વિકસિત અને વિકાસશીલ દેશો

February, 2005

વિકસિત અને વિકાસશીલ દેશો : માથાદીઠ આવકની કસોટીના આધાર પર કરવામાં આવેલું દુનિયાના દેશોનું વર્ગીકરણ. 1950-60ના દસકામાં દુનિયાના ગરીબ દેશોના આર્થિક વિકાસના પ્રશ્નોની ચર્ચા અર્થશાસ્ત્રીઓએ હાથ ધરી ત્યારે તેમણે વિશ્લેષણના હેતુ માટે દુનિયાના દેશોને બે વિભાગમાં વહેંચ્યા હતા. એ દસકાના ઉત્તરાર્ધમાં દુનિયાની માથાદીઠ આવક અમેરિકાના 200 ડૉલર જેટલી અંદાજવામાં આવી હતી. તેના આધાર પર જે દેશોની માથાદીઠ આવક 200 ડૉલરથી વધારે હતી તેમને વિકસિત દેશો અને જેમની માથાદીઠ આવક 200 ડૉલરથી ઓછી હતી તેમને વિકાસશીલ દેશો ગણવામાં આવ્યા. એ સમયે વિકાસશીલ દેશોને અલ્પવિકસિત કે ઓછા વિકસિત (underdeveloped કે less developed) દેશો તરીકે ઓળખવામાં આવતા હતા, પરંતુ શિષ્ટાચારની રીતે એ શબ્દો યોગ્ય ન જણાતાં એ દેશોને હવે વિકાસશીલ કે વિકસતા (developing) દેશો તરીકે ઓળખવામાં આવે છે. જૂજ અપવાદો બાદ કરતાં બધા વિકસિત (developed) દેશો ઉત્તર ગોળાર્ધમાં અને બધા વિકસતા દેશો દક્ષિણ ગોળાર્ધમાં આવેલા હોવાથી વિકાસશીલ દેશોને દક્ષિણના અને વિકસિત દેશોને ઉત્તરના દેશો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિકસિત દેશોને ઔદ્યોગિક દેશો અને વિકસતા દેશોને કૃષિપ્રધાન દેશો તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

વીસમી સદીના મધ્ય ભાગે વિકસિત દેશોમાં પશ્ચિમ યુરોપના ઇંગ્લૅન્ડ, જર્મની, ફ્રાંસ, બેલ્જિયમ, નૉર્વે, સ્વીડન વગેરે દેશો; અમેરિકા કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને જાપાન વગેરેનો સમાવેશ થતો હતો. એશિયા (જાપાનનો અપવાદ બાદ કરતાં), આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશોનો સમાવેશ વિકાસશીલ દેશોમાં થતો હતો. દુનિયાની લગભગ 75 ટકા વસ્તી વિકાસશીલ દેશોમાં હતી, પરંતુ દુનિયાની આવક(કે દુનિયાના ઉત્પાદન)માં તેમનો હિસ્સો 25 ટકા જેટલો હતો. બીજી બાજુ, દુનિયાની 25 ટકા વસ્તી ધરાવતા દેશો દુનિયાની આવકમાં 75 ટકા હિસ્સો ધરાવતા હતા. આનો અર્થ એ થતો હતો કે જેને ઔદ્યોગિક અને આર્થિક વિકાસ કહેવામાં આવે છે તેનાથી દુનિયાની પોણા ભાગની વસ્તી વંચિત રહી હતી.

જેમને વિકસતા દેશોના વર્ગમાં મૂકવામાં આવ્યા હતા એ દેશોમાં લોકોનું જીવનધોરણ નીચું હતું અને ગરીબી વ્યાપક પ્રમાણમાં પ્રવર્તતી હતી. નિરક્ષરોનું પ્રમાણ મોટાભાગના દેશોમાં 60-70 ટકા કે તેથી પણ વધુ હતું, લોકોનું આરોગ્ય નબળું હતું, બાળમૃત્યુદર 150-200 જેટલો હતો અને લોકોનું સરેરાશ આયુષ્ય 40-45 વર્ષ જેટલું ઓછું હતું. જન્મદર અને મૃત્યુદર બંને ઊંચી સપાટી પર હતા, પરંતુ તબીબી ક્ષેત્રે થયેલી પ્રગતિને કારણે મૃત્યુદર ઝડપથી ઘટતાં અને જન્મદરના ઘટાડાની ગતિ મંદ હોવાથી વસ્તીવૃદ્ધિનો દર ઊંચો હતો અને તે ઝડપથી વધી રહ્યો હતો.

