વનાંચલ (1967) : કવિ જયંત પાઠકની સ્મૃતિકથા. બાર પ્રકરણોમાં વિસ્તરેલી આ સ્મૃતિકથામાં પૂર્વ પંચમહાલમાં આવેલા પોતાના વતન અને આસપાસના પ્રદેશના પ્રાકૃતિક, ભૌગોલિક તેમજ સામાજિક-સાંસ્કૃતિક પરિવેશનું આલેખન છે. આ સ્મરણકથામાં લેખક, તેમનો પરિવાર ઉપરાંત મિત્રવર્તુળ તો છે, પરંતુ કથાના કેન્દ્રમાં તેમનું ગામ ગોઠ, તેની નદી, જંગલ-વનરાજિ, ખેતરો અને આદિવાસી લોકસમૂહ અને તે સાથે સંલગ્ન તેમનું બાળપણ છે. સ્મરણકથાની વિશેષતા એ છે કે મુગ્ધ બાળકે અનુભવેલું અને સંવેદેલું ભાવવિશ્વ સ્વાભાવિકતયા આલેખાયું છે, તેથી આ સ્મૃતિકથાની શૈલી વિશિષ્ટ પ્રકારની છે. સાડાત્રણ દાયકા પછી લેખક ફરી વતનમાં જાય છે ત્યારે શિશુજીવનમાં અનુભવેલી અને માણેલી રોમાંચક સૃદૃષ્ટિ ધરમૂળથી બદલાયેલી લાગે છે અને ત્યાં આધુનિક સભ્યતાએ પગપેસારો કરતાં લેખક પોતાના જ વતનમાં પરાયાપણાનો – અજાણ્યાપણાનો ભાવ અનુભવે છે તેનું વિષાદભર્યું આલેખન થયું છે. આ સ્મૃતિકથામાં લેખકના શૈશવનાં સ્મરણોની સાથે સાથે તે પ્રદેશની ખાસિયતો, ગામની નદી, ડુંગર-ભેખડ-કોતર, થાણું – તેના અમલદારો, જંગલ-ઝાડી, પશુ-પક્ષીસૃદૃષ્ટિ તેમજ વતનની આદિવાસી પ્રજાની ગરીબી, વહેમ-અંધશ્રદ્ધા, અજ્ઞાન, લાચારી, ભૂખમરો, આદિવાસીઓ પર થતા જુલમો, તેમની ઈમાનદારી, સુખદુ:ખ વગેરેનું રોચક અને કાવ્યાત્મક શૈલીએ આલેખન થયું હોવાથી કૃતિનું ગદ્ય આસ્વાદ્ય બન્યું છે. ગુજરાતના પૂર્વ સીમાડાના જાનપદી જીવનના આલેખન લેખે પણ આ સ્મરણકથા ગુજરાતી સાહિત્યમાં અલગ ભાત પાડે છે.

અમૃત ચૌધરી