વાદળ (clouds) : હવામાનની જે બધી ઘટનાઓ ઘટે છે તેમાં વાદળાંની ઘટના ખૂબ કૌતુકસભર છે. વાદળાં સુંદર અને મનોરંજક લાગવા ઉપરાંત તે હવામાનની પરિસ્થિતિ અંગે ઉપયોગી સૂચનો પૂરાં પાડે છે અને દુનિયાભરના હવામાન-નિરીક્ષકો તેનું નિયમિત સર્વેક્ષણ (મૉનિટરિંગ) કરે છે. વાદળાંના પ્રકારો, તેમની ઊંચાઈ અને ઍક્ટાસ(અષ્ટક)માં મપાતી તેમની આકાશમાંની વ્યાપકતા વગેરેનાં નિરીક્ષણો સામાન્ય રીતે કરવામાં આવે છે. વાદળાંની વર્ષાક્ષમતા (rainfall potential) તારવવા માટે ઉપગ્રહનાં દૃશ્ય સાધનોનો ઇન્ફ્રારેડ અને માઇક્રોવેવ બૅન્ડ્ઝ વગેરેનો મોટા પાયે ઉપયોગ થાય છે. વાદળાં પૃથ્વીના વાતાવરણતંત્ર(earth atmosphere system)માં વિકિરણીય સમતુલા નક્કી કરવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.

વાદળ

પૃથ્વીની સપાટી ઉપર 70 % ફેલાયેલો પાણીનો જથ્થો એ વાદળાંઓનું ઉદભવસ્થાન છે. દરરોજ મહાસાગરો, નદીઓ, સરોવરોમાંથી લાખો ટન પાણીનું હવામાં બાષ્પીભવન થાય છે. પાણીની વરાળ હવામાં ઊંચે જતાં વાદળાં બંધાય છે; દબાણ ઘટતાં વાદળાં વિસ્તરણ પામે છે અને તેમ થતાં વરાળ જામી જઈ શ્યમાન સૂક્ષ્મ કણોનાં જૂથ-એરોઝોલ (ડસ્ટ પાર્ટિકલ્સ) (Arosols) કણોની હાજરીમાં ઠંડી પડે છે અને વાદળાં ઠંડા પડે છે. મોટેભાગે ઊર્ધ્વગામી પ્રકારની ગતિ વાદળાંની પ્રકૃતિ નક્કી કરી આપે છે. વાદળાંનું સર્જન કરતી ભેજવાળી હવાનું ઊર્ધ્વગમન ચાર રીતે થાય છે :

1. પર્વતીય (orographic) ચઢાણ/ઊર્ધ્વગમન : પર્વત કે ડુંગરાની આડને કારણે હવાને ઉપર તરફ ચઢવા માટે બળ મળે છે, તેને પર્વતીય ચઢાણ કે ઊર્ધ્વગમન કહે છે.

2. સંવહની ચઢાણ / ઊર્ધ્વગમન : પૃથ્વીની સપાટી ઉપર ગરમ થયેલી હવા ઉષ્માપ્રવાહ (thermal current) રૂપે અધ્ધર ચઢે છે, તેને સંવહની ઊર્ધ્વગમન (convectivelifting) કહે છે.

3. વ્યાપક ચઢાણ/ઊર્ધ્વગમન : હવાના જથ્થા વચ્ચેની આંતરક્રિયા કે વાદળયુક્ત હવાના જથ્થાના હલનચલનને કારણે ઉષ્માભરી હવા ઊંચે ચઢે છે. તેને વ્યાપક કે વિસ્તૃત ઊર્ધ્વગમન કહે છે.

4. યાંત્રિક (અપૂર્ણાંકીય) પ્રક્ષુબ્ધ અપરૂપણી પ્રવાહ : જ્યારે હવાનાં મોજાં જેમ પૃથ્વીની સપાટી ઉપર ફેલાતાં જાય, તેમ તેમ તેઓ શ્રેણીબદ્ધ અર્ધ મંડલકો(deeies)માં વિકૃત (deformed) થાય છે. આને ક્ષોભસીમા (tropopause) યાંત્રિક મંડલકો (અપૂર્ણાંકીય) પ્રક્ષુબ્ધતા કહે છે.

