વિવિધભારતી : આકાશવાણીની લોકપ્રિય વિશેષ પ્રસારણ-સેવા. સ્વતંત્રતા પછી દેશના લગભગ સમગ્ર વિસ્તારને રેડિયો-પ્રસારણ-સેવાનો લાભ મળતો થયો. તેમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પ્રસારણો તેમજ  વિશેષ તથા સામાન્ય જનસમુદાયો માટેનાં પ્રસારણો વચ્ચે સંતુલનની સમસ્યા ઊભી થઈ. આના એક ઉકેલ રૂપે 1957ની ગાંધીજયંતીથી ‘વિવિધભારતી’ નામે વિશેષ પ્રસારણ-સેવાનો આરંભ કરાયો. આરંભ થોડા સમય માટે પ્રાયોગિક રૂપે કરાયો. દિલ્હી કેન્દ્રથી 1960માં પ્રસારણ-અવધિ નવ કલાક કરાઈ. શનિ-રવિ સવા દસ કલાકનો કાર્યક્રમ રખાયો.

અત્યાર સુધી વિવિધભારતીના કાર્યક્રમોમાં મુખ્ય પ્રકાર ચલચિત્ર-ગીત-સંગીત તથા ચલચિત્રો-આધારિત કાર્યક્રમોનો હતો. તેમાં આ સેવાના નામ પ્રમાણે વિવિધતા લાવવા દર શનિવારે રાત્રે 9-30થી 11-00 શાસ્ત્રીય સંગીતના રાષ્ટ્રીય કાર્યક્રમનો વિકલ્પ ઉમેરાયો. તા. 12-9-1960થી બપોરે 11થી 12ના એક કલાક માટે ‘ઇન્દ્રધનુષ્ય’ નામે મિશ્ર કાર્યક્રમ પ્રસ્તુત કરાયો. 1967માં કાર્યક્રમોનો વિસ્તાર દિવસમાં ચાર પ્રસારણો રૂપે સવા બાર કલાકનો કરાયો. મુંબઈ અને ચેન્નઈનાં ઉચ્ચાવૃત્તિ (high frequency) કેન્દ્રો તથા 32 મધ્યમાવૃત્તિ (medium frequency) કેન્દ્રો કામ કરતાં થયાં. એ જ વર્ષે (1967) 1લી નવેમ્બરથી પ્રાયોગિક ધોરણે મુંબઈ, પુણે અને નાગપુર કેન્દ્રો પરથી વિજ્ઞાપનસેવાનો આરંભ થયો. દર શનિવારે ચિત્રતારકો દ્વારા તેમની પસંદગીનાં ગીતોનો કાર્યક્રમ બહુ પ્રશંસા પામ્યો. દૂર સીમાઓ પર ખડે પગે સેવા આપી રહેલા જવાનોને અનુલક્ષીને ‘જયમાલા’ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો. જવાનોનાં પસંદગીનાં ચિત્રગીતોનો આ કાર્યક્રમ બહુ લોકપ્રિય થયો. 1975માં  18 કેન્દ્રો સુધી વિજ્ઞાપન-સેવા વિસ્તારાઈ. તેમાં 10 ટકા સમય 15થી 30 સેકંડનાં ટૂંકાં વિજ્ઞાપનો માટે ફાળવાયો, વિજ્ઞાપનો દરેક ભાષામાં સ્વીકારવાની નીતિ રખાઈ. આ પહેલાં, મે 1970થી પ્રાયોજિત કાર્યક્રમો શરૂ કરાયા. તેમાં પ્રાયોજક કંપની કે સંસ્થા સમગ્ર કાર્યક્રમનું ખર્ચ ઉપાડે તેવી સગવડ થઈ. આ રીતે થતી આવક 1974માં રૂપિયા પાંચ કરોડની થઈ. પ્રસારણનો સમય દૈનિક પોણા તેર કલાક અને રવિવારે સવા તેર કલાકનો કરાયો. મનોરંજનમાં વિવિધતા લાવવા માટે ચલચિત્ર-સંગીત ઉપરાંત હાસ્ય-કાર્યક્રમો, એકાંકી-નાટકો તથા ફીચર પ્રકારના કાર્યક્રમો ઉમેરાયા. વિજ્ઞાપનોનો સમય 7, 10, 15, 20 અને 30 સેકંડનો કરાયો અને પ્રસારણ 29 કેન્દ્રો પરથી ઉપલબ્ધ બનાવાયું. 1982ના એપ્રિલથી આકાશવાણીની પ્રમુખ વાહિની ઉપર પણ વિજ્ઞાપનો લેવાનો આરંભ કરાયો. જાન્યુઆરી 1985થી બીજી વાહિનીઓ ઉપર પણ વિજ્ઞાપનો પ્રસારિત કરવાનું શરૂ કરાયું. મધ્યમાવૃત્તિવાળાં 55 કેન્દ્રો વિવિધભારતી કાર્યક્રમનું પ્રસારણ કરતાં થયાં. વિવિધતા માટે ગ્રામીણ જનતા તથા મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમો આપવાનું શરૂ કરાયું. જોકે ચલચિત્રસંગીત મુખ્ય મનોરંજન રૂપે ચાલુ રહ્યું.

દૂરદર્શન પર વિશેષ ધ્યાન અને ખર્ચ ફાળવાયાં, છતાં વિવિધભારતીની પ્રગતિ પણ વેગીલી રહી. કારગિલ યુદ્ધ વેળા મોરચે લડતા જવાનોને પરિવાર સાથે સંપર્ક કરવાની વિશેષ સેવા વિવિધભારતીએ આપી. 2003માં દેશના 303 પ્રસારણ-કેન્દ્રો 15 કલાકના કાર્યક્રમોનું પ્રસારણ કરતાં થયાં. તેમાં ચાર ઉચ્ચાવૃત્તિ અને 38 મધ્યમાવૃત્તિ મથકો મુખ્ય રહ્યાં. કાર્યક્રમોમાં 85 ટકા ચલચિત્ર-આધારિત કાર્યક્રમો રહ્યા. બાકીના 15 ટકામાં શાસ્ત્રીય સંગીત, લોકસંગીત, સુગમ સંગીત અને ભક્તિ સંગીત જેવા કાર્યક્રમો સમાવાયા. આ જ વર્ષે વિવિધભારતીની આવક આકાશવાણીના સમગ્ર ખર્ચને પહોંચી વળે એટલી વધી. પ્રસારભારતી ધારાના અમલ સાથે હવે આકાશવાણીની સાથે વિવિધભારતી પણ તેનું અંગ બન્યું છે.

બંસીધર શુક્લ