશીસંવર્ધન (tissue culture). પ્રથમ પદ્ધતિમાં સફેદ ઉંદર, ગિનીપિગ વગેરે પ્રાણીઓમાં વિષાણુને પ્રવેશ આપવામાં આવે છે. પ્રાણીમાં ચેપનું નિરોપણ કરાતું હોવાથી આ પ્રક્રિયાને અંત:દુર્રોપણ કહે છે. બીજી પદ્ધતિમાં મરઘીના ઈંડાનો ઉપયોગ કરાય છે. 3 પ્રકારનાં પેશીસંવર્ધન હોય છે – અવયવસંવર્ધન (organ culture), જેમાં અવયવના નાના ટુકડાને શરીર બહાર ઉછેરાય છે; બહિર્રોપ સંવર્ધન (explant culture), જેમાં પેશીના ટુકડાને શરીરબહાર લોહીના ગઠ્ઠામાં ઉછેરાય છે અને કોષસંવર્ધન (cell culture), જેમાં વૃદ્ધિશીલ પેશીના કોષોને ઉછેરવામાં આવે છે. કોષસંવર્ધનના 3 ઉપપ્રકારો છે : પ્રાથમિક કોષસંવર્ધન, દ્વિગુણિત કોષસંવર્ધન (diploid cell culture) અને પ્રલંબિત કોષરેખા (continuous cell line). કોષસંવર્ધન વખતે વિષાણુઓ દર્શાવતી કેટલીક કસોટીઓ કરાય છે; જેમકે, કોષરુગ્ણતાકારી (cytopathic) અસર, ચયાપચયી અવદમન (metabolic inhibition), રક્તાધિશોષણ (haemadsorption), અંતર્રોધ (interference), પારરૂપણ (transformation) તથા પ્રતિરક્ષા-પ્રદીપ્તન (immunofluorescence). આ ઉપરાંત જે તે સંવર્ધિત માધ્યમમાં કેટલી સંખ્યામાં વિષાણુ છે તેનું આમાપન (assay) પણ કરાય છે. અન્ય મહત્વની કસોટીમાં ચેપકારિતા (infectivity) માપવામાં આવે છે. વિષાણુઓની જનીનવિદ્યાનો વિશદ અભ્યાસ થયેલો છે અને તેમનામાં ઉદ્ભવતી જનીનીય વિકૃતિઓને નોંધવામાં આવેલી છે.

વર્ગીકરણ : સન 1950 પહેલાં વિષાણુઓ અંગે મૂળભૂત માહિતી ઓછી હતી, તેથી તેમને જે તે પેશી તરફના અનુરાગ (affinity) પરથી વર્ગીકૃત કરાયા હતા. તેથી ઓરી, અછબડા, શીતળાના વિષાણુઓને ત્વગ્-રાગી (dermotropic), બાળલકવા કે હડકવાના વિષાણુઓને ચેતારાગી (neurotropic), ઇન્ફલ્યુએન્ઝા અને શરદીના વિષાણુને ફૂપ્ફૂસરાગી (pneumotropic), ચેપી કમળો અને પીતજ્વરના વિષાણુને અવયવરાગી (viscerotropic) વિષાણુ તરીકે વર્ગીકૃત કરાતા હતા. હાલ વિષાણુઓને 2 મુખ્ય જૂથમાં વહેંચાય છે – DNA અને RNA વિષાણુઓ  આ બે મુખ્ય જૂથોમાં તેમને તેમના ગુણધર્મને આધારે ઉપજૂથોમાં વર્ગીકૃત કરાય છે.

DNA વિષાણુઓના જૂથમાં હર્પિસ, એડિનો, પેપોવા, પાર્વો અને હીપો DNA વિષાણુઓનો સમાવેશ થાય છે. RNA વિષાણુઓના જૂથમાં આંત્રવિષાણુ (enterovirus), નાસાવિષાણુ (rhinovirus) અને યકૃતવિષાણુ (hepatovirus) ચિકિત્સાવિદ્યાની દૃષ્ટિએ મહત્વના છે. આ ત્રણેય પિકોર્નાવાયરસ પરિવારના સભ્યો છે. આ ઉપરાંત ઑર્થોમિક્સૉવિષાણુ, પેરામિક્સૉ વિષાણુ, ટોગા વિષાણુ, ફલેવિ વિષાણુ, બુન્ય વિષાણુ, ઍરિના વિષાણુ, રહેઇડો વિષાણુ, રિયો વિષાણુ, કોરૉના વિષાણુ અને રિટ્રો વિષાણુના પરિવારો આવેલા છે. તેમાં પણ ઉપજૂથો આવેલાં છે.

