વર્મા, શિવેન્દ્ર કિશોર

January, 2005

વર્મા, શિવેન્દ્ર કિશોર (જ. 29 જુલાઈ 1931, પટણા, બિહાર) : અંગ્રેજી અને હિંદીના પંડિત  ભાષાશાસ્ત્રી. તેમણે પટણા યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. અને એડિનબરો યુનિવર્સિટીમાંથી ભાષાશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી. 1951થી 1966 સુધી તેમણે પટણા યુનિવર્સિટી, બિહાર ખાતે અંગ્રેજી વિભાગના અધ્યાપક અને રીડર તરીકે અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ 1967-90 દરમિયાન હૈદરાબાદ ખાતે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇંગ્લિશ ઍન્ડ ફૉરિન લૅંગ્વિજિઝમાં તેઓ ભાષાશાસ્ત્ર અને અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા. 1982માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટી, અમેરિકામાં સાયન્સ સેન્ટરના ફેલો નિમાયા. 1983-84 દરમિયાન સિંગાપુરની નૅશનલ યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક અને 1985થી 1991 સુધી હૈદરાબાદ ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઑવ્ ઇંગ્લિશ ઍન્ડ ફૉરિન લૅંગ્વિજિઝના નિયામકપદે તથા 1994-95માં તેઓ કાઉન્સિલ ઑવ્ ધી એસોસિયેશન ઑવ્ કૉમનવેલ્થ યુનિવર્સિટિઝ, લંડનના સભ્ય હતા.

તેમણે અંગ્રેજી તેમજ હિંદી એમ બંને ભાષામાં 11 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કરન્ટ ટ્રેન્ડ્ઝ ઇન લિંગ્વિસ્ટિક્સ ઍન્ડ ધ ટીચિંગ ઑવ્ હિંદી ઍઝ અ સેક્ધડ લૅંગ્વિજ’ (1973); ‘લર્નિગ ઇંગ્લિશ : અ બુક ઑવ્ ગ્રામર ઍન્ડ યુસેઝ’ (1974); ‘ઍસ્પેક્ટસ્ ઑવ્ ઇંગ્લિશ લૅંગ્વિજ ટીચિંગ’ (1993); ‘હોરાઇઝન્સ ઇન ફંક્શનલ લિંગ્વિસ્ટિક્સ (1993); ‘ઇંગ્લિશ ઇન મલ્ટિલિંગ્વલ ઇંડિયા’ (1994); ‘સર્ટન ઍસ્પેક્ટસ્ ઑવ્ લૅંગ્વિજ’ (1995); ‘લૅંગ્વિજ ઇન એજ્યુકેશન’ (1995) અને ‘પેડ (PED) ઇંગ્લિશ-હિંદી ડિક્શનરી’ (1977) ઉલ્લેખનીય છે.

તેમણે યુ. કે., રશિયા, યુ.એસ., ઑસ્ટ્રેલિયા, સિંગાપુર, બોત્સ્વાના, ચેકોસ્લોવૅકિયા વગેરે દેશોનો પ્રવાસ ખેડ્યો છે.

તેમને 1949માં દુર્ગાવતી મેમૉરિયલ પ્રાઇઝ તથા ગેટ ઇંગ્લિશ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. 1988માં તેમને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા બેસ્ટ ટીચર ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામયિકોમાં પોતાના સ્વાધ્યાયપત્રો – શોધપત્રો પ્રગટ કર્યાં છે.

બળદેવભાઈ કનીજિયા