લોકસ્વીકૃતિ (લેજિટિમસી), રાજ્યપ્રથાની

January, 2005

લોકસ્વીકૃતિ (લેજિટિમસી), રાજ્યપ્રથાની : રાજકીય વ્યવસ્થામાં રહેલા ઔચિત્યનો સ્વીકાર. જે રાજ્યપ્રથાને લોકો યોગ્ય, સાચી અથવા ઉચિત ગણતા હોય અને તેથી તેનો સ્વીકાર કરતા હોય તે રાજ્યપ્રથા લોકસ્વીકૃતિ (લેજિટિમસી) ધરાવે છે એમ સામાન્ય રીતે કહી શકાય. જુદી જુદી પરિસ્થિતિઓમાં, જુદાં જુદાં ક્ષેત્રોમાં, જુદી જુદી રીતે અને વિવિધ અર્થોમાં આ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે; તેથી તેની કોઈ ચોક્કસ અને સર્વમાન્ય વ્યાખ્યા કે સમજૂતી આપવાનું મુશ્કેલ છે. અત્રે રાજકીય પક્ષોના સંદર્ભમાં આ ખ્યાલને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

રાજકીય પ્રથાની લોકસ્વીકૃતિનો ખ્યાલ બદલાતો રહ્યો છે. પ્રજાજનો રાજ્યમાં કેમ રહે છે અને રાજ્યની આજ્ઞાઓ(કાયદા)નું કેમ પાલન કરે છે એ ખ્યાલ કંઈક અંશે લોકસ્વીકૃતિ સાથે સંકળાયેલો છે. રાજ્યશાસ્ત્રીઓએ એની ચર્ચા રાજ્યની ઉત્પત્તિ અથવા રાજકીય આજ્ઞાધીનતા(obedience)ના સિદ્ધાંતો તરીકે કરી છે. રાજા દેવાંશી છે અથવા રાજા આ જગતમાં ઈશ્વરનો પ્રતિનિધિ છે, એટલે એની આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ એવો ખ્યાલ ઠીક ઠીક લાંબા સમય સુધી પ્રચલિત અને લોકસ્વીકૃત રહ્યો. રાજ્યનું મુખ્ય કાર્ય સમાજમાં વ્યવસ્થા સ્થાપવાનું અને જાળવી રાખવાનું છે, અને એ બળ અથવા દંડશક્તિ (coercive power) વિના થઈ શકે તેમ નથી. તેથી બળવાન વ્યક્તિ રાજ્યસત્તા ધારણ કરે અને તેનો અમલ કરે એ યોગ્ય અથવા ઉચિત છે, એવો સિદ્ધાંત પણ એક વખતે પ્રચલિત હતો. સામાજિક કરારના સિદ્ધાંતકારોએ (હૉબ્સ, લૉક અને રૂસો) રાજ્યની લોકસ્વીકૃતિના આ ખ્યાલોનું ખંડન કરીને રાજ્યની રચના વ્યક્તિ વ્યક્તિ વચ્ચે થયેલા સ્વૈચ્છિક કરાર થકી થઈ છે, એવું સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. પ્રજાજનો-મનુષ્યો, રાજ્યમાં રહે છે અને રાજ્યની આજ્ઞાઓનું પાલન કરે છે; કારણ કે રાજ્યની રચના પ્રજાજનોની સંમતિથી થઈ હોય છે; રાજ્યમાં રહેવું અને તેની આજ્ઞાઓનું પાલન કરવું એ સૌના હિતમાં છે. આમ આ સિદ્ધાંતને આધારે રાજ્ય મનુષ્યોનું સર્જન છે, તેની ‘ઉપયોગિતા’ છે અને તેનો આધાર સૌની સ્વૈચ્છિક સંમતિ છે, એ બાબત રાજ્યની લોકસ્વીકૃતિનો આધાર બને છે.