વાદળાંના ઉદભવના સ્તરની ઊંચાઈ મુજબ ચીલાચાલુ રીતે (by convention) વાદળાં ચાર કુળોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ સ્તરોની મર્યાદા કાંઈક અંશે ઉષ્ણકટિબંધ પ્રદેશ, સમશીતોષ્ણ પ્રદેશના અક્ષાંશો અને ધ્રુવ પ્રદેશોમાં કાંઈક અંશે ભિન્ન છે. આ સ્તરો સપાટીથી ક્ષોભસીમા(tropopause)માં ઉદભવે છે, જે નીચે

મુજબ છે :

સ્તરનો ઉદભવ

પ્રકાર ઉષ્ણકટિબંધ મધ્ય અક્ષાંશ ધ્રુવ પ્રદેશ
નિમ્ન 0-2 km 0-2 km 0-2 km
મધ્યમ 2-8 km 2-7 km 2-4 km
ઉચ્ચ 6-18 km 5-12 km 3-8 km
વાદળાં : તલ : 05-2 km

ટોચ

0.5-2 km 0.5-2 km
આયામ
વિસ્તાર 10-12 km 5-8 km

પરંપરા મુજબ વાદળોને લૅટિન નામો આપવામાં આવે છે, જે તેમની લાક્ષણિકતાઓનું વર્ણન આપે છે; જેમ કે :

ઢગ વાદળ (cumulus), સંવહની (convective) વાદળો, સ્તરી મેઘ (stratus), સ્તરીય વાદળો, તંતુ વાદળ (cirrus) રોમ કે તંતુમય વાદળો, વર્ષા મેઘ (nimbus) – વર્ષાસભર વાદળો વગેરે.

જે કોઈ વાદળ જમીનને સ્પર્શતું હોય તેને સામાન્ય રીતે ધુમ્મસ (fog) કહે છે. બધાં જ વાદળાં સફેદ દેખાય છે, પરંતુ જમીન ઉપરથી જોતાં કેટલાંક વાદળો તેની ગહનતા કે ઉપલા વાદળના છાંયડાથી ભૂખરાં કે કાળાં દેખાય છે.

ઉપગ્રહનાં ચિત્રો વાદળોની ભેદદર્શક વિશિષ્ટતાઓ દર્શાવે છે અને તેનો ઉપયોગ વરસાદની આગાહી કરવા માટે ખૂબ થાય છે.

સમસ્ત જગતમાં હવામાનગત તોફાનોની તીવ્રતા અને સ્થાનોનો અંદાજ કાઢવા માટે ઉપગ્રહની તસવીરોની રસપ્રદ જાણકારી સંક્રિયાત્મક દૃષ્ટિકોણથી મેળવાય છે. પ્રલયકારી ઉષ્ણકટિબંધના ચક્રવાતો(cyclones)થી જોડાયેલા કુંતલાકાર વાદળની રચના જે ઉપગ્રહની તસવીરોમાં દેખાય છે તે સંક્રિયાત્મક દૃષ્ટિકોણથી સમસ્ત જગતમાં હવામાનગત તોફાનોની પ્રબળતા અને સ્થાન અનુમાનિત કરવા વપરાય છે. કેટલીક હકીકતો/જાણકારી હવામાનગત આપત્તિઓ અંગે મહત્વનો ઘટક (component) છે. આપેલા કોઈ પણ એક સમયે લગભગ પૃથ્વીની અર્ધી સપાટી, ખાસ કરીને ઉષ્ણકટિબંધમાં, વાદળો વડે છવાયેલી રહે છે.

એમ. એસ. નારાયણ, બી. એન. રાવ, અનુ. રા. ય. ગુપ્તે