વિષાણ્વાભો (viroids) : ડાયનેર 1971માં આ સંજ્ઞા વિકસાવીને એક નવા ઉપવિષાણુ પ્રકારના સૂક્ષ્મજીવોને વર્ણવ્યા હતા. તેઓનો સંજનીન વિષાણુના સંજનીનથી નાનો હોય છે અને તે કોષની બહાર જોવા મળતા નથી. તેઓ પ્રોટીન વગરના ઓછા આણ્વિક ભારવાળા RNA સાથેના અને ગરમી અને સેંદ્રિય દ્રાવકો સામે ટકી રહેનારા પણ નાભિ-ઉત્સેચકોથી અસરગ્રસ્ત થનારા સૂક્ષ્મજીવો છે. સૌપ્રથમ બટાટાના એક રોગમાં તેમને દર્શાવાયા હતા.

નત્રાણુ (prion) : નત્રલ (protein) સમ ચેપી કણોને આ નામથી ઓળખવામાં આવે છે. સન 1902માં તેમને શોધવામાં આવ્યા હતા. તેઓ માણસમાં થતા કેટલાક ધીમે ધીમે વધતા દુ:ક્ષીણતાકારી રોગો (chronic degenerative disease)માં કારણરૂપ હોઈ શકે. કુરુ (kuru) અને ક્રૂઝફેલ્ટ – જેકૉબ (Cruetzfeltt – Jacob) રોગના તેઓ ચેપકારક સૂક્ષ્મજીવો છે. તેમનો આણ્વિક ભાગ 50,000 છે અને તેઓ 4થી 6 નૅનોમિટર કદના છે. તેઓમાં દર્શાવી શકાય તેવો નાભિ-અમ્લ (nucleic acid) જોવા મળ્યો નથી અને તેઓ 90° સે.ના તાપમાને 3 મિનિટ સુધી ગરમીને સહી શકે છે. તેમના પર પારજાંબલી કિરણો તથા ન્યૂક્લિયેઝની અસર થતી નથી; પરંતુ તેઓ પ્રોટિયેઝ નામના ઉત્સેચકથી અસરગ્રસ્ત થાય છે.

વિષાણુજન્ય ચેપ (viral infection) : કોષમાં પ્રવેશ્યા પછી વિષાણુ અનેક પ્રકારની અસરો ઉપજાવી શકે છે. કોષમાં કોઈ દેખીતો ફેરફાર ન હોય ત્યાંથી તે કોષનો નાશ થાય ત્યાં સુધીની અસરો જોવા મળે છે. બાળલકવાનો વિષાણુ કોષનું મૃત્યુ આણે છે. તેને કોષઘ્ની (cytocidal) અસર કહે છે. ક્યારેક તે કોષને તોડે છે. તેને કોષવિલયી (cytolytic) અસર કહે છે. કેટલાક વિષાણુઓ કોષની સંખ્યાવૃદ્ધિ કરે છે અને કેટલાક તેઓને કૅન્સરમાં રૂપાંતરિત કરે છે. ક્યારેક કોષ અને વિષાણુ એકબીજાને હાનિ પહોંચાડવાને બદલે પોતપોતાનું કાર્ય કરે છે. તેને સ્થિરસ્થિતિચેપ (steady state infection) કહે છે. પેશીસંવર્ધન વખતે જોવા મળતી કોષરુગ્ણતાકારી (cytopathic) અસરો ઘણી વખત ચેપગ્રસ્ત પ્રાણીના કોષોમાં જોવા મળતી નથી; કેમ કે, પ્રાણીમાં વિવિધ સંરક્ષક પ્રવિધિઓ પણ ઉપલબ્ધ હોય છે.