વિકાસશીલ દેશોનો અલ્પ વિકાસ બીજી રીતે પણ જોઈ શકાતો હતો. આ દેશોમાં ઉદ્યોગો અને અન્ય ક્ષેત્રોનો અલ્પ વિકાસ થયો હોવાથી લોકોના મોટાભાગને ખેતીમાં જ જીવનનિર્વાહ ચલાવવો પડતો હતો. લોકોનો 60 ટકા કે તેનાથી વધુ ભાગ ખેતીના ક્ષેત્રે રોકાયેલો હતો. ખેતીના ક્ષેત્રે રોકાયેલા મોટાભાગના લોકો પાસે જમીન બહુ ઓછી હોવાથી અથવા નહિ હોવાથી તેમને ખૂબ ઓછી આવક સાંપડતી હતી. તેથી તેઓ ગરીબીમાં જીવતા હતા. વાહનવ્યવહારની તેમજ સંદેશાવ્યવહારની સગવડો બહુ જ મર્યાદિત હતી. મોટાભાગના ગ્રામીણ વિસ્તારો રસ્તાઓ અને સંદેશાવ્યવહારથી વંચિત હતા. એ જ રીતે વીજળી કેવળ નગરોમાં જ ઉપલબ્ધ હતી, ગ્રામીણ વિસ્તારો માટે વીજળી સ્વપ્નવત્ હતી. ગામડાંઓની ઘણી મોટી સંખ્યા પ્રાથમિક શિક્ષણ અને આરોગ્યસેવાઓની સગવડો ધરાવતી ન હતી. પીવાના ચોખ્ખા અને સલામત પાણીનો પ્રબંધ ગ્રામીણ વિસ્તારોમાં તો નહોતો જ, કેટલાંક નાનાં નગરો પણ એ સેવાથી વંચિત હતાં. ગંદા પાણી અને ગંદકીના નિકાલ માટેના પ્રબંધના અભાવમાં ગંદકી સાર્વત્રિક હતી. આ દેશોમાં લોકોના નબળા આરોગ્ય માટે ઉપર્યુક્ત બે બાબતો ઘણે અંશે જવાબદાર હતી. આ દેશોનો અલ્પ વિકાસ અથવા લોકોની ગરીબી તેમના વસવાટોમાં પણ જોઈ શકાતી હતી. મોટાભાગના લોકોનાં મકાનો નાનાં, કાચાં અને હવા-ઉજાસ વગરનાં હતાં.

આની વિરુદ્ધ, વિકસિત દેશોમાં લોકોનું જીવનધોરણ ઊંચું હતું, તેમને પૂરતો અને પૌદૃષ્ટિક આહાર મળતો હતો, વપરાશની અન્ય ચીજો (વસ્ત્રો, રેડિયો, મોટરવાહનો વગેરે) તેઓ મોટા પ્રમાણમાં વાપરતા હતા, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ સાર્વત્રિક રીતે સુલભ હતી. વસ્તીમાં સાક્ષરતાનું પ્રમાણ 90 ટકા કે તેનાથી અધિક હતું અને લોકો સારું આરોગ્ય ભોગવતા હતા. તેમનું સરેરાશ આયુષ્ય 65 વર્ષ કે તેથી વધુ હતું. જન્મદર અને મૃત્યુદર ઘટીને નીચી સપાટી પર પહોંચી ગયા હતા અને વસ્તીવૃદ્ધિનો વાર્ષિક દર મોટાભાગના વિકસિત દેશો માટે એક ટકા જેટલો હતો. ખેતીની બહાર રોજગારીની વધુ સારી તકો સર્જાયેલી હોવાથી વિકસિત દેશો પૈકી મોટાભાગના દેશોમાં ખેતીના ક્ષેત્રે રોકાયેલા લોકોનું પ્રમાણ દસ ટકાથીયે ઓછું હતું. વીજળી, પરિવહનસેવાઓ, સંદેશાવ્યવહાર પીવા યોગ્ય પાણી વગેરે સાર્વત્રિક રીતે સુલભ હતાં.

