વણીકર, વિ. એ. (જ. 16 ડિસેમ્બર 1915, પેટલાદ, જિ. આણંદ; અ. 31 ઑક્ટોબર 1988, ડાંગ પ્રદેશ) : નિષ્ઠાવાન હિંદુત્વવાદી સામાજિક કાર્યકર અને જાણીતા રોગનિદાનશાસ્ત્રજ્ઞ. આખું નામ વિશ્વનાથ અનંત વણીકર. મૂળ વતન નાશિક (મહારાષ્ટ્ર). એમના પિતા મિકૅનિકલ એન્જિનિયર હતા. નાશિકથી અમદાવાદ તેઓ પરિવાર સાથે આવ્યા. વિશ્વનાથનો પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ અમદાવાદમાં થયો. વ્યાયામનો શોખ હોવાથી અખાડામાં કુસ્તી કરવા નિયમિત જતા. બાળપણથી જુવાની સુધી એમણે પોતાના શરીરને કેળવેલું હતું. માતા-પિતાના સંસ્કાર એમની આજીવન મૂડી રહ્યા હતા. રમતિયાળ સ્વભાવના એક ભત્રીજાના શિક્ષણની જવાબદારી એમના કાકા કેળવણીકાર આચાર્ય વિ. સ. વણીકરે ઉપાડી લીધી. વિશ્વનાથ મૅટ્રિકની પરીક્ષામાં પાસ થતાં તેમના કાકા એમને મુંબઈ લઈ ગયા અને મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં દાખલ કરાવ્યા. 1936માં એઓ એમ.બી.બી.એસ. થયા અને એ પછી કોલકાતા ગયા અને ત્યાંની મેડિકલ કૉલેજમાંથી ‘ડિપ્લોમા ઇન ટ્રૉપિકલ મેડિસિન’(D.T.M.)ની ડિગ્રી પ્રાપ્ત કરી.

તેમનાં લગ્ન એ સમયના વડોદરા રાજ્યના એકાઉન્ટન્ટ-જનરલ રઘુનાથરાવ રાયરીકરનાં પુત્રી ઉષા સાથે 1941માં થયાં. તેમની ઇચ્છા સર્જ્યન બનવાની હતી, પરંતુ એ દિવસોમાં આઝાદીની વિકસતી જતી ચળવળનો એમને રંગ લાગ્યો. પિતાજીએ ક્રાંતિવીર સાવરકરને અમદાવાદ ખાતે બેત્રણ વખત આશ્રય આપેલો, જેનો પત્રવ્યવહાર ડૉ. વણીકર મુંબઈમાં રહી કરતા. આ વાતની ગંધ ગ્રાન્ટ મેડિકલ કૉલેજના સંચાલકોને આવી જતાં ત્યાં રહી અભ્યાસ કરતા ડૉ. વણીકરનું ‘સર્જ્યન’ થવાનું સ્વપ્ન રોળાઈ ગયું અને એઓ વધુ અભ્યાસ માટે 1944માં ઇન્ગ્લૅન્ડ ગયા, જ્યાં તેઓ ત્યાંની વિખ્યાત હૅમરસ્મિથ હૉસ્પિટલમાં દાખલ થયા. આ સમયે યુરોપમાં બીજું વિશ્વયુદ્ધ (1939-45) ચાલુ હતું. ડૉ. વણીકરને વિશ્વવિખ્યાત ડૉક્ટરો ડાઇબલ અને ડેસીના માર્ગદર્શન નીચે અભ્યાસ કરવાનું સદભાગ્ય મળ્યું. એવા ડૉક્ટરોના માર્ગદર્શન નીચે ‘ડિપ્લોમા ઇન ક્લિનિકલ પૅથૉલોજી’ મેળવી ભારતમાં પાછા આવ્યા અને અમદાવાદમાં પોતાની પ્રયોગશાળા શરૂ કરી, જે આ ક્ષેત્રોમાંની અમદાવાદની પહેલી લૅબોરેટરી હતી. અહીં વિક્રમ સારાભાઈ જેવા દિગ્ગજોથી લઈ નાનામાં નાના દર્દીઓની તપાસ કરવાની તેમને તક મળી. શરૂઆતથી જ ગરીબ દર્દીઓ પાસેથી નામની ફી લેવાનો દૃઢ નિશ્ર્ચય તેમણે કર્યો હતો.

હૃદયમાં રાષ્ટ્રભાવના ભરેલી હોવાને કારણે સાથોસાથ ‘જનસંઘ’માં પણ જોડાયા. એમની નિપુણતાની કદર કરવા સારુ તેમની લેબૉરેટરી બંધ કરાવી ડૉ. નાનુભાઈ દેસાઈએ એમને મણિનગરની શેઠ લ. ગો. જનરલ હૉસ્પિટલમાં નોકરી આપી. ડૉ. વણીકરે 18 વર્ષ આ હૉસ્પિટલમાં સેવા આપી.

બેશક, હૃદયમાં રાષ્ટ્રભાવના ઘર કરી બેઠેલી તેથી એમણે હૉસ્પિટલની નોકરી છોડી અને રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘના એક સેવક તરીકે પોતાના સેવાકાર્યનો વ્યાપ વધાર્યો. એમણે 1965માં અમદાવાદ ઍસોસિયેશન ઑવ્ પ્રૅક્ટિસિંગ પેથૉલોજિસ્ટ્સ નામની સંસ્થા સ્થાપી.

એમના હૃદયમાં રહેલી હિંદુત્વની ભાવના આ પહેલાં જ વિકસેલી હતી. સન 1964ની જન્માષ્ટમીના ત્રણ દિવસોમાં ભારતના અગ્રગણ્ય હિંદુ આગેવાનોએ મળીને મુંબઈમાં અંધેરી નજીકના ચિન્મયાનંદજીના આશ્રમમાં ‘વિશ્વ હિંદુ પરિષદ’ની સ્થાપના કરી ત્યારે ગુજરાત પ્રદેશની શાખાને વિકસાવવાની જવાબદારી એમને સોંપાઈ.

હિંદુ ધર્મમાંથી ધર્માંતર કરીને અન્ય ધર્મોમાં દાખલ થયેલા લોકોને ફરી હિંદુ ધર્મમાં પાછા લાવવાની ઝુંબેશમાં તેઓ અગ્રણી હતા. આ કામ માટે તેઓ ડાંગની મુલાકાતે ગયા હતા. ત્યાંથી પાછા આવતાં માર્ગ અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું.

કે. કા. શાસ્ત્રી