વિષાણુ કોષના પ્રોટીન, DNA synthesis, કોષરચના, કોષકલાઓની પારગમ્યતા વગેરે વિવિધ રચનાઓ અને ક્રિયાઓને અસર કરીને કોષ પર પોતાની અસરો ઉપજાવે છે. ઓરી, ગાલપચોળિયું, સાયટોમેગેલો-વિષાણુ, એડિનો વિષાણુ, વેરિસેલા-વિષાણુ યજમાન કોષનાં રંગસૂત્રોને ઈજા પહોંચાડે છે. ક્યારેક વિષાણુથી ચેપગ્રસ્ત કોષોમાં અંતષ્કાય (inclusion bodies) જોવા મળે છે. આવી અંતષ્કાય કોષરસમાં કે કોષકેન્દ્રમાં હોય છે અથવા બંનેમાં હોઈ શકે મગજના કોષોમાં નેગ્રીકાય જોવા મળે તો તે હડકવાના નિદાનમાં ઉપયોગી ચિહ્ન ગણાય છે.

વિષાણુના ચેપથી જો તકલીફો થાય તો તે સુસ્પષ્ટ (overt) અથવા લક્ષણપૂર્ણ (clinical) બને છે; પરંતુ ઘણા કિસ્સાઓમાં તકલીફો બહાર દેખાતી નથી. આવા ચેપને અલક્ષણી (subclinical) ચેપ કહે છે. લક્ષણપૂર્ણ ચેપ ઉગ્ર, દીર્ઘકાલી કે ઉપોગ્ર (subacute) હોય છે. કેટલાક વિષાણુજન્ય ચેપમાં ચેપ લાગ્યા પછી થોડાક સમયે તેનાં લક્ષણો અને ચિહ્નો દેખાય છે. આ વચગાળાના સમયને લક્ષણ-સુષુપ્તિકાળ (latent period) કહે છે. ક્યારેક લક્ષણસુષુપ્તિકાળમાં વિષાણુના ચેપ અને આદાતા (host) વચ્ચે એક પ્રકારની સંગતતા થયેલી હોવાથી તેઓ એકબીજા માટે સહ્ય બનેલા હોય છે. માનવ-પ્રતિરક્ષા-ઊણપ વિષાણુ(human immunodeficiency virus, HIV)ના ચેપમાં શરૂઆતના તબક્કામાં આ પ્રકારની સહ્યતા અને અલક્ષણી ચેપની સ્થિતિ જોવા મળે છે; પરંતુ પાછળથી સતતવર્ધનશીલ પ્રતિરક્ષાને નુકસાન કરતો રોગ થાય છે, જેને એઇડ્ઝ કહે છે.

વિષાણુઓ શ્વસનમાર્ગ, અન્નમાર્ગ, ચામડી, નેત્રકલા (conjunctiva) કે જનનમાર્ગે શરીરમાં પ્રવેશે છે. કેટલાક માતામાંથી ગર્ભમાં ફેલાય છે. શરીરમાં પ્રવેશ્યા પછી લસિકાવાહિનીઓ કે રુધિર-માર્ગે તે અન્ય પેશીઓ અને અવયવોમાં જાય છે; જેમ કે, શ્વસનમાર્ગે પ્રવેશીને અછબડા કે શીતળાના વિષાણુઓ ચામડી પર સ્ફોટ કરે છે તથા બાળલકવાનો વિષાણુ અન્નમાર્ગે પ્રવેશીને કરોડરજ્જુના અગ્રશૃંગી (anterior horn) કોષોને નિશાન બનાવે છે. અન્નમાર્ગ કે લોહીની નસ દ્વારા પ્રવેશેલો ચેપી કમળાનો વિષાણુ યકૃત(liver)માં પહોંચે છે. ચેપગ્રસ્ત કૂતરાના ચામડી પરના બચકાની ઈજાથી પ્રવેશેલ હડકવાનો વિષાણુ ચેતાઓ પર પ્રસરીને મગજ સુધી પહોંચે છે. માતામાંથી ગર્ભમાં પ્રવેશેલો ચેપ ક્યારેક જન્મજાત કુરચના કરે છે; દા.ત., રૂબેલા અને સાયટોમેગેલો-વિષાણુ. આમ વિષાણુ શરીરમાં પ્રવેશ્યા પછી તેના લક્ષ્ય-અવયવ પર પહોંચે અને તેની પૂરતી સંખ્યાવૃદ્ધિ થાય ત્યારપછી તેનાથી થતા વ્યાધિનાં લક્ષણો જોવાં મળે છે. આ સમગ્ર સમયગાળાને ઉદ્વર્ધનકાળ (incubation period) કહે છે. અછબડા અને બાળલકવામાં તે 10થી 20 દિવસનો હોય છે, જ્યારે બી પ્રકારના ચેપી કમળામાં તે 2થી 6 મહિનાનો.