લોકસ્વીકૃતિ શાસન કરવાના અધિકાર સાથે ગાઢ રીતે સંબંધ ધરાવે છે. શાસનસત્તાની લોકસ્વીકૃતિના ત્રણ પાયા છે : એક, સત્તાધિકારને શાસન કરવાનો અધિકાર છે કે કેમ; બીજું, તેણે યોગ્ય અથવા સાચી રીતે એ અધિકાર પ્રાપ્ત કર્યો છે કે કેમ અને ત્રીજું, તે અધિકારનો ઉપયોગ લોકહિત માટે કરવામાં આવે છે કે કેમ. એક, અમુક વ્યક્તિ કે સરકાર શાસન કરવાનો અધિકાર ધરાવે છે કે કેમ. એ પ્રશ્નની સાથે, એટલો જ મહત્વનો, કદાચ વધુ મહત્વનો પ્રશ્ન આ અધિકાર ‘કેવી રીતે’ પ્રાપ્ત કરવામાં આવ્યો છે, તે છે. દાખલા તરીકે સત્તાધારકે શાસન સત્તા ‘યોગ્ય રીતે’ અથવા ‘સાચી રીતે’ પ્રાપ્ત કરી છે કે કેમ. અલબત્ત ‘યોગ્ય રીતે’ અથવા ‘સાચી રીતે’ના ખ્યાલો બદલાતા રહ્યા છે. મુખ્ય પ્રશ્ન જે તે સમયે ‘યોગ્ય રીતે’ અથવા ‘સાચી રીતે’ વિશે જે માન્યતાઓ પ્રવર્તી હોય તે રીતે અનુસરીને શાસન કરવાનો અધિકાર પ્રાપ્ત કરવામાં આવ્યો છે કે કેમ, એનો છે. અને છેલ્લે, શાસન કરવાના અધિકારનો ઉપયોગ કયા ઉદ્દેશ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે, જેને આપણે શાસનસત્તાનું ‘નૈતિક પરિમાણ’ કહી શકીએ. રાજ્યનું બંધારણ, તેને અન્વયે ઘડવામાં આવેલા કાયદા અને લોકો દ્વારા ચૂંટાયેલી સરકારે ઘડેલી વિવિધ નીતિઓ થકી લોકોનું ‘ભલું’ અથવા ‘કલ્યાણ થાય છે કે કેમ. આવા માપદંડો થકી લોકસ્વીકૃતિનો વિચાર કરવામાં આવે છે.

કેટલાક વિદ્વાનો કાયદાના પાલન અથવા અનુસરણના સંદર્ભમાં લોકસ્વીકૃતિની પ્રમાણમાં સીમિત સમજૂતી આપવાનો પ્રયાસ કરે છે. તેમની દૃષ્ટિએ કાનૂન-નિર્માણની વ્યવસ્થા લોકસ્વીકૃતિની કસોટી છે. આ વ્યવસ્થા ત્યારે જ લોકસ્વીકૃત ગણાય જ્યારે એ ઘડનારા દેશના મૂળભૂત કાનૂન-બંધારણ-અનુસાર, લોકો દ્વારા ‘યોગ્ય અને ન્યાયી’ રીતે પસંદ થયેલા હોય. એમણે ‘યોગ્ય અને ન્યાયી કાર્યવિધિ’થી એ કાયદા ઘડ્યા હોય અને જેમનો હેતુ ‘લોકોનું ભલુ’ કરવાનો હોય. આવા કાયદાનું પાલન કરવાની લોકોની પ્રાથમિક ફરજ બને છે અને આવા કાયદાના ભંગ બદલ થનારી સજા અથવા દંડનો લોકોએ સ્વીકાર કરવાનો હોય છે.

પાશવી બળ (brutal force) અને લોકસ્વીકૃતિ વચ્ચે કોઈ સંબંધ છે ? ‘શુદ્ધ’ અથવા નિર્ભેળ પાશવી બળને લોકસ્વીકૃતિની જરૂર નથી. પાશવી બળનું ખુદનું એક પ્રકારનું વાજબીપણું છે. પાશવી બળના સમર્થકો ‘માઇટ ઇઝ રાઇટ’માં માને છે. તેઓ ‘બળિયાના બે ભાગ’માં માને છે. પાશવી બળનું વાજબીપણું તેમને મન સ્વયંસિદ્ધ (‘સેલ્ફ-એવિડન્ટ’) છે; પણ કેવળ અથવા નિર્ભેળ પાશવી બળથી લોકો પર કાયમ અને સતત અંકુશ રાખવો શક્ય નથી એ મનુષ્યજાતિનો અનુભવ છે. આથી લોકોની આજ્ઞાધીનતા અને વફાદારી અંકે કરવા અને જાળવવા સત્તાધારકો બળપ્રયોગ ઉપરાંત ધર્મ, વિચારધારા, પરંપરા, પુરસ્કાર અને સજા (‘reward and punishment’); સંસ્કૃતિ સમાજીકરણના એજન્ટો (કુટુંબ, શાળા, સંચારનાં સમૂહમાધ્યમો) વગેરેનો ઉપયોગ કરે છે. વળી કેવળ બળથી આધિપત્ય જમાવવું અને ટકાવી રાખવું એ સમાજમાં ઉપલબ્ધ સંસાધનોની દૃષ્ટિએ પણ ઘણું ખર્ચાળ છે. એટલે બળ ઉપરાંત અન્ય સાધનોનો ઉપયોગ સત્તાધારકો લોકસ્વીકૃતિ અંકે કરવા કરતા હોય છે.