1950 પછી વિકાસશીલ દેશો આર્થિક વિકાસ સાધીને લોકોના જીવનધોરણને ઊંચે લઈ જવા માટેના પ્રયાસો કરતા રહ્યા છે. પછીના પાંચ દસકા દરમિયાન, અપેક્ષા રાખી શકાય તે પ્રમાણે, વિભિન્ન વિકાસશીલ દેશોના વિકાસની ગતિ વત્તીઓછી રહી છે. તેથી વિકાસશીલ દેશોને પણ આર્થિક વિકાસની કસોટીના આધાર પર વિવિધ વર્ગોમાં વહેંચવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે. વિશ્વબૅંકના ‘વર્લ્ડ ડિવેલપમેન્ટ રિપૉર્ટ  2004’માં માથાદીઠ આવકના આધાર પર દુનિયાના દેશોને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. 2002ના વર્ષ માટે દુનિયાની સરેરાશ માથાદીઠ આવક 5080 ડૉલર અંદાજવામાં આવી હતી. તેના સંદર્ભમાં દુનિયાના દેશોનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે :

(1) નીચી આવક ધરાવતા અથવા ઓછામાં ઓછા વિકસિત દેશો : જેમની માથાદીઠ આવક 735 ડૉલરથી ઓછી હતી તેવા વિકાસશીલ દેશોનો સમાવેશ આ જૂથમાં કરવામાં આવ્યો છે. આવા દેશોની સંખ્યા 64 છે. તેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ઇન્ડોનેશિયા, કંબોડિયા, ઉત્તર કોરિયા, તાંઝાનિયા, યુગાન્ડા વગેરેનો સમાવેશ થાય છે. આમાં ઇન્ડોનેશિયાની માથાદીઠ આવક 710 ડૉલર, ભારતની 480 ડૉલર; યુગાન્ડાની 250 ડૉલર અને નેપાળની 230 ડૉલર હતી. આ જૂથમાં સમાવિષ્ટ દેશોની સરેરાશ માથાદીઠ આવક 430 ડૉલર હતી.

(2) નીચા સ્તરની મધ્યમ આવક ધરાવતા દેશો : જે દેશોની માથાદીઠ આવક 736 ડૉલરથી 2,935 ડૉલર વચ્ચે હતી તેમને આ વર્ગમાં મૂકવામાં આવ્યા છે. આ દેશોની સંખ્યા 42 છે. તેમાં ચીન, શ્રીલંકા, ફિલિપાઇન્સ, થાઇલૅન્ડ, બ્રાઝિલ, ઇજિપ્ત, ઈરાન, મધ્યપૂર્વના ખનિજ-તેલ ધરાવતા દેશો, કોલંબિયા વગેરેનો સમાવેશ થાય છે. આ જૂથમાં ચીનની માથાદીઠ આવક 940 ડૉલર, શ્રીલંકાની 840 ડૉલર અને બ્રાઝિલની 2,850 ડૉલર હતી. આ જૂથના દેશોની સરેરાશ માથાદીઠ આવક 1,390 ડૉલર હતી.

(3) ઊંચા સ્તરની મધ્યમ આવક ધરાવતા દેશો : જેમની માથાદીઠ આવક 2,936 ડૉલરથી માંડીને 9,075 ડૉલર હતી તેમનો સમાવેશ આ જૂથમાં કરવામાં આવ્યો છે. તેમની સંખ્યા 33 હતી. તેમાં મલેશિયા, હંગેરી, પોલૅન્ડ, આર્જેન્ટિના, ચીલી, મેક્સિકો, સાઉદી અરેબિયા વગેરે દેશોનો સમાવેશ થાય છે. મલેશિયાની માથાદીઠ આવક 3,540 ડૉલર, હંગેરીની 5,280 ડૉલર અને મેક્સિકોની 5,910 ડૉલર હતી. આ જૂથના દેશોની સરેરાશ માથાદીઠ આવક 5,040 ડૉલર હતી.

(4) ઊંચી આવક ધરાવતા દેશો : જેમની માથાદીઠ આવક 9,076 કે તેથી વધુ ડૉલરની હતી તેમને ઊંચી આવક ધરાવતા દેશો ગણવામાં આવ્યા છે. તેમની સંખ્યા 57 હતી. તેમાં પશ્ચિમ યુરોપના દેશો, અમેરિકા, કૅનેડા, જાપાન વગેરે અગાઉના વિકસિત દેશોની સાથે અગાઉના કેટલાક વિકાસશીલ દેશો પણ ઉમેરાયા છે. હૉંગકૉંગ, ઇઝરાયલ, કુવૈત, સિંગાપોર, દક્ષિણ કોરિયા વગેરે તેનાં ઉદાહરણો છે. આમાં દક્ષિણ કોરિયાની માથાદીઠ આવક 9,930 ડૉલર હતી, સિંગાપોરની 20,690 ડૉલર, સ્પેનની 14,430 ડૉલર, જાપાનની 33,550 ડૉલર અને અમેરિકાની 35,060 ડૉલર હતી. આ દેશોની સરેરાશ માથાદીઠ આવક 26,310 ડૉલર હતી.

ઉપર આપેલી વિગતોમાંથી એ સ્પષ્ટ થાય છે કે વીતેલા પાંચ દસકા દરમિયાન વિકાસશીલ દેશોમાં સધાયેલા વિકાસની અસમાનતાને કારણે હવે વિકાસશીલ દેશો વચ્ચે કેવળ માથાદીઠ આવકની બાબતમાં જ નહિ, વિકાસના અન્ય નિર્દેશકોની બાબતમાં પણ ભારે અસમાનતા ઊપસી આવી છે. ઉદાહરણ રૂપે અહીં માત્ર બે નિર્દેશકો લઈશું. એક નિર્દેશક વસ્તીમાં સાક્ષરતાનું પ્રમાણ છે. 2001માં સિંગાપોરમાં સાક્ષરતાનું પ્રમાણ 92.5 ટકા, દક્ષિણ કોરિયામાં 97.9 ટકા અને ચીનમાં 85.8 ટકા હતું, ત્યારે ભારતમાં તે 58 ટકા, બાંગ્લાદેશમાં 40.6 ટકા અને યુગાન્ડામાં 68 ટકા હતું.

બીજો નિર્દેશક લોકોના સરેરાશ આયુષ્યનો છે. મેક્સિકોમાં લોકોનું સરેરાશ આયુષ્ય 73.1 વર્ષનું, દક્ષિણ કોરિયામાં 75.2 વર્ષનું અને ચીનમાં 70.4 વર્ષનું હતું. તેની તુલનામાં રવાન્ડામાં તે 38.2 વર્ષનું, કૅન્યામાં 46.4 વર્ષનું અને ભારતમાં 63.3 વર્ષનું હતું.

વિકાસશીલ દેશો વચ્ચેની આર્થિક અસમાનતા વધી હોવાથી, જ્યાં આર્થિક હિતોના પ્રશ્નો આવે છે એવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં તેઓ હવે એકજૂથ તરીકે પોતાનો અવાજ રજૂ કરી શકતા નથી. એ જ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે જે આર્થિક સહાય આપવામાં આવે છે તેને નીચી આવક ધરાવતા વિકાસશીલ દેશો પૂરતી સીમિત રાખવામાં આવે છે.

રમેશ શાહ