વિષાણુની દેહમાંની હાજરી તરફ શારીરિક પ્રતિભાવો ઉદ્ભવે છે. સૌથી મહત્વનો પ્રતિભાવ પ્રતિદ્રવ્યો (antibodies) ઉત્પન્ન કરીને પ્રતિરક્ષા (immunity) કેળવવાનો હોય છે. આ પ્રકારનો પ્રતિભાવ વિષાણુઓના ચેપને થતો અટકાવવાની રસીઓ પર આધારિત છે. આ ઉપરાંત પેશીમાંના મહાભક્ષીકોષો (macrophages), વિષાણુઓનું કોષભક્ષણ (phagocytosis) કરીને તેમનો નાશ કરે છે. શરીરનું તાપમાન વધે (તાવ આવે) એટલે પણ વિષાણુઓનો નાશ થાય છે; કેમ કે, 39° સે.થી વધુ તાપમાને ઘણા વિષાણુકણ જીવી શકતા નથી. પરંતુ તેમાં એક બહુ જાણીતો અપવાદ છે. તેને ‘બરો મૂતરવી’ કહે છે. જેમાં તાવ આવે ત્યારે હર્પિસ સિમ્પ્લેક્સ નામનો  વિષાણુ હોઠની આસપાસ સ્ફોટ સર્જે છે. કોર્ટિકોસ્ટિરોઇડ્ઝ, અપપોષણ તથા બંને છેડાની ઉપર હોય તો વિષાણુજન્ય ચેપની સંભાવના વધે છે.

