લ્યૂના અંતરીક્ષયાન : ચંદ્રનાં વિવિધ અન્વેષણો માટે 1959થી 1973 દરમિયાન તત્કાલીન સોવિયેત રશિયાએ પ્રક્ષેપિત કરેલાં માનવવિહીન અંતરીક્ષયાનોની શ્રેણીનું અંતરીક્ષયાન. લ્યૂના (અથવા લૂના) અંતરીક્ષયાનને લ્યૂનિક અથવા Mechta નામ પણ આપવામાં આવ્યાં હતાં. (Lunar અને Sputnik શબ્દો જોડીને Lunik શબ્દ બનાવવામાં આવ્યો છે.) લ્યૂના અંતરીક્ષયાનોની મદદથી કરવામાં આવેલાં ચંદ્રનાં વિવિધ પ્રકારનાં અન્વેષણોની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે :

ચંદ્ર પર મોકલવામાં આવેલું પ્રથમ લ્યૂના 1 અવકાશયાન

2 જાન્યુઆરી 1959ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવેલા લ્યૂના 1ને પલાયન ગતિ (escape velocity) આપવામાં આવી હતી, જેથી તે સૂર્યની પ્રદક્ષિણા કરતી કક્ષામાં મુકાયું હતું. આ કક્ષામાં તે યાન ચંદ્રથી 5,000થી 6,000 કિમી.ના અંતર સુધી જઈ શકતું હતું. ત્યારપછી 14 સપ્ટેમ્બર 1959ના રોજ પ્રક્ષેપિત થયેલું લ્યૂના 2 અંતરીક્ષયાન ચંદ્રની સપાટી પર અથડાયું હતું. આમ લ્યૂના 2 ચંદ્ર પર પહોંચેલું  પ્રથમ માનવસર્જિત અંતરીક્ષયાન હતું.

4 ઑક્ટોબર 1959ના રોજ પ્રક્ષેપિત કરાયેલા લ્યૂના 3 અંતરીક્ષયાનને ચંદ્રની પ્રદક્ષિણા કરતી કક્ષામાં મૂકવામાં આવ્યું હતું. લ્યૂના 3ના ટેલિવિઝન કૅમેરા વડે ચંદ્રની ગોપિત રહેતી પાછળની સપાટીની તસવીર સૌપ્રથમ મળી હતી. ત્યારપછીનાં લ્યૂના 4, 5, 6, 7, 8 અને લ્યૂના 9 અંતરીક્ષયાનોને ધીમી ગતિથી ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યાં હતાં. આ અંતરીક્ષયાનોનાં સ્વયંચાલિત ઉપકરણો વડે ચંદ્રની ધરતીનાં પથ્થર અને ધૂળનાં વૈજ્ઞાનિક પરીક્ષણો કરવામાં આવ્યાં હતાં તથા ટેલિવિઝન કૅમેરા વડે ચંદ્રની ધરતીની ઘણી તસવીરો મેળવવામાં આવી હતી.

ત્યારપછીનાં કેટલાંક લ્યૂના અંતરીક્ષયાનોને ચંદ્રની પ્રદક્ષિણા કરતી કક્ષામાં મૂકવામાં આવ્યાં હતાં અને તેમની મદદથી ચંદ્રની લગભગ સમગ્ર સપાટીની સંખ્યાબંધ ટેલિવિઝન તસવીરો મેળવવામાં આવી હતી.

12 સપ્ટેમ્બર 1970ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવેલું લ્યૂના 16 ધીમી ગતિથી ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવ્યું હતું. તેનાં સાધનો વડે ચંદ્રના પથ્થર અને ધૂળના 100 ગ્રામ વજનના નમૂના એકઠા કરીને પૃથ્વી પર લાવવામાં આવ્યા હતા.

10 નવેમ્બર 1970ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવેલા લ્યૂના 17માં  મૂકેલી લ્યૂનોખોદ 1 (Lunokhod 1) નામની પૈડાંવાળી ગાડીને ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવી હતી, અને તેને ભૂમિ પરથી સંચાલિત કરીને ચંદ્રની સપાટી પર લગભગ 10 કિમી.ના વિસ્તારમાં ફેરવવામાં આવી હતી. લગભગ 322 દિવસો સુધી આ રીતે લ્યૂનોખોદ 1 દ્વારા ચંદ્રની ધરતીનું વિગતથી અન્વેષણ કરવામાં આવ્યું હતું.

ત્યારપછીના લ્યૂના 20 દ્વારા બીજી વખત ચંદ્રની સપાટી પરનાં પથ્થર અને ધૂળના નમૂના એકઠા કરીને પૃથ્વી પર લાવવામાં આવ્યા હતા. આ નમૂનામાંથી કેટલાક અન્ય દેશોને વૈજ્ઞાનિક પરીક્ષણ માટે આપવામાં આવ્યા હતા, તથા અમેરિકાએ એપૉલો સ-માનવ કાર્યક્રમ દ્વારા મેળવેલ એ જ પ્રકારના નમૂના સાથે તેની અદલાબદલી (વિનિમય) કરવામાં આવી હતી. ત્યારપછીના લ્યૂના 21માં લઈ જવામાં આવેલી લ્યૂનોખોદ  2 નામની ગાડીને ચંદ્રની ધરતી પરના 37 કિમી.ના વિસ્તારમાં ફેરવવામાં આવી હતી અને ધરતીનું અન્વેષણ કરવામાં આવ્યું હતું.

પરંતપ પાઠક