આમ છતાં, એ યાદ રાખવું જરૂરી છે કે રાજ્ય અથવા સરકાર વધતે-ઓછે અંશે બળ અથવા દંડશક્તિનો ઉપયોગ તો કરે છે. ‘લોકસ્વીકૃત (legitimate) રીતે બળપ્રયોગ’ કરવાનો અધિકાર સમાજમાં માત્ર રાજ્ય (વ્યવહારમાં સરકાર) જ ધરાવે છે. બળની ઇજારાશાહી કેવળ રાજ્ય પાસે જ છે. કેવળ રાજ્ય જ વ્યક્તિને દેહાંતદંડની સજા કરી શકે પણ તે મનસ્વી રીતે નહિ; યોગ્ય, કાનૂની-ન્યાયિક પ્રક્રિયા કરીને જ. એટલે એ ‘લોકસ્વીકૃત’ ગણાય છે.

રાજ્યના વજૂદનો અત્યંત મહત્વનો આધાર ન્યાયપ્રવર્તન છે. રાજ્યના સ્વરૂપે સંગઠિત થયેલ સમાજમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના, પૂર્વગ્રહ કે પક્ષપાત સિવાય, સૌને ન્યાય આપવો એ રાજ્યની સૌથી મહત્વની અને પ્રાથમિક ફરજ છે; એટલું જ નહિ, રાજ્ય ‘ન્યાયી’ છે, એવી પણ પ્રતીતિ લોકોને હોવી જોઈએ. ન્યાય પર આધારિત રાજ્ય જ લોકોની આજ્ઞાધીનતા અને વફાદારીનો વાજબી રીતે દાવો કરી શકે.

જર્મન સમાજશાસ્ત્રી મૅક્સ વેબરે લોકસ્વીકૃતિના મુખ્ય ચાર સ્રોત દર્શાવ્યા છે :

(1) પરંપરા અથવા રૂઢિઓ. સદીઓથી સમાજમાં જે પરંપરાઓ સ્થાપિત થઈ હોય અને પળાતી હોય તેને, સામાન્ય રીતે લોકો પડકાર્યા વિના સ્વીકારી લેતા હોય છે. પરંપરાગત સમાજમાં પરંપરાઓનું વર્ચસ્ સૌથી વિશેષ હોય છે. પરંપરાનો ભંગ કરનાર અથવા નવો ચીલો પાડનાર વ્યક્તિ બહુ સ્વીકાર્ય બનતી નથી. તે હાંસીપાત્ર ઠરે. ક્યારેક તેને સામાજિક બહિષ્કારનો પણ સામનો કરવો પડે. ભારતમાં ઓગણીસમી સદીમાં સમાજસુધારકોને ઘણું સહન કરવું પડેલું. આધુનિક સમાજોમાં પરંપરાઓનો પ્રભાવ સદંતર નાબૂદ થતો નથી. ગ્રેટ બ્રિટનનું અલિખિત બંધારણ તેનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડે છે. પરંપરાઓમાં પરિવર્તન થતું રહે છે એ ભૂલવું ન જોઈએ. (2) કોઈ સંત કે ધર્મસ્થાપક(પયગંબર)ને લાધેલ સત્યમાં અકાટ્ય શ્રદ્ધા પણ લોકસ્વીકૃતિનો મહત્વનો સ્રોત છે. કોઈ વ્યક્તિ કે ગ્રંથમાં વ્યક્ત થયેલ સ્વયંપ્રકાશિત સત્યને લોકો કોઈ પણ જાતના તર્કની કસોટીની એરણે ચકાસ્યા વિના સ્વીકારી લે છે. ધર્મગ્રંથો અથવા ધર્મસ્થાપકોની વાણી સ્વયંપ્રકાશિત સત્ય અને અંતિમ જ્ઞાન રજૂ કરતાં હોવાથી, લોકો તેનો ‘શ્રદ્ધાપૂર્વક’ સ્વીકાર કરી લે છે. (3) વિવેકબુદ્ધિ(reason)ની મદદથી તારવવામાં આવેલાં કેટલાંક પરમ શાશ્વત મૂલ્યોમાં લોકોની નિષ્ઠા પણ લોકસ્વીકૃતિનો આધાર બને છે. તત્વચિંતકોએ ગાઢ ચિંતન થકી તારવેલાં કેટલાંક મૂલ્યો, જેવાં કે સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય, વ્યક્તિ માત્રનો મનુષ્ય તરીકે સ્વીકાર અને એ રીતે તેની સાથેનો વ્યવહાર વગેરે લોકસ્વીકૃતિના મહત્વના સ્રોત છે. આ મનુષ્યજાતિના અસ્તિત્વ, સાતત્ય અને શ્રેય માટે અનિવાર્ય હોવાથી ચિંતકોએ વિવેકબુદ્ધિથી તારવેલા હોવાથી તેનો અંધશ્રદ્ધાથી નહિ પણ નિષ્ઠાપૂર્વક સ્વીકાર કરવાનો છે. જે દેશોનાં બંધારણોમાં આ મૂલ્યોને સ્થાન આપવામાં આવ્યું હોય અને તે રાજ્યપ્રથાઓ, મહદંશે આ મૂલ્યોને ચરિતાર્થ કરવાનો પ્રયાસ કરતી હોય તેમની લોકસ્વીકૃતિની માત્રા ઊંચી હોય છે. (4) મનુષ્ય-સર્જિત સંસ્થાઓ (બંધારણ, ધારાસભા વગેરે) દ્વારા સભાનપણે, વિચારણા કરીને ઘડવામાં આવેલા નિયમો (બંધારણ અથવા કાયદા) એ પણ લોકસ્વીકૃતિનો મહત્વનો સ્રોત ગણાય છે. કાયદાનું શાસન, બંધારણીય સરકાર અને પારસ્પરિક સામાજિક, રાજકીય, આર્થિક વ્યવહારોનું નિયમન કરતા કાયદાઓ એ આધુનિક સમયમાં લોકસ્વીકૃતિનો મહત્વનો સ્રોત ગણાય છે.

આધુનિક ચિંતક હેબરમાસે વિકસિત (એડ્વાન્સ્ડ) મૂડીવાદી-ઉદારવાદી-લોકશાહી રાજ્યપ્રથાઓને ‘લોકસ્વીકૃતિની કટોકટી’(legitimation crisis)નો સામનો કરવો પડે છે, તેનું સુંદર વિશ્ર્લેષણ કર્યું છે. વિકસિત મૂડીવાદે વધુ ને વધુ પ્રમાણમાં મૂડીનું એકત્રીકરણ અને નફાકારક ક્ષેત્રોમાં રોકાણ કરવાનું છે. તો બીજી બાજુ, ન્યાય, સમાનતા, સ્વતંત્રતા જેવાં ઉદારવાદીલોકશાહી મૂલ્યોની જાળવણી કરવાની છે, તો જ તે સામાન્ય લોકોની આજ્ઞાધીનતા અને વફાદારી (લોકસ્વીકૃતિ) પ્રાપ્ત કરી શકે. આ આંતરવિરોધને કારણે ‘લોકસ્વીકૃતિની કટોકટી’નો સામનો કરવો પડે છે.

રાજ્યપ્રથાના ઉદ્દેશો, તે સિદ્ધ કરવા માટેનાં માળખાં, તે માટે જરૂરી પ્રક્રિયાઓ, રાજકીય વ્યવહારનાં ધારાધોરણો (rules of the game) વગેરે વિશે વ્યાપક સર્વસંમતિ પ્રથાની લોકસ્વીકૃતિ માટે અત્યંત જરૂરી છે. જો એમાં ભંગાણ પડે તો તે પ્રથાને ‘લોકસ્વીકૃતિની કટોકટી’નો સામનો કરવો પડે છે. એશિયા, આફ્રિકા અને લૅટિન અમેરિકાનાં નવોદિત રાષ્ટ્રોમાં આવી કટોકટી ઘણી વાર ઊભી થાય છે. ત્યાં બળપ્રયોગ કરીને લશ્કર અથવા સરમુખત્યાર રાજકીય સત્તા કબજે કરે છે. પછી જુદા જુદા નિમિત્તે પોતાની સત્તાને વાજબી ઠેરવવા પ્રયાસ કરે છે.

દિનેશ શુકલ