વિષાણુપ્રતિરક્ષક (interferon) : ઇઝાક અને લિન્ડેન્મને 1957માં દર્શાવ્યું હતું કે વિષાણુજન્ય ચેપ સમયે એક પ્રતિવિષાણુદ્રવ્ય શરીરમાં બને છે, જે ચેપના વિકાસને અટકાવે છે. માટે તેને વિષાણુપ્રતિરક્ષક (interferon) અથવા વિપ્રતિરક્ષક કહે છે. વિષાણુપ્રતિરક્ષકની હાજરીમાં કોષ વિષાણુના ચેપથી ગ્રસ્ત થતો નથી. હાલ જાણમાં છે કે આ એક કુદરતી પ્રતિરક્ષણ-પ્રણાલી છે. જે વિષાણુઓના ચેપ સામે દંડધારી (vertebrate) પ્રાણીઓમાં જોવા મળે છે. વિષાણુપ્રતિરક્ષકો એક પ્રકારનાં પ્રોટીનોના અણુઓનો સમૂહ છે, જે વિષાણુ કે અવિષાણુજન્ય (non-viral) દ્રવ્યોના સંસર્ગમાં આવવાથી યજમાનકોષો ઉત્પન્ન કરે છે. તે વિષાણુઓ પર કોઈ સીધી અસર ધરાવતા નથી; પરંતુ અન્ય કોષોને વિષાણુજન્ય ચેપવશ્યતાથી બચાવે છે. વિષાણુપ્રતિરક્ષકની હાજરીમાં તે કોષો ભાષાંતર અવદમક નત્રલ (translation inhibiting protein, TiP) બનાવે છે. વિષાણુ mRNAનું ભાષાંતર અટકાવે છે; પરંતુ કોષના પોતાના mRNA પર તેની કોઈ અસર હોતી નથી. TiPમાં 3 પ્રકારના ઉત્સેચકો હોય છે જે સંયુક્ત રીતે કાર્ય કરે છે. ભાષાંતર-અવદમન ઉપરાંત તે લિપ્યંતર-અવદમન (inhibition of transcription) પણ કરે છે એવું મનાય છે; જે પ્રાણીના પ્રકાર માટેનો વિષાણુપ્રતિરક્ષક અલગ અને વિશિષ્ટ હોય છે. તેથી માનવકોષોને ફક્ત માનવ-વિષાણુ-પ્રતિરક્ષક અને અમુક અંશે વાંદરાનો વિષાણુ-પ્રતિરક્ષક ઉપયોગી રહે છે; પરંતુ આ પ્રકારની ક્રિયાશીલતા કોઈ એક વિષાણુ પૂરતી હોતી નથી, પરંતુ તે બીજા વિષાણુઓ સામે પણ રક્ષણ આપે છે. જોકે જુદા જુદા વિષાણુઓની વિષાણુપ્રતિરક્ષક દ્વારા થતી વશ્યતા (susceptibility) જુદી જુદી હોય છે. આ ઉપરાંત જુદા જુદા વિષાણુઓની વિષાણુપ્રતિરક્ષકનું ઉત્પાદન શરૂ કરાવવાની ક્ષમતા, એટલે કે નિયોજનક્ષમતા (inducibility) જુદી જુદી હોય છે. કોષઘ્ની અને વિતીવ્ર (virulent) વિષાણુઓ ઓછા નિયોજનક્ષમ હોય છે. જ્યારે અવિતીવ્ર (avirulent) વિષાણુઓ સારા નિયોજકો (inducers) હોય છે. DNA વિષાણુ કરતાં RNA વિષાણુ વધુ સારા નિયોજકો છે. ટોંગા વિષાણુઓ, વેઝિક્યુલર સ્ટોમેટાઇટિસ વિષાણુ, સેન્ડાઈ વિષાણુ, નાભિઅમ્લો  ખાસ કરીને દ્વિસૂત્રીય RNA તથા કેટલાક સંશ્ર્લેષિત બહુગુણક અણુઓ ઘણા સારા નિયોજકો હોય છે. 40° સે.ના તાપમાને વિષાણુ પ્રતિરક્ષક(વિપ્રતિરક્ષક)નું ઉત્પાદન વધે છે અને સ્ટીરોઇડ તથા ઑક્સિજનનું વધતું દબાણ તેનું ઉત્પાદન ઘટાડે છે. સામાન્ય રીતે ઉષ્મા સંવર્ધન(incubation)ની ક્રિયા વડે વિપ્રતિરક્ષકનું ઉત્પાદન કરાતું હોય તો તે 1 કલાકમાં શરૂ થાય છે અને 6થી 12 કલાકમાં ઊંચામાં ઊંચે સ્તરે પહોંચે છે. આ દર્શાવે છે કે પ્રતિરક્ષાલક્ષી પ્રતિદ્રવ્યો(antibodies)નું કાર્ય શરૂ થાય તે પહેલાં વિપ્રતિરક્ષક કાર્ય કરે છે અને આમ તે સંરક્ષણની પ્રથમ હરોળમાં આવે છે.

વિપ્રતિરક્ષકોને તેમની પ્રતિજનશીલતા (antigenicity), ઉદ્ભવકોષ (cell of origin) અને અન્ય ગુણધર્મોને આધારે 3 પ્રકારમાં વહેંચવામાં આવેલા છે : અકાર (alfa), બકાર (beta) અને ગકાર (gamma). તેમને સંક્ષિપ્ત રૂપે દર્શાવવા હોય તો અનુક્રમે વિપ્રર-અ (IFN-α), વિપ્રર-બ, (IFN-β) અને વિપર-ગ (IFN-f) કહે છે. અને જો તે માનવકોષો માટે ન હોય તો તેમને અનુક્રમે મા-વિપ્રર-અ (Hu IFN-α), મા-વિપ્રર-બ (HUIFN-β) મા-વિપ્રર-ગ (HUIFN-f) કહે છે.

