વિરાટ અણુઓ (macromolecules) : સામાન્ય રીતે 1000 કરતાં વધુ પરમાણુઓ ધરાવતા અત્યંત મોટા અણુઓ. કુદરતી અને સંશ્લેષિત બહુલકો તેમજ હીમોગ્લોબિન અને ન્યૂક્લિઇડ ઍસિડ જેવા પદાર્થો આવા વિરાટ અણુઓ ધરાવે છે. વિરાટ અણુઓ બે પ્રકારના હોય છે : (1) વૈયક્તિક વસ્તુઓ (entities) કે જેમનું તેમની ઓળખ ગુમાવ્યા સિવાય આગળ વિભાજન થઈ શકતું નથી. પ્રોટીન કે જેમાંના ઘણાના અણુભાર લાખોમાં ગણાય છે તે આ પ્રકારના હોય છે; (2) એકલકો (monomers) તરીકે ઓળખાતા પુનરાવર્તી રાસાયણિક એકમોના જોડાવાથી મળતાં શૃંખલારૂપ કે જાળીદાર સંયોજનો. આવા પ્રત્યેક એકલકનું રાસાયણિક બંધારણ બહુલક જેવું હોય છે; દા.ત., આઇસોપ્રીન (C5H8) અને પોલિઆઇસોપ્રીન (C5H8)x. સંશ્લેષિત પ્રત્યાસ્થલકો (elastomers) એ આવા વિરાટ અણુઓના ઉદાહરણરૂપ છે. સેલ્યુલોઝ એ કુદરતમાં મળી આવતા વિરાટ અણુનું સૌથી સામાન્ય ઉદાહરણ છે. આ પ્રકારના અણુઓ કલિલીય આમાપ(size)ની પરાસમાં આવે છે.

(વધુ વિગત માટે જુઓ : બહુલકો : પ્રોટીનો.)

જ. દા. તલાટી