વિક્રમ સારાભાઈ અંતરીક્ષ કેન્દ્ર, ત્રિવેન્દ્રમ્

February, 2005

વિક્રમ સારાભાઈ અંતરીક્ષ કેન્દ્ર, ત્રિવેન્દ્રમ્ : ભારતીય અંતરીક્ષ સંશોધન સંગઠન(ઇસરો)નું પ્રમુખ સંશોધન-કેન્દ્ર, જ્યાં મુખ્યત્વે રૉકેટ અને પ્રમોચન-વાહનો અંગે સંશોધન અને વિકાસકાર્ય કરવામાં આવે છે.

ભારતના અંતરીક્ષ કાર્યક્રમના આરંભકાળ દરમિયાન 1965માં ‘અંતરીક્ષ વિજ્ઞાન અને ટેક્નૉલોજી કેન્દ્ર’(Space Science and Technology Centre)ના નામથી સ્થાપવામાં આવેલા આ કેન્દ્રને ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના આદ્ય સ્થાપક વિક્રમ સારાભાઈના નામ સાથે જોડીને ઉપર્યુક્ત નામ આપવામાં આવ્યું છે.

આ કેન્દ્રમાં રૉકેટ અને પ્રમોચન-વાહન સાથે સંબંધિત નીચે જણાવેલાં વિવિધ ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસકાર્યો કરવામાં આવે છે.

  • ઉડ્ડયનશાસ્ત્ર સંબંધિત ઇલેક્ટ્રૉનિક્સ (Avionics),
  • નિયંત્રણ અને માર્ગદર્શન (Control & Guidance), દૂર-માપન, દૂર-આદેશ તથા પથશોધન.
  • કમ્પ્યૂટર સંબંધિત કાર્ય
  • વાયુગતિશાસ્ત્ર (Aerodynamics)
  • સંરચનાત્મક અને યાંત્રિક ઇજનેરી (Structural & Mechanical Engineering)
  • પ્રોપેલન્ટ અને પ્રોપલ્ઝન
  • પૉલિમર્સ અને કેમિકલ્સ
  • Materials and Metallurgy
  • અંતરીક્ષ વિજ્ઞાન અને વાતાવરણ-વિજ્ઞાનમાં સંશોધન

આ કેન્દ્ર દ્વારા કેરળમાં અલવા (Aluva) ખાતે રૉકેટના બળતણમાં ઑક્સિડાઇઝર તરીકે વપરાતું રસાયણ ઍમોનિયમ પરક્લોરેટ (Ammonium Perchlorate) બનાવવાનું કારખાનું (Plant) શરૂ કરવામાં આવ્યું છે.

પરંતપ પાઠક