વિપ્રર-અ શ્વતકોષોમાં બને છે. તેથી તેને શ્વેતકોષી વિપ્રતિરક્ષક(leucocyte interferon) કહે છે અને અશર્કરિત નત્રલ (nonglycosylated protein) છે, જેના આશરે 16 જેટલા પ્રતિજનિક ઉપપ્રકારો દર્શાવાયા છે. વિપર-બ તંતુબીજકોષો (fibroblasts) તથા અધિચ્છદીય (epithelial) કોષોમાં બને છે અને તેથી તેને તંતુબીજકોષી વિપ્રતિરક્ષક (fibroblast interferon) કહે છે. તે શર્કરા-નત્રલ (glycoprotein) છે અને તે વિષાણુઓ કે પૉલિન્યૂક્લિયૉટાઇડ વડે થતા નિયોજનથી ઉદ્ભવે છે. વિપ્રર-ગને પહેલાં પ્રતિરક્ષી વિપ્રતિરક્ષક (immune interferon) કહેવાતો પણ હવે જાણમાં છે કે તે ટી-લસિકાકોષોમાં બને છે. તેના નિયોજકો પ્રતિજનો (antigens) અને કોષ-દ્વિભાજકો (mitogens) હોય છે. તે શર્કરાનત્રલ છે. તેનું મુખ્ય કાર્ય વિષાણુ સામેના પ્રતિરક્ષણ- (defence)નું નથી. પરંતુ તે કોષોની સંખ્યાવૃદ્ધિ અને પ્રતિરક્ષાશીલતા પર અસર કરે છે. તે કોષોની સંખ્યાવૃદ્ધિ ઘટાડે છે. માટે તેને પ્રતિપ્રવર્ધક (antiproliferative) કહે છે. તે પ્રતિરક્ષાશીલતાનું નિયમન કરે છે અને તેથી તેને પ્રતિરક્ષાકલનકારક (immunomodulator) કહે છે. વિપ્રર-અ અને વિપ્રર-બ કરતાં તેના કોષસ્વીકારકો પણ અલગ હોય છે.

વિપ્રતિરક્ષકને નત્રલવિલયી (proteolytic) ઉત્સેચકો નિષ્ક્રિય કરે છે. તેઓને 56°થી 66° સે. તાપમાને 30થી 66 મિનિટ ગરમ કરતાં કે 2થી 10 pHના વાતાવરણમાં રાખવા છતાં તે સક્રિય રહે છે. વિપ્રર-ગ 2pHના મૂલ્યે નિષ્ક્રિય બને છે. તેઓનો આણ્વિક ભાર 17,000 છે. તેઓ મૂત્રપિંડની સારવારમાં કરાતા પરિતની (peritoneal) કે રુધિરી પારગલન(dialysis)માં ગળાઈને બહાર નીકળી જતા નથી. સામાન્ય રીતે તેઓ કોઈ પ્રતિરક્ષાલક્ષી સક્રિયતા ધરાવતા નથી અને તેથી તેમને માટે કોઈ વિશિષ્ટ રુધિરસવિદ્યા(serology)ની તપાસ કરવી પડતી નથી. તે કેટલા પ્રમાણમાં હાજર છે તે જાણવા માટે જૈવિક આમાપન (biological assay) કરાય છે. તેમને આંતરરાષ્ટ્રીય એકમો(IU)માં માપવામાં આવે છે. વિપ્રતિરક્ષક (interferon) વિવિધ વિષાણુઓના ચેપને થતો રોકવા તથા તેની સારવારમાં તથા કેટલાંક કૅન્સરની સારવાર(દા.ત., લસિકાર્બુદ – lymphoma, મૂત્રપિંડનું કૅન્સર વગેરે)માં ઉપયોગી છે. હાલ જીવાણુઓના કોષગોત્રન (cloning) વડે વિપ્રતિરક્ષકને વિપુલ પ્રમાણમાં મેળવી શકાય છે. હાલ વિપ્રતિરક્ષકની વિવિધ જૈવિક અસરો જાણમાં આવેલી છે :

(1) પ્રતિવિષાણુ અસર : વિષાણુજ ચેપ સામે સુરક્ષા.

