વત્સ, રાકેશ (જ. 13 ઑક્ટોબર 1941, નાભા, જિ. પતિયાળા, પંજાબ) : હિંદી લેખક. તેમણે એમ.એ.ની પદવી મેળવ્યા બાદ અધ્યાપન તેમજ લેખનકાર્ય કર્યું.

તેમણે તેમની માતૃભાષા પંજાબી હોવા છતાં અત્યાર સુધીમાં હિંદીમાં 16 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘જંગલ કે આસપાસ’ (1982); ‘સપનરાગ’ (1987); ‘નારદંશ’ (1994) એ લોકપ્રિય નવલકથાઓ છે. ‘અતિરિક્ત’ (1972); ‘અંતિમ પ્રજાપતિ’ (1975); ‘અભિયુક્ત’ (1979); ‘એક બુદ્ધ ઔર’ (1986); ‘ઇન હાલાત મેં’ (1996)  એ તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે. ‘મુઝે યકીન હૈ’ (1996) એ તેમનો કાવ્યસંગ્રહ છે, જ્યારે ‘યથા રાજા’ તેમનું ઉલ્લેખનીય નાટક છે.

તેમને ઉપર્યુક્ત પ્રદાન બદલ 1970-71માં સેન્ટ્રલ હિંદી ડિરેક્ટોરેટ ઍવૉર્ડ; 1973-74માં હરિયાણા સાહિત્ય અકાદમી ઍવૉર્ડ તથા 1975-76માં ભાષાવિભાગ, પંજાબના ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા