લૉવેલ ઑબ્ઝર્વેટરી, ઍરિઝોના, અમેરિકા

January, 2005

લૉવેલ ઑબ્ઝર્વેટરી, ઍરિઝોના, અમેરિકા : સૌર મંડળના ગ્રહોની તથા તારાવિશ્ર્વોની જાણકારી મેળવવા માટે સ્થાપવામાં આવેલ વેધશાળા. આ વેધશાળા 2,200 મીટર ઊંચાઈએ, ફ્લેગસ્ટેફ, ઍરિઝોનામાં આવેલી છે. તેની સ્થાપના 1894માં પર્સિવલ લૉવેલ (Percival Lowell : 1855-1916) નામના અમેરિકાના એક ખગોળપ્રેમીએ કરેલી. લૉવેલ રાજદૂતની કામગીરી બજાવનાર મુત્સદ્દી હતા અને અમેરિકાના એક ધનિક અને નામાંકિત પરિવારના હતા. લૉવેલને મંગળ પર જીવસૃદૃષ્ટિ હોવાની બાબતે ઘણો રસ હતો. અને આ ખાનગી વેધશાળાની સ્થાપના પાછળનો મુખ્ય ઉદ્દેશ પણ મંગળ ઉપર બુદ્ધિમાન જીવો વસતા હોવાની સંભાવના ચકાસવાનો જ હતો. જોકે આ ઉદ્દેશ તો પાર પડ્યો નહિ, પરંતુ અહીંથી બીજી કેટલીક મહત્વની શોધો થઈ. અહીં કામ કરતા ક્લાઇડ ટૉમ્બાહ (Clyde Tombaugh : 1906-1997) નામના યુવાન સંશોધકે 1930માં પ્લૂટો ગ્રહને શોધી કાઢ્યો. આ વેધશાળામાં ગ્રહોને લગતું કેટલુંક મહત્વનું સંશોધન પણ થયું છે. આ ઉપરાંત ખગોળવિદ્યાને સ્પર્શતાં બીજાં પણ સંશોધનો થયાં છે. લૉવેલે પોતે પણ મંગળ ગ્રહ અંગે અન્વેષણો કર્યાં છે. સન 1920માં વેસ્તો સ્લિફેર (Vesto Melvin Slipher : 1875-1969) નામના અમેરિકાના ખગોળવિદે શોધી કાઢ્યું કે દૂરના બધા તારાવિશ્ર્વો(galaxy)ના વર્ણક્રમોની રેખાઓ રક્ત-વિચલન (red-shift) દાખવે છે. તેનો અર્થ એ કે તે બધાં તારાવિશ્ર્વો આપણાથી દૂર ભાગે છે. આ આશ્ર્ચર્યજનક શોધ પણ અહીંથી જ થઈ હતી.

અહીં ચાર ટેલિસ્કોપ આવેલાં છે : (1) 60 સેમી.નું વર્તક (રિફ્રેક્ટર). 1896માં સ્થાપવામાં આવેલું આ દૂરબીન વેધશાળાનું જૂનામાં જૂનું દૂરબીન છે; (2) 60 સેમી.નું મૉર્ગન રિફલેક્ટર (Morgan Reflector); (3) 53 સેમી.નું રિફલેક્ટર અને (4) 45 સેમી.નું ઍસ્ટ્રોગ્રાફ. આ ઉપરાંત, આ સ્થળેથી, અગ્નિ દિશામાં 24 કિમી.ના અંતરે ઍન્ડરસન મેસા (Anderson Mesa) ખાતે આવેલાં ચારેક ટેલિસ્કોપનું સંચાલન પણ આ વેધશાળા કરે છે. આમાં 1.8 મીટરના રિફલેક્ટર-પર્કિન્સ નામના ટેલિસ્કોપ(Perkins Telescope)નો સમાવેશ થાય છે. આ પરાવર્તકનું સંચાલન ઓહાયો સ્ટેટ યુનિવર્સિટી (Ohio State University) અને ઓહાયો વેસલેયાન યુનિવર્સિટી(Ohio Wesleyan University)ના સહકારથી થાય છે. આ ખાનગી વેધશાળાનો વહીવટ લૉવેલના વંશજોનું બનેલું ટ્રસ્ટ સંભાળે છે.

સુશ્રુત પટેલ