(2) પ્રતિસૂક્ષ્મજીવ અસર : ટોક્સોપ્લાઝ્મા, ક્લેમાયડિયા, મલેરિયા સામે સુરક્ષા. જોકે આનો વ્યાવહારિક ઉપયોગ ખાસ નથી.

(3) કોષીય અસર : કોષની વૃદ્ધિ અને પ્રવર્ધન(proliferation)નું અવદમન (inhibition), DNA અને પ્રોટીનના સંશ્ર્લેષણનું અવદમન.

(4) પ્રતિરક્ષાનિયમનકારી અસર : પ્રાકૃતિક મારક કોષો (natural killer cells) અને ટી લસિકાકોષોની કોષવિષતાકીય (cytotoxic) અસરમાં વધારો તથા મહાભક્ષી કોષો(macrophages)ની કોષમારક ક્ષમતામાં વધારો.

વિષાણુજ રોગોનું નિદાન : વિષાણુજ ચેપના પૂર્વનિવારણ માટે તેમને અંગેની કસોટીઓ વડે આચયન (screening) કરાય છે. તેમાં રુધિર-દાતાઓનું HBV અને HIV ચેપ સામેનું આચયન મહત્વનું ગણાય છે. સગર્ભા-સ્ત્રીમાં રુબેલાનું નિદાન, વિશિષ્ટ સંજોગોમાં સાયટોમેગેલો વિષાણુનું નિદાન, HIV અને HBVનું નિદાન મહત્વનું બને છે. HBV – એ બી-યકૃતશોથી વિષાણુ(hepatitis B-virus)ની અને HIV માનવપ્રતિરક્ષા ઊણપકારી વિષાણુ (human immuno deficiency virus)ની સંક્ષિપ્ત સંજ્ઞાઓ છે. પ્રયોગશાળામાં વિષાણુજ ચેપના નિદાન માટે વિવિધ પદ્ધતિઓ ઉપલબ્ધ છે. સૂક્ષ્મદર્શકવિદ્યા (microscopy), વિષાણુ પ્રતિજનનું નિર્દેશન, વિષાણુને અલગ પાડીને ઓળખવો, રુધિરરસીય (serological) કસોટીઓ કરવી સારણી 3માં વિવિધ અવયવોના વિષાણુ જ ચેપમાં નિદાન માટે મોકલવાના નમૂનાની માહિતી દર્શાવી છે.

સારણી 3 : વિવિધ અવયવોના વિષાણુજ ચેપમાં તપાસવામાં આવતા નમૂનાઓ

અવયવ/ તંત્ર વિષાણુને અલગ કરી ઓળખવા માટે સીધી સૂક્ષ્મદર્શકીય તપાસ માટે રુધિરરસીય તપાસ માટે
1. શ્વસન-તંત્ર ગળામાં રૂના પૂમડા પર પ્રવાહી લઈને (પ્રપ્ર કસોટી)નાસાગ્રસની (nasopharynx)માંથી ઉત્કાસિત (aspirated) પ્રવાહી નાસાગ્રસનીમાંથી ઉત્કાસિત પ્રવાહી ગ્રસનીશોધન-(throat washings)નું પ્રવાહી (ઋસૂદર્શક) રુધિરરસ (blood serum)
2. કેન્દ્રીય ચેતાતંત્ર મળ, લોહી, મેરુ- મસ્તિષ્કજલ (cerebrospinal fluid) મસ્તિષ્કનું પેશી- પરીક્ષણ (biopsy) ગળામાંથી રૂનું પૂમડું, મળાશયમાંથી રૂનું પૂમડું મસ્તિષ્કનું પેશીપરી-ક્ષણ, મેરુ-મસ્તિષ્ક જળ/પ્રપ્ર કસોટી અને (ઋસૂદર્શક) રુધિરરસ
3. ચામડી ચામડી પરનું ખોતરણ, ફોલ્લીમાંનું જલ, પોપડી, મળ, ગળામાંનું રૂનું પૂમડું ફોલ્લી પ્રવાહી, ખોતરણ, પોપડી (ઋસૂદર્શક) રુધિરરસ
4. આંખ નેત્રકલા(conjunctiva)નું ખોતરણ અને રૂનું પૂમડું નેત્રકલા ખોતરણ (પ્રસૂદર્શક) રુધિરરસ
5. યકૃત(liver) લોહી લોહી રુધિરરસ
6. અન્ય ગળામાં રૂનું પૂમડું, લોહી, મળ, મૂત્ર રુધિરરસ

