લોસા, મારિયો વર્ગાસ (Llosa, Mario Vargas)

January, 2005

લોસા, મારિયો વર્ગાસ (Llosa, Mario Vargas) (જ. 28 માર્ચ 1936, એરેક્વિપા, પેરુ અ.–) : પેરુવિઅન સ્પૅનિશ લેખક. લૅટિન અમેરિકાના અત્યંત મહત્વના નવલકથાકાર, નિબંધકાર અને નાટ્યકાર. 2010માં તેમને તેમની સમર્થ રચનાઓની આલેખનકલા અને માણસની પ્રતિકારશક્તિ, બળવો અને હારની આવેશપૂર્ણ કલ્પનાઓ માટે સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયો.

મારિયો વર્ગાસ લોસા

મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા મારિયો વર્ગાસ લોસાનું બાળપણ પેરુના ઉત્તર કોચામ્બા, બોલિવિયામાં વીત્યું. ત્યાં જ તેમણે પ્રારંભિક શિક્ષણ મેળવ્યું. 1950માં તેમણે લિમાની લશ્કરી શાળા – લીઑન્સિઓ પ્રાદોમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે લિમાની યુનિવર્સિટી ઑવ્ સાન માર્કોસમાં અભ્યાસ કર્યો. તેમની પ્રથમ પ્રકાશિત કૃતિ ‘The Escape of the Inca’(1952) એ ત્રિ-અંકી નાટક હતું. ત્યારપછી ‘પેરુવિઅન લીટરરી રીવ્યૂઝ’માં તેમની વાર્તાઓ પ્રકાશિત થવા લાગી. તેઓ ‘Composition Book’ (1956–57) અને  ‘Literatura’ (1958–59)ના સહસંપાદક હતા. તેઓ પત્રકાર અને પ્રસારક હતા. એ પછી તેઓ યુનિવર્સિટી ઑવ્ માડ્રિડમાં રહ્યાં. 1959માં તેઓ પૅરિસ ગયા. 1966 સુધી ત્યાં રહ્યા.

વર્ગાસ લોસાની પ્રથમ નવલકથા ‘The City and the Dogs’ (1963). 1985માં સ્પેનિશમાં તેનું ફિલ્માંકન થયેલું. તેનો અંગ્રેજી અનુવાદ ‘The Time of the Hero’ નામે થયેલો. તે ખૂબ વખણાયેલી. આ નવલકથાના 12થી વધારે ભાષામાં અનુવાદો થયા છે. આ નવલકથા લીઑન્સિઓ પ્રાદોમાં લખાયેલી. જેમાં પ્રતિકૂળ અને હિંસક વાતાવરણમાં અસ્તિત્વ માટે ઝઝૂમતી કિશોરીનું વર્ણન છે. આ નવલકથાનું રશિયનમાં 1986માં બીજી વાર ‘Yaguar’ નામે ફિલ્માંકન થયું હતું. તેમની મહત્વની નવલકથા ‘The Green House’ (1966) પેરુવિયન જંગલના સંદર્ભમાં લખાયેલી છે. તેમાં પૌરાણિક કથાવસ્તુ, વિખ્યાત, ઉત્કૃષ્ટ વીરતાના સમન્વય સાથે પાત્રોની કરુણતા, અધમતા અને ક્ષણભંગુર વાસ્તવિકતાનું નિરૂપણ કરવામાં આવેલું છે. ‘The Cubs and Other Stories’(1967) લખી તેની ‘The Cubs’ નામે 1973માં ફિલ્મ બની હતી. તેમાં  યુવાવસ્થાનું મનોવૈજ્ઞાનિક આલેખન છે. આ ઉપરાંત તેમણે ‘Conversation in the Cathedral’ (1969) તેમજ ‘Pantaleon and the Visitors’ (1973) નવલકથા લખી છે જેમાં પેરુવિયન લશ્કર અને ધાર્મિક કલ્પનાઓ વિશે વ્યંગ છે. તેમણે તેમની આંશિક જીવનચરિત્રાત્મક નવલકથા ‘Aunt Julia and the Scriptwriter’(1977)માં લખી જેનું 1990માં ‘Tune in Tomorrow’ નામે ફિલ્માંકન થયેલું.

વર્ગાસ લોસાએ નવલકથાના વિવેચનો પણ કર્યાં છે. તેમના વિવેચનાત્મક નિબંધોના સંગ્રહનો અંગ્રેજી અનુવાદ 1978માં પ્રકાશિત થયો છે. જેમ કે, ‘The War of the End of the World’નું સ્પૅનિશ ભાષી દેશોમાં ખૂબ વેચાણ થયેલું. તેમનાં ત્રણ સ્પૅનિશ નાટકો અંગ્રેજી ભાષામાં Three Plays (1990) શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલાં.

લંડન છોડ્યા પછી તેઓ 1969માં વૉશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીમાં a – Writer – in residence હતા. 1970માં તેઓ બારસેલોનામાં સ્થાયી થયેલા. 1974માં તેઓ લિમામાં પાછા ફર્યા. તેઓ વ્યાખ્યાનો આપતા તથા શૈક્ષણિક કાર્યો પણ કરતા રહ્યા.

1990માં વર્ગાસ લોસા પેરુના રાષ્ટ્રપતિપદના અસફળ ઉમેદવાર રહ્યા હતા. તેમણે તેમના એ અનુભવો
‘A Fish in the Water’ (1993) નામે પ્રગટ કર્યા છે. 1993માં તેઓ સ્પેનના નાગરિક બન્યા. નવું નાગરિકત્વ પ્રાપ્ત કર્યા પછી પણ તેઓ પેરુ વિશે લખતા રહ્યા. તેમની નવલકથાઓમાં એ પ્રતિબિંબિત થાય છે; જેમકે, ‘The Notbooks of Don Rigobert’ (1997), ‘The Feast of the Goat’ (2000), ‘The Way to Paradise’ (2003), ‘The Bad Girl’ (2006), ‘The Neighborhood’ (2006), ‘The Dream of the Cett’ (2010), ‘The Discreet Hero’ (2013), ‘Fierce Times’ (2019) વગેરે.

આ ઉપરાંત વર્ગાસ લોસાએ નવલકથા, નિબંધો, નાટકો સિવાયના ક્ષેત્રે પણ કલમ ચલાવી છે જેમ કે, ‘Letters to a Young Novelist’ (1997), ‘The Civilization of Entertainment’ (2012), ‘My Intellectual Journey’ (2014), ‘The Call of the Tribe’ (2018) વગેરે. વર્ગાસ લોસાએ 2015માં મેડ્રિડમાં ‘Tales of the Plague’માં અભિનય પણ કરેલો.

ઊર્મિલા ઠાકર