નોંધ : પ્રપ્રકસોટી – પ્રતિરક્ષા – પ્રદીપ્તન (immuno fluorescence)

ઋસૂદર્શક – ઋણવીજકણ સૂક્ષ્મદર્શક (electron microscope)

પ્રસૂદર્શક – પ્રકાશ સૂક્ષ્મદર્શક (light microscope)

વિષાણુજ ચેપનું પ્રતિરક્ષાલક્ષી પ્રતિરોધ (immuno prophylaxis) : વિષાણુજ ચેપ સામે રસી (vaccine) આપવાથી લાંબા સમય સુધી તેને થતો અટકાવી શકાય છે. તેને પ્રતિરક્ષાલક્ષી પ્રતિરોધ કહે છે. રસી રૂપે જીવંત કે મૃત વિષાણુને શરીરમાં પ્રવેશ અપાય છે. જીવંત વિષાણુવાળી રસી વધુ અસરકારક હોય છે; દા.ત., શીતળા, પીતજ્વર. શીતળાની રસી વડે તે રોગને હાલ વિશ્વમાંથી નાબૂદ કરી શકાયો છે. આ ઉપરાંત બાળલકવા સામેની રસી તથા ઇન્ફલ્યુએન્ઝા સામેની રસી પણ જીવંત વિષાણુની બનેલી છે. જોકે આ રસીમાં વપરાતો વિષાણુ અવિતીવ્ર (avirulent) હોય છે. તેને અવિતીવ્ર કરવા માટે વિવિધ પદ્ધતિઓ વપરાશમાં છે. મૃતવિષાણુજન્ય રસી માટે વિષાણુને ગરમી, ફીનૉલ, ફોર્માલિન કે બીટા પ્રોપિયોલૅક્ટોન વડે મારી નંખાય છે. બાળલકવો, હડકવા, જાપાની મસ્તિષ્કશોથ (Japanese encephalitis), બી-યકૃતશોથ વગેરેની રસીઓ મૃતવિષાણુ વડે બનાવાય છે. આ ઉપરાંત માનવ-પ્રતિરક્ષાગ્લોબ્યુલિનનાં ઇન્જેક્શન વડે અસક્રિય પ્રતિરક્ષા આપીને ટૂંકા ગાળા માટે વિષાણુજ ચેપ સામે રક્ષણ આપી શકાય છે.

પ્રતિવિષાણુ ઔષધો : વિષાણુઓનો નાશ કરતી અનેક દવાઓ વિકસી છે. તેમને સારણી 4માં દર્શાવી છે.

સારણી 4 : પ્રતિવિષાણુ ઔષધો

ક્રમ જૂથ ઉદાહરણ
1. પ્રતિસરસ્ફોટ (anti-Herpes) આયડૉક્સુરિડિન, વિડેરેબિન, ટ્રાઇફ્લુરિડિન, એસાઇક્લોવિર, ગૅન્સિક્લોવિર
2. પ્રતિવિપરીતક્રિયક ઝીડોવુડિન, ડિડેનોસાઇન, ઝેલ્સિટાલિન, સ્ટેવુડિન, સેક્વિનેવિર, ઇન્ડિનાવિર, નેલ્ફીનાવિર
3. પ્રતિઇન્ફલ્યુએન્ઝા એમેન્ટોડિન, રિમેન્ટેડિન
4. અન્ય રિબાવિરિન, વિપ્રતિરક્ષક (interferon) આલ્ફા

શિલીન નં. શુક્લ